“સહી પોષણ, દેશ રોશન” સંતુલિત આહાર જ સગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રી અને શીશુનાં આરોગ્યની ચાવી - At This Time

“સહી પોષણ, દેશ રોશન” સંતુલિત આહાર જ સગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રી અને શીશુનાં આરોગ્યની ચાવી


ગર્ભાવસ્થામાં પોષણક્ષમ આહાર: બાળકના વિકાસનો આધાર

સગર્ભા સ્ત્રીઓએ શું ખાવું જોઈએ અને કેટલાં પ્રમાણમાં ખાવું જોઈએ?

“સહી પોષણ, દેશ રોશન”ની થીમ સાથે મહિલા અને બાળ વિકાસ મંત્રાલય 1થી 30 સપ્ટેમ્બર દરમિયાન 5મો રાષ્ટ્રીય પોષણ માહ ઉજવી રહ્યું છે. આ વર્ષની ઉજવણી “મહિલા અને આરોગ્ય” અને “બાળ અને શિક્ષણ” પર મુખ્ય ધ્યાન કેન્દ્રિત કરીને કરવામાં આવી રહી છે. પોષણ અભિયાન એ સગર્ભા સ્ત્રીઓ, સ્તનપાન કરાવતી માતાઓ, બાળકો અને કિશોરવયની કન્યાઓ માટે પોષણના પરિણામો સુધારવા માટેનું સરકારશ્રીનું અભિયાન છે. ત્યારે ચાલો જાણીએ કે સગર્ભાવસ્થામાં સ્ત્રીઓએ શું ખાવું જોઈએ અને કેટલાં પ્રમાણમાં ખાવું જોઈએ?
સગર્ભાવસ્થામાં સ્ત્રીઓએ કેટલું વધારે ખાવું જરૂરી છે?
સગર્ભાવસ્થા વખતે ગર્ભના વિકાસ માટે વધારે પોષણની જરૂર પડે છે અને આ માટે વધારે અને પોષણક્ષમ ખોરાકની જરૂરિયાત ઉભી થાય છે. સગર્ભાએ કેટલી વખત ભોજન લેવું તેવો કોઈ નિયમ નથી છતાં પણ દિવસમાં દર ત્રણ ત્રણ કલાક બાદ ભોજન લેવું જોઈએ. ભૂખ ના લાગી હોય છતાં પણ પોષણયુક્ત ભોજન લેવું. એનું કારણ છે કે ગર્ભની અંદર રહેલું બાળક દર ચાર કલાકે ભૂખ્યું થતું હોય છે. આ ઉપરાંત જો પૂરતાં પ્રમાણમાં ભોજન લેવામાં આવે તો ગર્ભાવસ્થા દરમિયાન માતા અને તેનાં ગર્ભમાં રહેલું બાળક બંને સ્વસ્થ રહે છે. દિવસમાં લગભગ 10 થી 12 ગ્લાસ પાણી પીવું જોઈએ. ભરપૂર પ્રમાણમાં પાણી પીવામાં આવે તો શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે છે.
ગર્ભાવસ્થાના શરૂઆતના તબક્કામાં સ્ત્રીઓએ વધુ પ્રમાણમાં પ્રોટીન, વિટામિન, મિનરલ્સ, કાર્બોહાઇટ્રેડ, ચરબી, મલ્ટી વિટામિન, કેલ્શિયમ, ફોલિક એસિડ, આયર્ન, એન્ટી ઓક્સિડેન્ટ, ઓમેગા-3, ઓમેગા- 6, વગેરે તત્વો મળી રહે તેવાં ખોરાકનો ભોજનમાં વધુ ઉપયોગ કરવો જોઈએ.
રોજિંદા જીવન કરતાં વધુ ભોજન આ સમય દરમિયાન લેવું જોઈએ. આ માટે ઉક્ત મુજબની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ.
• પ્રોટીન યુક્ત ખોરાક જેવો કે બધા પ્રકારના કઠોળ, દૂધ, સોયાબીન સહિતની ચીજોનો સમાવેશ કરવો જોઇએ. પ્રોટીન શરૂઆતનાં તબક્કામાં ખુબ જ જરૂરી છે. આ ઉપરાંત સગર્ભાઓએ આયર્ન અને ફોલિક મળી રહે તેવો આહાર જેમ કે પાલક, ચોખાનાં પોહા, દલિયા વગેરેનો સમાવેશ ભોજનમાં કરવો જોઈએ.
• વિટામિનયુક્ત ભોજનનો પણ સમાવેશ કરવો જોઈએ. ફળને વિટામિનનો ભંડાર ગણવામાં આવે છે. ગર્ભાવસ્થા દરમિયાન વિટામિન લેવા ખુબ જરૂરી છે તેથી ફળ વધુ માત્રામાં ખાવા જોઈએ. જેમાં ચીકુ, દાડમ, દ્રાક્ષ, કેરી, કેળા, કીવી, સફરજન સહિતનાં ફળ ખાઈ શકાય છે. આખા દિવસ દરમિયાન બેથી ત્રણ ફળ ખાવા જોઈએ.
• લીલા શાકભાજી પણ ખુબ જ જરૂરી છે, આ સમય દરમિયાન લીલા શાકભાજીનો પણ વધુ પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. લીલા શાકભાજીમાંથી જરૂરી પોષકતત્વો મળી રહે છે. અલગ અલગ ચારથી પાંચ પ્રકારનાં શાકભાજીનું કચુંબર બનાવી ખાવું જોઈએ. જેમાં ગાજર, કાકડી, ટામેટાં, કોબીનો સમાવેશ કરવો જોઈએ. આ ઉપરાંત લીલી ભાજીનો પણ ભોજનમાં સમાવેશ કરવો જોઈએ.
• ખોરાકમાં ઘી, માખણ વગેરેને યોગ્ય પ્રમાણમાં સામેલ કરવા જોઈએ.
સંતુલિત આહાર જ સગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રી અને બાળકના આરોગ્યની ચાવી છે. જુદાં જુદાં પોષણક્ષમ આહારનો ખોરાકમાં ઉપયોગ કરવાથી તે એકબીજાનાં પૂરક બને છે અને શરીરને તમામ જરૂરી પોષકતતત્વો મળી રહે છે. સગર્ભા સ્ત્રીઓએ ડોક્ટરની સલાહ સૂચન મુજબ ખોરાક લેવો જોઈએ. જેથી માતા અને બાળક બંનેનું આરોગ્ય જળવાઈ રહે.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.