બોટાદમાં પ્રથમવાર મતદાન કરતાં યુવાવર્ગમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ - At This Time

બોટાદમાં પ્રથમવાર મતદાન કરતાં યુવાવર્ગમાં જોવા મળ્યો અનેરો ઉત્સાહ


લોકશાહીને મજબૂત બનાવવા તેમજ રાષ્ટ્રહિત માટે સૌએ જાગૃત બની મતદાન કરવું જ જોઇએ: યુવા મતદાર

વિધાનસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૨ અન્વયે બોટાદ જિલ્લાના લોકોમાં મતદાન કરવા માટેનો ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. આ વખતે સૌ પ્રથમ વખત મતદાન કરનારા યુવાનો લોકશાહીના અવસરમાં હરખભેર સામેલ થયા હતા. યુવાનોએ પ્રથમ વખત મતદાનના અનુભવો પણ વર્ણવ્યાં હતાં. ત્યારે ગઢડા ખાતે બ્રાંચ શાળા નં-2 ખાતે સૌપ્રથમ વખત મત આપનારા યુવા મતદારશ્રી કિશનભાઇ દિપકભાઇ બારોટે પોતાનો અનુભવ જણાવતાં કહ્યું હતું કે, “હું કોલેજનાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરું છું. આજે ખૂબ જ આનંદનો ‘અવસર’ છે, લોકશાહીના પર્વમાં સૌએ રંગેચંગે ભાગ લેવો જોઈએ, આજે જ્યારે હું પ્રથમ વખત મતદાન કરવા આવ્યો છું તો એવું લાગી રહ્યું છે કે જાણે ખરેખર કોઈ ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. મારું મતદાન મથક સંપૂર્ણ દિવ્યાંગ કર્મચારીઓ સંચાલિત મતદાન છે જેની વ્યવસ્થા પણ ખૂબ જ સારી છે, દિવ્યાંગ અધિકારી તેમજ કર્મચારીઓ દ્વારા તમામ કામગીરી ખૂબ જ સુંદર રીતે કરવામાં આવી રહી છે. હું મારી જેવાં અન્ય યુવાનોને એટલું જ કહીશ કે, લોકશાહીને મજબૂત બનાવવા તેમજ રાષ્ટ્રહિત માટે સૌએ જાગૃત બની મતદાન કરવું જ જોઇએ.”

ગઢડા ખાતે સ્ટેશન રોડ સ્થિત કન્યા શાળામાં અજયસિંહ ગોહિલે પણ પ્રથમવાર મતદાન કરી આનંદની ભાવના સાથે પોતાની લાગણી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, “આજે સૌપ્રથમ વાર મતદાન કરી મેં લોકશાહીમાં મારી ભાગીદારી નોંધાવી તેનો મને ખૂબ હરખ છે. તમામ નાગરિકોએ આ “અવસર”માં અચૂક ફાળો નોંધાવવો જોઇએ.”

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.