દિલ્હી વારાણસી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ રેલવે બોર્ડે નામંજૂર કર્યો! - At This Time

દિલ્હી વારાણસી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ રેલવે બોર્ડે નામંજૂર કર્યો!


નવી દિલ્હી તા. 22 ઓગષ્ટ 2022,સોમવારદેશની રાજધાની દિલ્હી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંસદીય વિસ્તાર વારાણસીને જોડતા રૂ.૧.૫૦ લાખ કરોડના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઉપર હવે પ્રશ્નાર્થ લાગી ગયું છે. ભારત સરકારના રેલવે મંત્રાલયે અને નવા કાર્ય માટે કામગીરી કરતા રેલવે બોર્ડે આ પ્રોજેક્ટની સંભાવનાઓ ચકાસતા રિપોર્ટને નામંજૂર કર્યો છે. બન્ને શહેર વચ્ચે જોડવાના બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ રિપોર્ટ અનુસાર ઘણા વળાંક આવે છે. આ વળાંકથી ટ્રેનની સ્પીડ ૩૫૦ કિલોમીટર પ્રતિ કલાક રાખવી શક્ય નથી એમ રેલવે બોર્ડે જણાવ્યું હતું. બુલેટ ટ્રેનની સ્પીડ માટે રેલવે ટ્રેક શક્ય હોય એટલો સીધો હોવો જરૂરી છે જયારે આ પ્રોજેક્ટમાં ઘણા વળાંક આવે છે એટલે ગતી જાળવી રાખવી શક્ય નથી. રેલવે સચિવ આર એન સિંહના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન દ્વારા તૈયાર કરવામાં આવેલા પ્રોજેક્ટ રિપોર્ટ ઉપર ચર્ચા કરવામાં આવી હતી. સંભવિત પ્રોજેક્ટ રિપોર્ટમાં નેશનલ હાઈ વે 2 ઉપર જમીન સંપાદન કરી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ઉભો કરવાની ભલામણ કરવામાં આવી હતી. જોકે, આ હાઈ-વે ઉપર ઘણી જગ્યાએ વળાંક આવી રહ્યા છે અને તેના કારણે ટ્રેનની ગતી ૩૫૦ કિલોમીટર રાખવી જોખમી થઇ શકે એમ છે. બીજી તરફ, રેલવે બોર્ડની બેઠકમાં અમદાવાદ અને મુંબઈને જોડતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની ચર્ચા થઇ હતી જેમાં વધી રહેલા ખર્ચ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી. આ કોરીડોર ઉપર દર કિલોમીટરનો ટ્રેક બિછાવવા માટે રૂ.૨૦૦ કરોડ અને કુલ ખર્ચ હવે રૂ.૧.૫૦ લાખ કરોડ પહોચી ગયો હોવાથી બોર્ડે ચિંતા વ્યક્ત કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.