હિંમતના હલેસાં દ્વારા સમુદ્રની છાતી ચીરતાં તરણવીરો* ———- *ચોરવાડથી વેરાવળના અરબી સમુદ્રમાં ૩૫મી વીર સાવરકર તરણ સ્પર્ધા યોજાઈ*
*હિંમતના હલેસાં દ્વારા સમુદ્રની છાતી ચીરતાં તરણવીરો*
----------
*ચોરવાડથી વેરાવળના અરબી સમુદ્રમાં ૩૫મી વીર સાવરકર તરણ સ્પર્ધા યોજાઈ*
----------
*ગુજરાત સહિત મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળના સ્પર્ધકોએ ભાગ લીધો*
--------
*ભાઈઓમાં પ્રત્યાય ભટ્ટાચાર્યએ અને બહેનોમાં ડિમ્પલ ગૌડાએ સ્પર્ધા જીતી*
----------
ગીર સોમનાથ, તા.૧૯: રમત-ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ, ગાંધીનગર અને જિલ્લા વહિવટી તંત્ર-ગીર સોમનાથ દ્વારા આજે આદ્રી બીચ ખાતે ખાતેથી મહિલાઓની અને ચોરવાડ ખાતેથી ભાઈઓને સમુદ્ર તરણ સ્પર્ધા યોજાઈ હતી.
સતત ઉછળતા મોજા, ઠંડુ પાણી અને તીવ્ર પવન સહિતની વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે હિંમતના હલેસાં દ્વારા સમુદ્રની છાતી ચીરી સ્પર્ધકોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન દાખવ્યું હતું.
આજે વહેલી સવારે આદ્રી બીચ ખાતે ગીર સોમનાથ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંજૂલાબહેન મૂછાર અને જિલ્લા કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં બહેનો માટેની અને ચોરવાડ બીચ ખાતે ચોરવાડ નગરપાલિકાના પ્રમુખ શ્રી બેનાબેન ચુડાસમાની ઉપસ્થિતમાં ૩૫મી વીર સાવરકર તરણ સ્પર્ધા-૨૦૨૫ યોજાઈ હતી.
આ તરણ સ્પર્ધામાં ગુજરાત સહિત કર્ણાટક, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળના વિવિધ રાજ્યના ૩૭ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાંથી તૈરાકીનું કૌવત બતાવતા ભાઈઓમાં પશ્ચિમ બંગાળના પ્રત્યાય ભટ્ટાચાર્યએ અને બહેનોમાં કર્ણાટકના ડિમ્પલ ગૌડાએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો.
આ તકે કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, આ કપરી તરણ સ્પર્ધા પૂરી કરવી એ જ એક મોટો પડકાર છે. આ પડકારને સ્પર્ધકોએ સારી રીતે પાર પાડ્યો છે.
કલેક્ટરશ્રીએ આ સ્પર્ધામાં ભાગ લઈ વિજેતા બનનાર સ્પર્ધકોને અભિનંદન પાઠવ્યાં હતાં અને જે સ્પર્ધકો આ વર્ષે વિજેતા નથી બન્યાં તેવા સ્પર્ધકો આવતા વર્ષે વધુ તૈયારી સાથે આવે અને વિજેતા બને એ માટેની અગ્રીમ શુભેચ્છાઓ પાઠવી હતી. સાથે જ, આ સ્પર્ધાની જહેમત ઉઠાવનાર સંલગ્ન વિભાગોને શુભકામનાઓ પાઠવી હતી.
ભાઈઓ માટે ચોરવાડ થી વેરાવળ (૨૧ નોટિકલ માઈલ) સુધી યોજાયેલી સ્પર્ધામાં પશ્ચિમ બંગાળના પ્રત્યાય ભટ્ટાચાર્યએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. આ સ્પર્ધા તેમણે ૦૪ કલાક ૪૭ મિનિટ અને ૨૬ સેકન્ડમાં પૂરી કરી હતી. જ્યારે પશ્ચિમ બંગાળના સાગર સાહાએ ૦૫ કલાક ૦૮ મિનિટ ૪૦ સેકંડમાં સ્પર્ધા પૂરી કરી બીજો નંબર પ્રાપ્ત કર્યો હતો. જ્યારે ગુજરાતના ધ્રુવ ટાંકે ૦૫ કલાક ૧૨ મિનિટ અને ૦૨ સેકંડમાં સ્પર્ધા પૂરી કરી અને ત્રીજો ક્રમાંક મેળવ્યો હતો.
જ્યારે બહેનો માટે આદ્રીથી વેરાવળ (૧૬ નોટિકલ માઈલ) સુધી યોજાયેલી સ્પર્ધામાં કર્ણાટકના ડિમ્પલ ગૌડાએ ૦૩ કલાક ૩૩ મિનિટ અને ૨૫ સેકન્ડમાં તરણ સ્પર્ધા પૂરી કરી પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. જ્યારે સુરતની તાશા મોદીએ ૦૩ કલાક ૩૬ મિનિટ અને ૫૧ સેકંડમાં સ્પર્ધા પૂરી કરી બીજો ક્રમાંક અને મહારાષ્ટ્રની અનુજા ઉગ્લેએ ૦૩ કલાક ૪૧ મિનિટ અને ૫૭ સેકંડમાં સ્પર્ધા પૂરી કરી અને ત્રીજો ક્રમાંક મેળવ્યો હતો.
શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ખાતે ઇનામ વિતરણ યોજાયું હતું. રાજ્ય સરકાર તરફથી પ્રથમ ક્રમાંક મેળવનાર વિજેતાઓને રૂ.૫૦,૦૦૦, દ્વિતિય ક્રમાંક મેળવનારને રૂ.૩૫,૦૦૦ અને તૃતિય ક્રમાંક મેળવનાર વિજેતાઓને રૂ.૨૫,૦૦૦ની રાશિથી સન્માનિત કરાયાં હતાં.
તેમજ પૂજ્ય મોટા હરી ઓમ આશ્રમ તરફથી પ્રથમ ક્રમાંક મેળવનાર તમામ વિજેતાઓને રૂ. ૭૫,૦૦૦, દ્વિતિય વિજેતાને ૪૦,૦૦૦ અને ત્રીજા વિજેતાને રૂ ૨૬,૦૦૦ની પુરસ્કૃત રાશિ તેમજ સમયમર્યાદામાં સ્પર્ધા પૂર્ણ કરનાર ૪ થી ૧૦ ક્રમાંકના સ્પર્ધકોને રૂ.૯,૯૯૯ના પ્રોત્સાહક પુરસ્કારથી સન્માનિત કરાયા હતાં.
આ તકે, જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી એચ.ડી.મકવાણાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. આ સેરેમનીમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંજૂલાબહેન મૂછાર, સંસ્કૃત યુનિવર્સિટી સ્પોર્ટ્સ ડિરેક્ટર શ્રી જયેશ મુંગરા, પ્રાંત યુવા વિકાસ અધિકારી શ્રી અશ્વિન સોલંકી, હરિઓમ આશ્રમના પ્રતિનિધિ શ્રી શૈલેષભાઈ કોઠી, અગ્રણી શ્રી ગોપાલભાઈ ફોફંડી સહિતના ખારવા સમાજના અગ્રણીઓ તેમજ સ્પર્ધકોના કુટુંબીજનો ઉપસ્થિત રહ્યા હતાં.
૦૦ ૦૦૦ ૦૦ ૦૦૦
આ પ્રકારના તમામ સમાચાર માટેે
