શિવમનગરમાં મકાનનું કામ કરતા કોન્ટ્રાકટરને બાજુના મકાન માલિકે મારકુટ કરતા ફરિયાદ - At This Time

શિવમનગરમાં મકાનનું કામ કરતા કોન્ટ્રાકટરને બાજુના મકાન માલિકે મારકુટ કરતા ફરિયાદ


શહેરના સત્યાસાંઇ રોડ પર આવેલા શીવમનગરમાં મકાનની છત ભરવાનું કામ કરી રહેલા કોન્ટ્રાકટરને અહીં બાજુમાં મકાન ધરાવનાર શખસે ગાળો અને ધમકી આપી જ્ઞાતિ અંગે અપમાનિત કર્યો હતો.તેમજ તેની સાથે મારકૂટ કરતા મામલો પોલીસ મથકમાં પહોંચ્યો હતો.રાજકોટ તાલુકા પોલીસે એટ્રોસિટી એકટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
વધુ વીગતો મુજબ,જસદણના વિરનગરમાં રહેતા મુકેશભાઇ લક્ષ્મણભાઇ સોલંકી(ઉ.વ 34) દ્વારા તાલુકા પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટમાં સત્યસાંઇ રોડ પર શીવમનગર શેરી નં.2 માં રહેતા હીતેશ વાણીયાનું નામ આપ્યું છે.
યુવાને ફરિયાદમાં જણાવ્યા મુજબ,પોતે કોન્ટ્રાકટર હોય તેણે શીવમનગરમાં હીરેનભાઇ કલોલાના મકાનની છત ભરવાનું કામ રાખ્યું હતું.અહીં પડોશમાં રહેતા હિતેશ વાણીયાને હીરેનભાઇ સાથે છત ભરવા બાબતે વિવાદ ચાલે છે.દરમીયાન ગઇકાલે સવારના છત ભરવાનું કામ શરૂ કરતા હિતેશ ધસી આવ્યો હતો તેણે બાંધકામના ફોટા પાડી ફરિયાદીને તેની જ્ઞાતિ વિશે પુછી બાદમાં જ્ઞાતિ અંગે અપમાનજનક શબ્દો કહી કહ્યું હતું કે તારે અહીં કામ કરવાનું નથી અને કામ કરીશ તો તારા ટાટીયા ભાંગીશ નાખીશ તેવી ધમકી આપી ગાળો આપી યુવાનનો કાંઠલો પકડી પેટમાં ઘુસતો મારી દીધો હતો અને ઝપાઝપી કરી હતી.આ અંગે યુવાનની ફરિયાદ પરથી પોલીસે આરોપી સામે એટ્રોસિટી એકટની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.