મધર ડે: દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે ઉજવવામાં આવે છે.
એવું કહેવામાં આવે છે કે ભગવાન દરેક જગ્યાએ ન હોઈ શકે, તેથી તેમણે માતાને બનાવી. ભગવાન કરતાં માતાને ઉચ્ચ દરજ્જો આપવામાં આવ્યો છે. એક માતા એ બધી વાતોને પોતાની મેળે સમજી જાય છે, જે બાળક કહી પણ નથી શકતું. દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે મધર્સ ડે ઉજવવામાં આવે છે. આ દિવસ તેમના પ્રેમ અને બલિદાન માટે વિશ્વભરની દરેક માતા અને માતાની આકૃતિનું સન્માન કરવા માટે ઉજવવામાં આવે છે.
જુદા જુદા દેશોમાં અલગ અલગ તિથિએ મધર્સ ડે મનાવવામાં આવે છે. પરંતુ, મોટે ભાગે તે મેના બીજા રવિવારે ઉજવવામાં આવે છે. આ દિવસ પ્રાચીનકાળથી ઉજવવામાં આવે છે. ગ્રીક અને રોમનોએ સૌ પ્રથમ તેને દેવી રિયા અને દેવી સાયબેલના સન્માનમાં ગોઠવ્યું હતું. પરંતુ મધર્સ ડેનું આધુનિક વર્ઝન અમેરિકામાં 20મી સદીમાં શરૂ થયું છે. તેની શરૂઆત અન્ના જાર્વિસ દ્વારા કરવામાં આવી હતી, જે તેની માતા “એન રીવ્સ જાર્વિસ” નું સન્માન કરવા માંગતી હતી. કારણ કે, તેણે પોતાના બાળકો માટે ખૂબ જ મહેનત કરી હતી અને ઘણા બલિદાન આપ્યા હતા.
આ દુનિયામાં જો કોઇ જબરજસ્ત transformation થતું હશે તો એ એ કે કન્યા જ્યારે મા બને છે. એનું શરીર, મન, બોલવું-ચાલવું, વ્યવહાર, જીવન આખું બદલાઈ જાય છે…ફક્ત એના દેવના દીધેલને માટે. અને આ transformation એવું કે જીવનપર્યંત એ મા જ રહે છે. ૯ મહિનાની પ્રસૂતિની વેદના, નવજાત શિશુનો ઉછેર અને એમ કરતાં કરતાં આખી દુનિયાથી અલિપ્ત થઈ જવું, આવા કેટલાય તબક્કાઓમાંથી પસાર થાય છે, ફક્ત એના બાળકના વિકાસ માટે! આવી આ મા જ્યાં સુધી જીવતી છે ત્યાં સુધી સંસ્ક્રુતિ જીવતી છે! અને એ માતાનું ભારતીય વિચારધારાએ વૈશ્વિકરણ એ રીતે કર્યું છે કે આપણે ગાય, નદી, પ્રુથ્વી, દેશ (ભારતમાતા), અરે ભગવાન સુધ્ધાંને માતા કહીએ છીએ. અહીં અમેરિકામાં આજનો દિવસ મધર્સ ડે છે, જ્યારે ત્યાં ભારતમાં હર દિવસની સવાર બાળકો માતાને માત્રુદેવો ભવ કહીને રોજેરોજ માત્રુદિન ઊજવે છે….ત્યારે એ નિમિત્તે આજે આપણે આપણી માતાને કહીએ કે “જનનીની જોડ સખી નહી મળે રે લોલ”.
મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.
પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ,
જગથી જૂદેરી એની જાત રે … જનનીની
અમીની ભરેલ એની આંખડી રે લોલ,
વ્હાલનાં ભરેલાં એના વેણ રે … જનનીની
હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
હૈયું હેમંત કેરી હેલ રે … જનનીની
દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ,
શશીએ સિંચેલ એની સોડ્ય રે … જનનીની
જગનો આધાર એની આંગળી રે લોલ,
કાળજામાં કૈંક ભર્યા કોડ રે … જનનીની
ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,
પળના બાંધેલ એના પ્રાણ રે … જનનીની
મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
લેતા ખૂટે ન એની લહાણ રે … જનનીની
ધરતી માતા એ હશે ધ્રૂજતી રે લોલ,
અચળા અચૂક એક માય રે … જનનીની
ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ રે … જનનીની
વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે … જનનીની
ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
એનો નહિ આથમે ઉજાસ રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.
-- દામોદર ખુશાલદાસ બોટાદકર
9586241119
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.