સફાઇ કામદારોની રેલી – મનપા ગેટ બહાર ચકકાજામનો પ્રયાસ કરતા ધરપકડો
રાજકોટ મહાપાલિકામાં એક તરફ સફાઇ કામદારોની ભરતી પ્રક્રિયા શરૂ થઇ છે ત્યારે બીજી તરફ સફાઇ કામદાર યુનિયન દ્વારા નિયમો સામેની રજુઆત સતત ચાલુ રહી છે. આજે ફરી સફાઇ કામદાર યુનિયને અમુક નિયમો રદ્દ કરવાની માંગણી સાથે રેલી કાઢતા મહાપાલિકા કચેરીના ગેટ બહાર ફરી પોલીસ ખડકાઇ ગઇ હતી. અગાઉ પણ કરાયેલી રજુઆત ફરી આજે કરવાની હોય, મનપા વિજીલન્સ અને પોલીસે ઢેબર રોડ પર ચકકાજામનો પ્રયાસ કરતા આગેવાનોની અટકાયત કરી લીધી હતી.
યુનિયનના આગેવાનો અને કામદારોને કચેરી અંદર જવા દેવામાં આવ્યા ન હતા તો તમામને પોલીસ મથકે લઇ જઇને બાદમાં મુકત કરી દેવામાં આવ્યા હતા. મનપામાં કામદારોની ભરતી માટે જાહેરાત આપવામાં આવી છે. પ૩ર જેટલી જગ્યા માટે અરજીઓ લેવાઇ રહી છે. આ દરમ્યાન હજુ ઘણા નિયમો અન્યાયકારી હોવાની રજુઆત સતત કામદાર યુનિયન દ્વારા કરવામાં આવે છે.
દરમ્યાન યુનિયન પ્રમુખ પારસ બેડીયાની આગેવાનીમાં આજે બપોરે હોસ્પિટલ ચોક, ડો.આંબેડકરજીની પ્રતિમા પાસેથી કામદારોની રેલી કાઢવા જાહેરાત કરવામાં આવી હતી. તેના પગલે મનપામાં અગાઉથી પોલીસ ખડકાઇ ગઇ હતી.
હોસ્પિટલ ચોકથી કામદારો રેલી સ્વરૂપે પહોંચ્યા હતા. તેમની માંગણી સાથે સુત્રોચ્ચાર કર્યા હતા પરંતુ પોલીસે અંદર આવવાની કે આવેદનપત્ર આપવાની પરવાનગી આપી ન હતી. આથી ઘણા બહેનો રસ્તા પર બેસી ગયા હતા. રસ્તા પર ચકકાજામનો પ્રયાસ થતા અને વાહનોની અવરજવર બંધ થઇ જવાની ભીતિ લાગતા અંતે પોલીસે તમામ કામદારો અને આગેવાનોની અટકાયત કરી લીધી હતી.
બાદમાં તેમને પોલીસ મથકે લઇ જવામાં આવ્યા હતા. મનપા કચેરીના ગેટ બહાર આ રીતે થોડો સમય રકઝક અને ઝપાઝપી જેવું વાતાવરણ સર્જાયુ હતું અને ગેટ બંધ કરી દેવામાં આવ્યા હતા. બાદમાં રાબેતા મુજબ કચેરીના ગેટ ખોલી નાખવામાં આવ્યા હતા.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.