વાગરાના વજાપરામાં માટીખનન સામે તંત્રની ગાજ, 10 કલાકની કાર્યવાહીમાં 5 કરોડનો મુદ્દામાલ જપ્તC શેર
વાગરા તાલુકાના વજાપરા વિસ્તારમાં ચાલતી માટીખનનની પ્રવૃતિ પર દરોડો પાડી 18 ડમ્પર અને 2 અેકસવેટર મશીન સહિત 5.02 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. શનિવારે સવારે 10 વાગ્યાથી શરૂ કરવામાં આવેલી કામગીરી રાત્રિના 8 વાગ્યા સુધી ચાલી હતી. હાલમાં કેટલા સમયથી માટી ખનન ચાલી રહયું હતું અને કેટલી માટી ખોદવામાં આવી છે તેની વિગતો હજી સુધી બહાર આવી શકી નથી.ભરૂચમાં વિકાસની સાથે રેતી અને માટી માફિયાઓનો પણ વિકાસ થઇ રહયો છે. શુકલતીર્થમાં નર્મદા નદીમાં 3 લોકોના ડૂબવાના મોતની ઘટના બાદ ગેરકાયદે રેતીખનન બાદ હવે માટીખનન સામે તંત્રએ તવાઇ બોલાવી છે.
ભુસ્તરશાસ્ત્રી રચના ઓઝા તથા તેમની ટીમે વાગરાના વજાપરા વિસ્તારમાં નિર્જન સ્થળેથી માટી ખોદકામનું મોટુ કૌભાંડ ઝડપી પાડયું છે. સવારે 10 થી રાતના 8 વાગ્યા સુધી તપાસ કરવામાં આવી હતી. સ્થળ પરથી 18 ડમ્પર સહિત 5.02 કરોડનો મુદ્દામાલ કબજે લેવાયો છે. સ્થળ પરથી મળેલા ડ્રાઇવરોની પૂછપરછ કરવામાં આવી હતી પણ હજી સુધી ચોકકસ વિગતો તંત્રને મળી શકી નથી. માટી ખનન માટે મંજૂરી મેળવવામાં આવી છે કે કેમ ? માટી ખનન થઇ રહયું હતું તે સરકારી જગ્યા છે કે ખાનગી ? સહિતની વિગતો મેળવવામાં આવી રહી છે. હાલ તો વાહનો કબજે કરી માટીખનન કોણ કરાવી રહયું હતું તેની તપાસમાં તંત્ર જોતરાયું છે.
રેઇડ માટે ખાસ ટીમો બનાવવામાં આવી છે
રેતી અને માટી ખનનને રોકવા માટે ખાસ ટીમ બનાવવામાં આવી છે. સ્ટાફ ઓછો પડતો હોય ત્યાં અન્ય વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓની મદદ લેવા આદેશ કરી દેવાયો છે. આગામી દિવસોમાં પણ રેઇડની કામગીરી ચાલુ રાખવામાં આવશે. તુષાર સુમેરા, કલેકટર, ભરૂચ
વાગરાના વજાપરા વિસ્તારમાં ગેરકાયદે માટીખનન કરવામાં આવી રહયું હોવાની ચોકકસ બાતમી તંત્રને મળી હતી.
એક સપ્તાહ અગાઉ પણ તંત્રએ વજાપરા વિસ્તારમાં દરોડો પાડયો હતો પણ ત્યાં ખોદકામ થયેલું જણાયું હતું પરંતુ કોઇ હાજર નહિ હોવાથી રેઇડ નિષ્ફળ રહી હતી. ઝાડી ઝાંખરાથી ઘેરાયેલા વિસ્તારમાં ખોદકામ જણાતા તંત્રએ વોચ ગોઠવી હતી. ભરૂચના એસડીએમ મનીષા મનાણીએ જણાવ્યું હતું કે, એક સપ્તાહ પહેલાં રેઇડ કરાઇ હતી પણ કઇ હાથ લાગ્યું ન હતું.
શનિવારે સવારના સમયે ખાણ ખનીજ વિભાગ, પોલીસ તથા મામલતદારની ટીમને સાથે રાખીને દરોડો પાડવામાં આવતાં બે મશીનની મદદથી માટી ખોદીને ડમ્પરોમાં ભરવામાં આવી રહી હતી. ટીમના દરોડા દરમિયાન કેટલાક ડ્રાઇવરો સ્થળ પરથી ભાગી છુટયાં હતાં. શનિવારની રેઇડ દરમિયાન 10 થી 12 જેટલા ડ્રાઇવરો મળી આવતાં તેમની પૂછપરછ કરવામાં આવી હતી પણ તેઓ મગનું નામ મરી પાડી રહયાં ન હતાં અને કોણ ખોદકામ કરાવે છે તેની માહિતી આપી રહયાં ન હતાં. પ્રાથમિક તબકકે એકસવેટર મશીન લકી નામના વ્યકતિના હોવાની વિગતો સામે આવી છે.
રિપોર્ટર: સૈયદ શેર અલી
9978498188
આ પ્રકારના તમામ સમાચાર માટેે
