ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી – ૨૦૨૨ - At This Time

ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણી – ૨૦૨૨


બોટાદ ખાતે ઓબ્ઝર્વરશ્રીઓ અને જિલ્લા ચૂંટણી અધિકારી-વ- જિલ્લા કલેક્ટરશ્રીનાં અધ્યક્ષસ્થાને નોડલ ઓફિસર્સશ્રીઓ સાથે બેઠક યોજાઇ

બોટાદ જિલ્લા કલેક્ટરશ્રી બી.એ.શાહ દ્વારા ગુજરાતમાં સૌ પ્રથમ વખત લોકશાહીને સમર્પિત મતદાન મથક “સમર્પણ બુથ“ ના નવતર અભિગમને ઓબ્ઝર્વરશ્રીઓએ બિરદાવ્યો

પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન થકી બન્ને બેઠકોની વિસ્તૃત જાણકારી મેળવતાં ઓબ્ઝર્વરશ્રીઓ : હવે તમામ ગતિવિધિ પર ચાંપતી નજર રહેશે

વિધાનસભા સામાન્ય ચુંટણી – ૨૦૨૨ મુક્ત, ન્યાયી, નિષ્પક્ષ તેમજ શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તે માટે બોટાદ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે જે અન્વયે બોટાદ જિલ્લાની ૦૨ વિધાનસભા સીટ પર તા.૧ ડિસેમ્બરે થનારા મતદાનની પૂર્વ તૈયારીના ભાગરૂપે ચૂંટણી પંચ દ્વારા બોટાદ જિલ્લામાં નિયુક્ત કરાયેલા ઓબ્ઝર્વરશ્રીઓ અને જિલ્લા ચૂંટણી અધિકારી-વ- જિલ્લા કલેક્ટરશ્રી બી.એ.શાહનાં અધ્યક્ષસ્થાને તા.૧૬ નવેમ્બરનાં રોજ બોટાદ કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી.

આ બેઠકમાં ભારતના ચૂંટણી પંચ દ્વારા બોટાદ જિલ્લામાં પોલીસ ઓબ્ઝર્વર તરીકે શ્રી રાજશેખરા એન. (IPS), ખર્ચ ઓબ્ઝર્વર તરીકે શ્રી સંદીપ રાણા (IRS), જનરલ ઓબ્ઝર્વર શ્રી શાંતનું ગોયેલ (IAS) અને જનરલ ઓબ્ઝર્વર શ્રી જી. શ્રીકાંત (IAS) ઉપરાંત જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી વ કલેક્ટરશ્રી બી.એ.શાહ સહિત ચૂંટણીલક્ષી વિવિધ કામગીરીનાં નોડલ ઓફિસરશ્રીઓ જેમ કે, મેનપાવર મેનેજમેન્ટ, ઈવીએમ-વીવીપેટ મેનેજમેન્ટ, ટ્રાન્સપોર્ટ મેનેજમેન્ટ, ટ્રેનિંગ મેનેજમેન્ટ, મટીરીયલ મેનેજમેન્ટ, એમસીસી ઈમ્પ્લીમેન્ટેશન, એક્ષપેન્ડીચર મોનીટરિંગ, સ્વીપ, કાયદો અને વ્યવસ્થા, બેલેટ પેપર, મીડિયા મેનેજમેન્ટ, કોમ્યુટરાઈઝેશન, ઓબ્ઝર્વર, હેલ્પલાઈન અને ફરિયાદ, કોમ્યુનિકેશન, સ્ટાફ વેલફેર, માઈગ્રેટરી વોટર્સ અને પીડબલ્યુડીના નોડલ અધિકારીશ્રીઓની કામગીરીનું પ્રેઝન્ટેશન નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી કે.એન.કાચા દ્વારા કરવામાં આવ્યું હતું. બોટાદ જિલ્લા કલેક્ટરશ્રી બી.એ.શાહ દ્વારા ગુજરાતમાં સૌ પ્રથમ વખત લોકશાહીને સમર્પિત મતદાન મથક “સમર્પણ બુથ“ ના નવતર અભિગમને ઓબ્ઝર્વરશ્રીઓએ બિરદાવ્યો હતો.

ઓબ્ઝર્વરશ્રીઓએ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી પાસેથી બોટાદ જિલ્લામાં ચૂંટણી માટે થઈ રહેલી તૈયારી અને સજ્જતા વિશેની માહિતી મેળવી હતી. જેમાં ખાસ કરીને જિલ્લાની પ્રોફાઈલ, મતદારોની સંખ્યા, પોલિંગ સ્ટેશન, સ્ટ્રોંગ રૂમ, ચૂંટણી સંબંધિત કામગીરીઓના દૈનિક રિપોર્ટ તેમજ ચૂંટણીના ફાઈનલ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયા બાદ ફાઈનલ ઉમેદવારો સાથે બન્ને વિધાનસભા બેઠકના રિટર્નિંગ ઓફિસરશ્રીઓ સાથે બેઠક કરવા જણાવ્યું હતું.

વધુમાં પોસ્ટલ બેલેટથી કેટલા મતદારો મતદાન કરશે, મીડીયા મોનિટરીંગ રૂમ ખાતેની વ્યવસ્થા તેમજ મટીરીયલ મેનેજમેન્ટની બાબતો વિશે વિસ્તૃત જાણકારી મેળવી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, બોટાદ જિલ્લાની બન્ને વિધાનસભા બેઠક પર ચાર ઓબ્ઝર્વરશ્રીઓની નિમણૂંક કરવામાં આવી છે જેઓ જિલ્લાનાં દૈનિક રિપોર્ટ ઉપર બાજ નજર રાખી રહ્યાં છે.

બોટાદ વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી અધિકારી અને પ્રાંત અધિકારીશ્રી દિપકભાઇ સતાણીએ ચૂંટણી સાથે સંકળાયેલા અધિકારીઓ/કર્મચારીઓની તાલીમ બાબતે ઓબ્ઝર્વરશ્રીઓને અવગત કર્યાં હતાં. આ બેઠકમાં જિલ્લાના તમામ નોડલ ઓફિસર્સશ્રીઓએ પોતાની કામગીરી બાબતે ઓબ્ઝર્વરશ્રીઓને માહિતગાર કર્યાં હતાં.

આ બેઠકમાં ચૂંટણી ખર્ચ નિયંત્રણના નોડલ ઓફિસર અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી પી.ડી.પલસાણા, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી કે.એફ.બળોલિયા, મેનપાવર મેનેજમેન્ટના નોડલ ઓફિસર અને અધિક નિવાસી કલેક્ટરશ્રી મુકેશ પરમાર સહિત જિલ્લાની વિવિધ ટીમના નોડલ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.