બોટાદ જિલ્લામાં વરસાદથી સર્જાતી કોઈપણ વિકટ પરિસ્થિતીને પહોંચી વળવા તંત્ર સુસજ્જ - At This Time

બોટાદ જિલ્લામાં વરસાદથી સર્જાતી કોઈપણ વિકટ પરિસ્થિતીને પહોંચી વળવા તંત્ર સુસજ્જ


બોટાદ જિલ્લામાં વરસાદથી સર્જાતી કોઈપણ વિકટ પરિસ્થિતીને પહોંચી વળવા તંત્ર સુસજ્જ
---------
ભારે વરસાદ વચ્ચે રસ્તાઓ પર પાણી નિકાલની વ્યવસ્થા ઝડપી થાય તે જરૂરી: કલેક્ટરશ્રી
---------
તાલુકા અને જીલ્લાકક્ષાએ રાઉન્ડ ધી ક્લોક કંટ્રોલ રૂમ કાર્યરત
---------

માહિતી બ્યુરો, બોટાદ:- રાજ્યમાં વરસાદની આગાહી વચ્ચે બોટાદ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા અગમચેતીના પગલાઓ લેવામાં આવી રહ્યા છે. બોટાદ જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠકમાં કલેક્ટરશ્રી બી.એ.શાહે તંત્રને ચોમાસામાં કોઈપણ વિકટ સ્થિતિને પહોંચી વળવા માટે ખાસ સૂચનો કર્યા હતા.

કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, ચોમાસામાં જો ભારે વરસાદ પડે તો દરેક સ્થિતિને પહોંચી વળવા તંત્ર સુસજ્જ છે. જિલ્લા કલેક્ટરશ્રીએ બોટાદ જિલ્લામાં ભારે વરસાદ પડે તેવી સ્થિતિમાં રસ્તાઓ બ્લોક ન થાય તે માટે ખાસ તકેદારી રાખવા સૂચન કર્યુ હતું. ઉપરાંત તેમણે ઉમેર્યુ હતું કે ભારે વરસાદ બાદ ઝડપથી વાહન વ્યવહાર પૂર્વવત થાય તે માટે પગલા લેવામાં આવે સાથોસાથ જોખમી જગ્યાઓની યાદી તૈયાર કરવામાં આવે. જેથી ભારે વરસાદ પડે તો તે સ્થળો પરથી લોકોનું તાત્કાલિક સ્થળાંતર થઈ શકે.

બોટાદ વહીવટી તંત્ર દ્વારા વરસાદ સમયે કોઈપણ વિકટ પરિસ્થિતીને પહોંચી વળવા એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. ભારે વરસાદ/પૂર/ચોમાસા દરમિયાન કોઈ અઘટિત બનાવ બને તો લોકોને તરત જ મદદ મળી રહે તે માટે તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાએ કંટ્રોલ રૂમ પણ શરૂ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત વીજળી પડવાની ઘટનાથી બચવા માટે દેશના હવામાન વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવેલી દામિની એપ ડાઉનલોડ કરવા જીલ્લા પ્રશાસન દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવી છે.

ભારે વરસાદ/પૂર/ચોમાસા દરમિયાન કોઈ અઘટિત બનાવ બને તો તાત્કાલિક તાલુકા અને જીલ્લાકક્ષાના કંટ્રોલ રૂમના નંબર- (02849)-271340/271341, બોટાદ તાલુકા માટે (02849)-251412, ગઢડા તાલુકા માટે (02847)-253227, બરવાળા તાલુકા માટે (02711)-237324 અને રાણપુર તાલુકા માટે (02711)-238885 પર સંપર્ક સાધી મદદ મેળવી શકાશે.
00000


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.