મહીસાગર જિલ્લામાં આધુનિક ગરબા સામે પરંપરાગત માટીના ગરબાની માંગ યથાવત - At This Time

મહીસાગર જિલ્લામાં આધુનિક ગરબા સામે પરંપરાગત માટીના ગરબાની માંગ યથાવત


આદ્યશક્તિ મા અંબાના નવલા નોરતાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે, ત્યારે માટીના દેશી ગરબાનુ બજારમાં વેચાણ જોવા મલી રહ્યુ છે!હાલ આપણે જાણીએ છીએ એ મુજબ, વર્તમાન સમયમાં બધી જ ચીજવસ્તુને આધુનિકતાનો સ્પર્શ થયો છે,ત્યારે હાલના સમયના બજારમાં સીરામિક અને પીઓપીથી તૈયાર થયેલ ગરબા પણ મળી રહે છે, પરંતુ તેની સામે આપણા પરંપરાગત માટીના દેશી ગરબાએ પોતાનું સ્થાન એમનું એમ જાળવી રાખ્યું છે તેવુ જોવા મલી રહ્યુ છે.

મહીસાગર જિલ્લાના લુણાવાડા નગરમાં વસતાં અનેક કુંભાર પરીવારો નવરાત્રી નિમિત્તે પરંપરાગત માટીના દેશી ગરબા બનાવે છે, જેમાં ખૂબ જ મહેનત લાગે છે. દેશી ગરબા બનાવવામાં નવરાત્રી પહેલાં કુંભાર પરિવારના ચારથી પાંચ સભ્યો ગરબા બનાવવાના કામમાં લાગી જાય છે. દિવસભર કરેલી મહેનતના અંતે 50 જેટલાં ગરબા તૈયાર થઈ શકે છે. નવરાત્રી નજીક આવતાં જ તેને બજારમાં વેચાણ માટે મૂકવામાં આવે છે, ત્યારે અનેક હિન્દુ પરિવારો ઉત્સાહપૂર્વક આ ગરબાની ખરીદી કરે છે.અને પહેલાં નોરતેથી માતાજીની શ્રદ્ધાની સાથે પોતાને ઘેર ગરબાનું સ્થાપન કરી તેનું પૂજન-અર્ચન કરે છે.હાલના સમયમાં બજારમાં પીઓપી અને સીરામિક માટીમાંથી તૈયાર થયેલા ગરબા પણ વધુ જોવા મળે છે, જેને વિસર્જન કરતાં તેને ઓગળવામાં સમય લાગે છે.જ્યારે ફક્ત માટીમાંથી જ તૈયાર થયેલ દેશી ગરબા વિસર્જન કરતા ઝડપથી ઓગળી જાય છે.આ જ કારણે કુંભાર પરિવાર દ્વારા તૈયાર થતાં દેશી ગરબા આજે પણ એટલાં જ મહત્વના સાબિત થઈ રહ્યાં છે. માટીના ગરબા પાક્યા પછી તેના પર રંગબેરંગી કરીને અવનવી ભાત ચિતરવામાં આવે છે,એટલું જ નહીં આભલા-ટીક્કી વડે તેને સુશોભિત કરવામાં આવે છે.આમ ગરબા નાની-મોટી અનેક સાઈઝમાં મળી રહે છે.જયારે ગરબો વેચાય નહીં, ત્યાં સુધી તેની ખૂબ જ કાળજી લેવી પડતી હોય છે! જો ગરબો સહેજ પણ ડેમેજ થાય તો, તેને ખંડિત ગણવામાં આવે છે અને ગ્રાહકો તેની ખરીદી પણ કરતાં નથી. માટીના ગરબા બની અને તૈયાર થઈને બજારમાં આવે ત્યારે તે રૂ.51 થી લઈને રૂ.501સુધીની કિંમતે તેની સાઈઝ મુજબ વેંચાતા હોય છે. કુંભાર પરિવારના દરેક સભ્યોએ કરેલી અથાગ મહેનત સામે આ કિંમત કદાચ કઈ જ નથી! તેમ છતાં આપણી પરંપરાને જાળવી રાખી આજે પણ અનેક કુંભાર પરિવાર નવરાત્રીનું પર્વ આવે એ પહેલાં પુરી લગનથી માતાજીના ગરબા દર વર્ષે બનાવી અનોખો આનંદ અનુભવતાં હોય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.