કડકડતી ઠંડીમાં જ નહી કાળઝાળ ગરમીમાં પણ આવે છે હદયરોગના હુમલા - At This Time

કડકડતી ઠંડીમાં જ નહી કાળઝાળ ગરમીમાં પણ આવે છે હદયરોગના હુમલા


*કડકડતી ઠંડીમાં જ નહી કાળઝાળ ગરમીમાં પણ આવે છે હદયરોગના હુમલા*

*ચુંટણી પ્રક્રિયા દરમિયાન મહિલા કર્મચારીનું મોત નીપજ્યું છે ત્યારે પોરબંદરના હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ હાર્ટએટેકથી બચવા માટેના સુચવ્યા મહત્વના ઉપાયો:યુવાપેઢીમાં પણ હ્રદયરોગનું પ્રમાણ વધ્યું છે ત્યારે સી.પી.આર.ની મહત્વની તાલીમ લેવા કરી અપીલ:હદયને સ્વસ્થ રાખવા અપાયા સુચનો*

ઉનાળો પોતાનો આકરો મિજાજ બતાવી રહ્યો છે.ચુંટણી સમયે હીટવેવને લીધે અમરેલી બેઠક પર લોકસભાની ચુંટણી માટે જાફરાબાદમાં સાગર શાળા ખાતે મતદાન મથક પર ફરજ બજાવી રહેલા શિક્ષિકાનું ધોમધખતા તાપ વચ્ચે હાર્ટએટેક આવતા કરૂણ મોત નીપજ્યું છે.ત્યારે પોરબંદર હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેને લોકોને હાર્ટએટેકથી બચવા માટે તકેદારી રાખવા સુચન કર્યું છે.

પોરબંદર હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું છે કે,આ કાળઝાળ ગરમીમાં હાર્ટએટેકનું પ્રમાણ વધ્યું છે.હાલ યુવાનો આ હાર્ટએટેકનો ભોગ વધુ બની રહ્યા છે.ત્યારે અમરેલી બેઠક પર લોકસભાની ચુંટણી માટે જાફરાબાદમાં સાગર શાળા ખાતે મતદાન મથક પર ફરજ બજાવી રહેલા શિક્ષિકાનું ધોમધખતા તાપ વચ્ચે હાર્ટએટેક આવતા કરૂણ મોત નીપજ્યું છે.ત્યારે ગુજરાતમાં ઉનાળામાં રોજ સરેરાશ ૨૩૦ હાર્ટ સંબંધી ઇમરજન્સી કેસો નોંધાય છે. સૌરાષ્ટ્રમાં અસહ્ય તાપના પગલે અકળામણ અનુભવાય તેવું હવામાન ઘણા દિવસોથી જારી છે જેમાં બાળકો,સગર્ભાઓ, વયોવૃદ્ધો તેમજ પેટના રોગોથી માંડીને હૃદયરોગ સહિતના દર્દીઓએ વધુ સંભાળવા તબીબો સલાહ આપતા હોય છે. આ ઉનાળાની કાળજાળ ગરમી હાઈ બ્લડપ્રેશર હૃદયરોગના દર્દી માટે વધુ નુકસાનકારક થઈ શકે તેમ હોય તેઓનું વધુ ધ્યાન રાખવુ જરૂરી છે.
વધુમાં રામદેવભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે, હૃદયરોગના લક્ષણો વ્યક્તિગત અને હૃદયરોગના પ્રકારને આધારે બદલાય છે. કેટલાક સામાન્ય લક્ષણોમાં છાતીમાં દબાણ, દુખાવો અથવા બળતરા,શ્વાસ લેવામાં તકલીફ,થાક,ચક્કર,અચાનક વજન વધવું,પગમાં સોજો,ઉબકા કે ઉલટી થાય છે.
આજકાલ હોસ્પિટલમાં મહિનાના લગભગ બે થી ત્રણ દર્દીઓ હૃદયરોગની બીમારી અથવા હૃદયરોગના હુમલા સાથે આવે છે.જેમની ઉંમર પચ્ચીસથી પાંત્રીસ વર્ષ હોય છે, આ પ્રકારની સમસ્યા લગભગ પુરુષોમાં વધુ જોવા મળી છે, જયારે કડવી અને આપણાં ગળે ના ઉતરે તેવી વાસ્તવિકતા એ છે કે આવા દર્દીઓમાં દસમાંથી ચાર દર્દીઓ હોસ્પિટલ પહોંચતા પહેલાં ગંભીર સ્થિતિએ પહોંચી જતાં હોય છે.
યુવાનોમાં આજકાલ હાર્ટએટેકનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે.આજના યુવાનો જંકફુડનું વધુ સેવન કરે છે.રાત્રે મોડે સુધી જાગે છે.આજના યુવાઓમાં સ્ટ્રેસનું પ્રમાણ વધુ જોવા મળે છે.હાલ નાની ઉમરમાં યુવાઓ બીપી અને ડાયાબિટીસ જેવા રોગોનો ભોગ બને છે.હાલ યુવાઓ વધુ પડતું સિગારેટ અને તમાકુનું સેવન કરી રહ્યા છે.જે તેની હેલ્થને નુકસાન પહોચાડે છે.જેથી યુવાઓએ સાત્વિક ભોજન,પુરતી ઊંઘ અને યોગા અને પ્રાણાયામ અને કસરતને મહત્વ આપવું જોઈએ જેથી સ્વસ્થ જીવન જીવી શકાય.આજકાલ યુવાનોમાં ભણતર પુરૂ કરવાની ઉંમર સરેરાશ પચ્ચીસથી સત્યાવીસ વર્ષ થઇ ગઈ છે.ત્યારબાદ નોકરી મેળવવામાં કે વ્યવસાય ચાલુ કરવામાં, તથા તેને ટકાવી રાખવા માટેનું વાતાવરણ ખુબ જ સ્પર્ધાત્મક થઇ ગયું છે.જેને કારણે યુવાનો સતત તણાવભરી જિંદગી જીવી રહ્યા છે.તદુપરાંત યુવાનો સ્વાભાવિક રીતે જ પોતાને આ ઉંમરે હૃદયરોગ હોય એવું માનવા તૈયાર હોતા નથી તેથી પ્રીવેન્ટિવે હેલ્થ ચેકઅપ કરાવતા નથી અને તેમની લોહી સપ્લાય કરતી વૈકલ્પિક નળીઓનો વિકાસ નહી થવાથી અનેક મુશ્કેલીનો સામનો કરવો પડે છે.
રામદેવભાઈ મોઢવાડિયાએ યુવાઓને હાર્ટએટેકથી બચવા સુચનો કરતા જણાવ્યું છે કે,યુવાનીમાં હૃદયરોગ અને હૃદયરોગના હુમલાને નિવારવા માટે જો માતા અથવા પિતાને હૃદયરોગની બીમારી હોય તો 30 વર્ષ પછી નિયમિત રીતે દર વર્ષે ડોકટરની સલાહ મુજબ ચેકઅપ કરાવતા રહેવું જોઈએ.યુવાનોએ ખાનપાનમાં સાવધાની રાખીને વધુ પડતા કાર્બોહાઇડ્રેટ કે ચરબીવાળો ખોરાક, જંકફૂડ વગેરેને તિલાંજલિ આપીને પ્રોટીન તથા ફાઇબરયુક્ત ખોરાક લેવો જોઈએ.સિગારેટ, તમાકુ, હુક્કાનો ત્યાગ કરીને પુરતી ઊંઘ અને સમયસર પૌષ્ટિક ખોરાક લેવાનો આગ્રહ રાખવો જોઈએ. નોકરી કે વ્યવસાયમાં થતા તણાવથી સજાગ રહીને તણાવને દુર કરવાની કોશિશ કરવી જોઈએ. નિયમિત કસરત, મેડિટેશન કરવાનો આગ્રહ રાખવો જોઈએ.જે નોકરી વ્યવસાય માટે પરિવારથી અલગ રહેતા હોય તેમણે જ્યાં રહેતા હોય ત્યાં એક મિત્રવર્તુળ બનાવી પરિવારની ભાવનાથી રહેવું જોઈએ જેથી તણાવ ઓછો થાય છે.જયારે પણ આપણી આસપાસ રહેતા કે આપણી સાથે કામ કરતી વ્યક્તિને હૃદયરોગના હુમલાના ચિન્હો જણાય કે તુરંત જ નજીકની હોસ્પિટલમાં જ્યાં બધાં જ પ્રકારની સગવડ હોય ત્યાં કોઈપણ જાતનો વિલંબ કર્યા વગર ખસેડી દેવા જોઈએ, જો સમયસર સારવાર મળી જાય તો આપણે તે દર્દીનો જીવ અથવા હૃદયને થતું નુકશાન અચુક બચાવી શકીયે છીએ.તેમજ યુવાઓએ અવશ્ય સી.પી.આર.ની તાલીમ લેવી જોઈએ.
હાઈ બ્લડપ્રેશર અને હૃદયરોગમાં રાહત માટે યોગ ફાયદાકારક છે. યોગિક થેરાપીથી હાઈ બ્લડપ્રેશર ઓછું થવાની સાથે સીરમ કોલેસ્ટ્રોલ, ટ્રાઇગ્લિસરાઇડ્સ, ફ્રી ફેટી એસિડ્સ, બ્લડ ગ્લુકોઝ અને શરીરનું વજન પણ ઘટે છે.યોગિક પ્રેક્ટિસ શારીરિક તંદુરસ્તીમાં સુધારો કરે છે અને વ્યક્તિની કાર્યક્ષમતા વધારવામાં પણ મદદ કરે છે.તેથી યોગ શરીરને નિરોગી બનાવે છે.
આમ. પોરબંદર હેલ્થ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ચેરમેન રામદેવભાઈ મોઢવાડિયાએ ઉનાળાની કાળજાળ ગરમીથી બચવા વધુ પાણી પીઓ,બપોરના સમયે બહાર જવાનું ટાળો,અને કોઇપણ તકલીફ થાય તો તુરંત ડોકટરનો સંપર્ક કરો તેમજ યુવાઓ વ્યસન અને જંકફુડને તિલાંજલી આપે તો યુવાઓમાં હાર્ટએટેકનું પ્રમાણ ઘટાડી શકાય તેમ છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.