સાતમ – આઠમ પર ખાસ છૂટ? : ઘરમાં પરિવાર સાથે પત્તા રમતા હશો તો પોલીસની રોક – ટોક નહીં
શ્રાવણ માસમાં જન્માષ્ટમી સહિતના તહેવારોમાં લોકો ઉત્સવ અને રજાના મૂડમાં હોય છે. ખાસ કરીને સાતમ-આઠમમાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં પત્તે રમવાનું ચલણ છે. ત્યારે સાતમ આઠમ પર પત્તે રમવા પર ખાસ છૂટ રહેશે? તેવો સવાલ ચર્ચાઈ રહ્યો છે. કારણ કે, ઘરમાં પરિવાર સાથે પત્તે રમતા હશો તો પોલીસની રોક-ટોક નહીં તેવું સૂત્રો તરફથી જાણવા મળે છે.
ઉલ્લેખનીય છેકે, સામાન્ય દિવસોમાં એક જ ઘરના પરિવારોમાં મોટેરા લોકો પોતાના કામ ધંધા કે નોકરીમાં વ્યસ્ત હોય છે, જ્યારે યુવાનો, બાળકો અભ્યાસમાં પરોવાયેલા રહે છે. પણ તહેવારોમાં બધા સભ્યો ઘરે એકત્ર હોય છે. ખાસ સાતમ આઠમના તહેવારમાં એકત્ર થયેલા પરિવારજનો મજા લૂંટવા ખુબ જ નાનો જુગાર રમતા હોય છે.
અગાઉ એવા કિસ્સામાં પરિવારોના ફ્લેટ ઉપર અચાનક પોલીસ આવી જાય અને પછી જો પોલીસ કર્મી ભ્રષ્ટ હોય તો નાનો મોટો તોડ પણ કરે છે. આવા કિસ્સા ક્યાંય રેકર્ડ પર આવતા નથી પણ ચર્ચામાં રહે છે. ગુજરાતમાં જન્માષ્ટમીના પર્વ નિમિત્તે પૈસા-પાનાનો જુગાર રમવો એક પ્રકારની પ્રથા અને પ્રણાલિકા બની ગઇ છે. આમ તો લોકો તેને સાતમ-આઠમની ઉજવણી તરીકે ઓળખાવે છે.
બીજી તરફ શ્રાવણ માસ અને સાતમ આઠમમાં રીઢા જુગારીઓ પણ એક્ટિવ હોય છે. દર વખતની જેમ આ વખતે પણ પોલીસ જુગારની બદીને ડામી દેવા કડક હાથે પગલાં લેશે. જે વ્યક્તિ પૈસા કમાવાના હેતુથી ફાર્મ હાઉસ ઉપર, હોટલના રૂમમાં કે પછી પોતાના ઘરે અથવા કોઇ ખાનગી સ્થળે લોકોને ભેગા કરીને પૈસા-પાનાનો જુગાર રમાડવાનો પ્રયાસ કરશે.
તેઓની સામે કડક હાથે કામ લેવા પોલીસે અત્યારથી જ અભિયાન શરૂ કરી દીધું છે. શહેરના એક વરિષ્ઠ પોલીસ અધિકારીઓનું એમ માનવું છે કે સાતમ-આઠમના તહેવારની ઉજવણીના ભાગરૂપે એક પરિવારના લોકો નાનો જુગાર રમતા હોય તો પોલીસે બહુ ચિંતા કરવા જેવી નથી.
જો કોઇ વ્યક્તિ પૈસા કમાવાના હેતુથી કોઇ ફાર્મહાઉસ, હોટલના રૂમમાં અથવા કોઇ ખાનગી સ્થળે લોકોને ભેગા કરીને જુગારધામ ચલાવવાનો પ્રયાસ કરશે તો એવા લોકોની ખેર નથી, તેઓની સામેલ આકરાં પગલાં લેવામાં આવશે.
પરંતુ કોઇની બાતમીના આધારે કોઈ ફ્લેટના દરવાજા નહીં ખખડાવે. જન્માષ્ટમીના તહેવારની ઉજવણી રૂપે કેટલાંક પરિવારની મહિલાઓ પણ જુગાર રમે છે, આ લોકો પૈસા જીતવા માટે નહીં પરંતુ ફક્ત મજા કરવા માટે પત્તા રમતા હોય છે.
રાજકોટના વરિષ્ઠ પોલીસ અધિકારીએ જણાવ્યા મુજબ, ઘણા લોકો જુગાર રમવાની વૃત્તિ રાખતા હોય છે. તેઓ આ તહેવારમાં બહારથી પોતાના સગા સંબંધીઓ ઉપરાંત અન્ય લોકોને પણ પોતાના ઘરે બોલાવી જુગાર રમાડી આર્થિક લાભ લેતા હોય છે. આવા કિસ્સામાં કાર્યવાહી થશે.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.