બોટાદમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અન્વયે ત્રિકોણી ખોડીયાર ગ્રાઉન્ડ ખાતે યોજાયું રિહર્સલ
બોટાદમાં પ્રજાસત્તાક પર્વની રાજ્યકક્ષાની ઉજવણી અન્વયે ત્રિકોણી ખોડીયાર ગ્રાઉન્ડ ખાતે યોજાયું રિહર્સલ
સુરક્ષા દળની ૨૫ જેટલી પ્લાટુન્સ દ્વારા વિવિધ કરતબો સહિત સાંસ્કૃતિક કાર્યક્રમની ઝાંખી કરતી અવનવી કૃતિઓ રજૂ કરાઇ
મોટરસાયકલ સ્ટંટ શો, ડોગ સ્ક્વોડ બન્યાં આકર્ષણનું કેન્દ્ર
બોટાદના ત્રિકોણી ખોડીયાર ગ્રાઉન્ડ ખાતે રાષ્ટ્રીય પર્વ ૨૬મી જાન્યુઆરીની રાજ્યકક્ષાની ઉજવણી થનાર છે. આ માટે પૂર્વ તૈયારીઓના ભાગરૂપે પ્રજાસત્તાક દિનના ધ્વજવંદનના કાર્યક્રમનું આજે રિહર્સલ કરવામાં આવ્યું હતું,જેમાં સુરક્ષા દળની જુદીજુદી ૨૫ જેટલી પ્લાટુનો દ્વારા વિવિધ કરતબો તથા શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અવનવી કૃતિઓ રજૂ કરવામાં આવી હતી.
જેમાં પોલીસના જવાનો, હોમગાર્ડના જવાનો, ચેતક કમાન્ડો, મહિલા પોલીસ જવાનો દ્વારા શિસ્તબધ્ધ રીતે પરેડ યોજવાની સાથે મોટરસાયકલ સ્ટંટ શો, ડોગ સ્ક્વોડ અને અશ્વદોડના જવાનોએ વિવિધ નિદર્શનો રજૂ કરીને ઉપસ્થિત લોકોને આશ્વર્યચકિત કરી દીધા હતાં. પોલીસ બેન્ડ દ્વારા પ્રેક્ટિસ કરવાની સાથોસાથ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમની ઝાંખી કરતી અવનવી કૃતિઓનું પણ રિહર્સલ કરવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે, ૭૪માં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણીમાં બોટાદના આંગણે ભારતીય કોસ્ટ ગાર્ડ, ગુજરાત મરીન કમાન્ડો, શ્વાનદળ, અશ્વદળ, બેન્ડદળ સહિત ૨૫ જેટલી પ્લાટુનો અને પાઇપ બેન્ડ/ચેતક કમાન્ડો સાથે ૮૬૦ જેટલાં સુરક્ષા દળો આ પરેડના સહભાગી બનશે.
Report, Nikunj Chauhan
7575863232
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.