થર્ટી ફર્સ્ટે ડ્રગ્સના કસ લેતાં પહેલાં ચેતજો: એક સેક્ધડમાં પોલીસ પકડી પાડશે ! - At This Time

થર્ટી ફર્સ્ટે ડ્રગ્સના કસ લેતાં પહેલાં ચેતજો: એક સેક્ધડમાં પોલીસ પકડી પાડશે !


નવા વર્ષની ઉજવણી કરવા માટે ગુજરાત સહિત આખું વિશ્ર્વ અત્યારે થનગનાટ અનુભવી રહ્યું છે. બીજી બાજુ ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી ખાસ કરીને યુવાવર્ગમાં દારૂ અને ડ્રગ્સના સેવનનું પ્રમાણ વધી ગયું હોવાથી તેને નાથવા માટે પોલીસ દ્વારા ખાસ્સી જહેમત ઉઠાવવામાં આવી રહી છે. થર્ટીફર્સ્ટ હોય એટલે છાંટોપાણી અને ડ્રગ્સ લેવાનો જોખમી ટ્રેન્ડ આ વખતે ન થાય તે માટે પોલીસે અત્યારથી જ તૈયારીઓ કરી લીધી છે. રાજ્ય પોલીસવડા આશિષ ભાટિયા દ્વારા ડ્રગ્સના દૂષણને અટકાવવા એક નવતર પહેલ હાથ ધરતાં રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરતની પોલીસને ડ્રગ એનલાઈઝર કિટની ફાળવણી કરી છે. આ કિટ થકી પોલીસ એક સેક્ધડની અંદર પકડી પાડશે કે કોઈએ ડ્રગ્સ લીધું છે કે નહીં.
આ નવી સિસ્ટમ થકી પોલીસ રસ્તા પર જેવી રીતે દારૂ પીધેલા દારૂડિયાને બ્રિઝ એનેલાઈઝરથી પકડી લેતી હતી તેવી જ રીતે હવે ડ્રગ્સનું સેવન કરીને નીકળેલા લોકોને ડ્રગ એનેલાઈઝરથી પકડી લેશે. એવું નથી કે થર્ટીફર્સ્ટ પૂરતો જ આ એનેલાઈઝરનો ઉપયોગ કરવામાં આવશે. થર્ટી ફર્સ્ટબાદ પણ પોલીસ દ્વારા કોલેજો, પાનના ગલ્લા સહિતના જાહેરસ્થળો ઉપર ચેકિંગ કરીને રેડ પાડશે. આ કિટનો રાજ્યમાં પ્રથમવાર ઉપયોગ થવા જઈ રહ્યો હોવાથી ચારેય શહેરોની પોલીસને અત્યારે ગાંધીનગરમાં ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. આ માટે રાજ્ય સરકારે 50 લાખ રૂપિયાના ખર્ચે કિટ વસાવી છે. આ કિટથી ઓન ધ સ્પોટ ડ્રગ્સ લીધું છે કે નહીં તેની જાણકારી મેળવી શકાશે. રાજકોટ પોલીસને પણ આ કિટની સોંપણી કરી દેવામાં આવી છે અને આવતીકાલે તેની ટ્રેનિંગ પૂર્ણ થયા બાદથી શહેરમાં તેનો ઉપયોગ શરૂ કરી દેવામાં આવશે.અત્રે ઉલ્લેખનીય છે કે તહેવારો હોય કે સામાન્ય દિવસો હોય પોલીસ દ્વારા દારૂડિયાને પકડવા માટે બ્રિથ એનેલાઈઝર કિટનો ઉપયોગ કરીને દારૂનું સેવન કર્યું છે કે નહીં તેની ખરાઈ કરી લેવામાં આવતી હતી. બ્રિઝ એનેલાઈઝરમાં એક સ્ટીક આવે છે જે શંકાસ્પદ દારૂડિયાના મોઢામાં નાખીને તેના શ્ર્વાસ મારફતે દારૂના સેવન અંગેની જાણકારી મળી શકે છે. આવી જ જાણકારી હવે ડ્રગ્સ એનેલાઈઝર કિટથી મેળવી શકાશે. એકંદરે રાજ્યમાં પહેલીવાર આ અંગેનો પ્રયોગ થઈ રહ્યો હોવાથી પોલીસમાં પણ તેને લઈને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પ્રારંભે અત્યારે ગુજરાતના ચાર શહેરોમાં આ કિટનો ઉપયોગ કરવામાં આવશે અને ત્યારપછી તબક્કાવાર અન્ય જિલ્લાઓમાં પણ કિટ આપવામાં આવશે. તાજેતરમાં જ ગૃહમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે ગુજરાતમાં ડ્રગ્સનું દૂષણ ન ઘૂસી જાય તે માટે પોલીસ એકદમ એલર્ટ છે અને આ બદીને ડામવા માટે હરસંભવ પ્રયાસો કરવામાં આવશે.

અત્રે ઉલ્લેખનીય છે કે 31 ફર્સ્ટ હોય એટલે યુવાનો તેની ઉજવણી ડ્રગ્સ અને દારૂ સહિતના નશીલા પદાર્થોના સેવનથી જ કરવી તેવી ચિંતાજનક ગાંઠ બાંધીને બેસી ગયા હોય, વાલીઓમાં પણ ભારોભાર ચિંતા જોવા મળી રહી છે. બીજી બાજુ અત્યાર સુધી કોઇ વ્યકિતએ ડ્રગ્સનું સેવન કર્યુ છે કે નહીં તેની ખરાઇ કરવા માટે પોલીસ માટે સચોટ મીકેનીઝમ મતલબ કે પૂરતા સાધનો ઉપલબ્ધ ન હતા. જોકે રાજય પોલીસ વડા આશિષ ભાટીયા દ્વારા ડ્રગ્સના સેવનને પકડી પાડવા માટે હવે ડ્રગ્સ એનેલાઇઝરની કીટ વસાવી તાત્કાલીક ચાર શહેરોની પોલીસને તેની ફાળવણી પણ કરી દીધી છે ત્યારે આવતીકાલથી જ પોલીસ તેનો ઉપયોગ શરૂ કરી દેશે. ખાસ કરીને રાજકોટની વાત કરવામાં આવે તો અહીં અમુક ચોકકસ કોલેજોની બહાર ડ્રગ્સ અને ગાંજાનું વેચાણ ફુલ્યુ ફાલ્યુ હોય તેને બંધ કરાવવા માટે ડ્રાઇવ ચાલી જ રહી છે. સાથે સાથે હવે કોઇ નશીલા પદાર્થનું સેવન કરશે તો તેને એક સેક્ધડમાં પોલીસ પકડી લેશે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.