*દેરોલ ખાતે એક હેક્ટરમાં વન કવચમાં ૧૦,૦૦૦ વૃક્ષોના વાવેતરનો શુભારંભ કરાયો* - At This Time

*દેરોલ ખાતે એક હેક્ટરમાં વન કવચમાં ૧૦,૦૦૦ વૃક્ષોના વાવેતરનો શુભારંભ કરાયો*


*દેરોલ ખાતે એક હેક્ટરમાં વન કવચમાં ૧૦,૦૦૦ વૃક્ષોના વાવેતરનો શુભારંભ કરાયો*

********
*ધારાસભ્યશ્રીના હસ્તે વૃક્ષારોપણ કરી વૃક્ષ રથને લીલી ઝંડી અપાઇ**
*********

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના દેરોલ ખાતે પર્યાવરણના જતન અર્થે વન કવચમાં ધારાસભ્યશ્રી વી. ડી. ઝાલાએ વૃક્ષારોપણ કરી ખેડૂતના ખેતરો સુધી સરગવાના વૃક્ષોને પહોંચાડવા વૃક્ષ રથને લીલી ઝંડી આપી હતી.
દેરોલ ગામની ગૌચર જમીનમાં એક હેક્ટરમાં ૧૦ હજાર વૃક્ષોનું વાવેતર કરી વન કવચ ઉભુ કરવા માટે ધારાસભ્યશ્રી વી.ડી.ઝાલા અને મહાનુભવો દ્રારા વૃક્ષારોપણ કર્યું હતું. ગ્રીન એમ્બેસેડર જીતુભાઈ દ્વારા હિંમતનગરના ખેડૂતોને તેના ખેતર સુધી સરગવાના એક લાખ વૃક્ષો પહોંચાડવાના સંકલ્પને ચરિત્રાર્થ કરી ખેડૂતને વધારાની આવક ઉભી થશે અને પર્યાવરણને લાભ પહોંચશે.
આ પ્રસંગે ધારાસભ્યશ્રીએ જણાવ્યું હતું કે, આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીને દેશના ખેડૂતોની આવક બમણી કરવા માટે અનેક યોજનાઓ અમલી બનાવી છે તેમજ પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપી રહ્યા છે આ સિવાય ખેડૂતો પોતાના ખેતરની શેઢાપાળાની જમીનનો ઉપયોગ કરી વૃક્ષારોપણ કરી વધારાની આવક ઉભી કરે તે ખુબ મહત્વનું છે આમાં પર્યાવરણને પણ ફાયદો થશે.
સાબરકાંઠા જિલ્લા સમાહર્તા શ્રી નૈમેશ દવે આ પ્રસંગે વૃક્ષારોપણના મહત્વને જણાવી સાબરકાંઠા જિલ્લાને હરિયાળો સાબરકાંઠા બનાવવા અપીલ કરી હતી.
સામાજિક વનીકરણ વિભાગના વન સંરક્ષક સામાજીક વનીકરણ શ્રી શ્રેયાંશ પટેલે જણાવ્યું હતું કે, સાબરકાંઠા જિલ્લામાં દેરોલની જેમ અન્ય ૫ જગ્યાએ ઘનિષ્ઠ વનીકરણ કરી વન કવચ ઊભા કરવામાં આવશે. જયાં આશરે ૩૫ હજારથી વધુ વૃક્ષો આ વન કવચ ખાતે ઉછેરવામાં આવશે.
આ જગ્યાઓમાં સેલ્ફી પોઈંન્‍ટ, વનકુટીર, બટરફ્લાય ગાર્ડન બનાવવામાં આવશે જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે. તેમજ વૃક્ષોની અલગ અગલ ૫૦ થી ૬૦ જાતના વૃક્ષો લોકો વૃક્ષો વિશે જાણકારી મેળવી શકશે.
આ પ્રસંગે વન સંરક્ષક શ્રી ઠક્કર, ગ્રીન એમ્બેસેડર શ્રી જીતુભાઇ, ગામના સરપંચશ્રી, ગ્રીન ગ્લોબલ બ્રિગેડની ટીમ, ફોરેસ્ટ વિભાગનો સ્ટાફ તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
૦૦૦૦૦૦


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.