અમદાવાદઃ કમિશનરે પોલીસને વેપારીઓ પાસેથી ચાર કરોડ ઉઘરાવવાનો ટાર્ગેટ આપ્યો
- શહેરમાં ડ્રગ્સ વિરોધી મેરેથોનના આયોજન અનુસંધાનમાં આદેશ - પોલીસ કમિશનરના આદેશ બાદ તમામ પોલીસ મથકોના પોલીસ અધિકારીઓ કાયદો વ્યવસ્થા ભુલીને મેરેથોનની તૈયારીમાં વ્યસ્ત બન્યાઅમદાવાદ, સોમવારઅમદાવાદ શહેરમાં પોલીસ નિષ્ફળ જતા છેલ્લાં ઘણા સમયથી ડ્રગ્સનો કાળો કારોબાર વધી રહ્યો છે. ત્યારે અમદાવાદ પોલીસે આગામી ૨૭મી ઓગસ્ટના રોજ ડ્રગ્સ વિરોધી મેરેથોનનું આયોજન કર્યું છે. જેના માટે પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ દ્વારા પોલીસ ઇન્સ્પેક્ટર્સથી માંડીને આઇપીએસ અધિકારીઓને મેરેથોનના ખર્ચને પહોંચી વળવા માટે ચાર કરોડ રૂપિયાનો ટાર્ગેટ આપ્યો છે. જેના કારણે શહેર પોલીસના અધિકારીઓ કાયદો અને વ્યવસ્થાની સંભાળવાની જવાબદારીને ભુલીને મેરેથોનના આયોજનમાં લાગી ગયા છે. જેમાં ઉદ્યોગપતિઓ અને વેપારીઓ સાથે બેઠકો પણ શરૂ કરવામાં આવી છે.પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવના કાર્યકાળમાં શહેરમાં ગુનાખોરી તેમજ ડ્રગ્સનો કારોબાર બેરોકટોક રીતે વધ્યો છે અને પોલીસ આ નેટવર્કને તોડવામાં નિષ્ફળ રહી છે. ત્યારે અમદાવાદના લોકોનું ધ્યાન મુળ મુદ્દાથી બીજી તરફ દોરવા માટે આગામી ૨૭મી ઓગસ્ટના રોજ ડ્રગ્સ વિરોધી મેરેથોનનું આયોજન કર્યુ છે. જેમાં રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટરથી સિંધુ ભવન રોડ પર તાજ સ્કાય લાઇન હોટલ સુધી ૨૧ કિલોમીટર લાંબા રૂટમાં લાખો લોકો ઉમટી પડે તે માટે વિવિધ સંસ્થાઓને ટારગેટ અપાયા છે. સાથેસાથે પોલીસ કમિશનરે પોલીસ સ્ટેશનના અધિકારીઓથી માંડીને આઇપીએસને પોલીસની મુળભુત કામગીરી કરવાને બદલે આગામી એક સપ્તાહ સુધી માત્ર ડ્રગ્સ વિરોધી મેરેથોન માટે સક્રિય રહેવા માટે સુચના આપી છે. જેમાં મેરેથોનમાં ચાર કરોડ રૂપિયાનો માતબર ખર્ચ કરવા માટે વેપારીઓ અને ઉદ્યોગપતિઓ પાસેથી નાણાં ઉઘરાવવા માટે આદેશ કર્યો છે. આ માટે પોલીસ અધિકારીઓએ બેઠકોનો દૌર શરૂ કર્યો છે. પોલીસ તરફથી આર્થિક સહાયનું દબાણ વધતા વેપારી અને ઉદ્યોગપતિઓમાં રોષ પણ જોવા મળી રહ્યો છે.આ સાથે વધુ વધુ રજીસ્ટ્રેશન થાય તે માટે પણ જવાબદારી સોંપવામાં આવી છે. જેના કારણે હાલ પોલીસ સ્ટેશનોમાં આવતા ફરિયાદીઓને સાઁભળવાને બદલે તેમને ૨૮ તારીખ પછી ફરિયાદ માટે કે અન્ય કામ માટે આવવાનું કહેવામાં આવે છે. એટલું જ નહી પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવે દરરોજ અધિકારીઓ પાસેથી મેરેથોનની તૈયારીને લગતી કામગીરીનો રિપોર્ટ મંગાવવાની સુચના આપી છે. ગુનેગારોને પકડતી ક્રાઈમ બ્રાન્ચને ગુજરાતી કલાકારોની વ્યવસ્થા કરવાની ખાસ જવાબદારી સોંપાઈઅમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ગમે તેવા ખૂંખાર આરોપીઓને ઝડપી લેવા સક્ષમ છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓને ડ્રગ્સ વેચતા મોતના સોદાગરને ઝડપી લેવાના બદલે ડ્રગ્સ વિરોધી મેરેથોન માટે જુદા જુદા લોક કલાકારો અને ગુજરાતી કલાકારોને મેરેથોનમાં લાવવા માટેની અને તેમની વ્યવસ્થા કરવાની જવાબદારી સોંપવામાં આવી છે. હવે ક્રાઈમ બ્રાન્ચના કોઈપણ અધિકારી કોઈપણ રીતે કલાકારો સાથે સંકળાયેલા નહીં હોવાથી તેમને મેરેથોનમાં લાવવા દોડધામ કરી રહ્યા છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.