MSME માટે ૪૫ દિવસમાં ફરજિયાત પેમેન્ટના નિયમ નાનાવેપારીઓ પરેશાન
MSME માટે ૪૫ દિવસમાં ફરજિયાત પેમેન્ટના નિયમ નાનાવેપારીઓ પરેશાન
નવાનિયમથી ટેક્સ્ટાઈલ માર્કેટમાં વેપાર ૬૦-૭૦% ઘટ્યો
નાના ટેક્સટાઈલ વેપારીઓનો અંદાજે ૫૦% વેપાર મધ્યમ-મોટા એકમો પાસે ગયો.
ભારત સરકારે MSME એકમોના હિતમાં ૪૫ દિવસની અંદર ચુકવણી ફરજીયાત બનાવી છે. સરકારનો ઈરાદો નાના વેપારીઓ અને ઉદ્યોગોનું સારું કરવાનો હતો. જોકે, કેન્દ્ર સરકારે આકારણી વર્ષ ૨૦૨૪-૨૫ માટે એક નવો નિયમ અમલમાં મૂક્યો છે, જેના હેઠળ ખરીદદારોએ MSMEs પાસેથી ખરીદેલા માલની ડિલિવરીના ૪૫ દિવસની અંદર ચૂકવણી કરવી પડશે અને ૩૧ માર્ચ, ૨૦૨૪ પહેલાં MSMEsને તમામ લેણાંની ચુકવણી કરવી પડશે. આ નિર્ણયની ગુજરાતમાં નાના ટેક્સટાઈલના વેપારીઓની હાલત કફોડી બની છે.
કાપડ ઉદ્યોગ સાથે જોડાયેલા લોકોના જણાવ્યા પ્રમાણે નવા નિયમના કારણે નાના ટેક્સટાઈલ વેપારીઓનો અંદાજે ૪૦-૫૦% વેપાર મધ્યમ અને મોટા એકમો પાસે ચાલ્યો ગયો છે. એટલું જ નહી પણ નવા ઓર્ડરમાં ૬૦-૭૦% જેટલો ઘટાડો થયો છે અને સાથે જ અનેક જુના ઓર્ડર્સ રદ્દ થઈ રહ્યા છે. તાજેતરમાં જ સુરત અને અમદાવાદના વેપારી સંગઠનોએ આ બાબતે નાણામંત્રી નિર્મલા સીતારમણને રજૂઆત કરી હતી.
વેપારી સંગઠનોએ જણાવ્યું કે, MSMEને ૪૫ દિવસમાં ચુકવણું કરી દેવાનો નિયમ સારો છે પણ તેને લાગુ કરવા અને ખરીદારો વચ્ચે તાલમેલ બેસાડવા માટે થોડો સમય લાગશે. ગુજરાતના એસોસિએશન્સ દ્વારા વેપારીઓને નવા નિયમ અંગે જાગરુક કરવામાં આવી રહ્યા છે. જોકે સંગઠનોનું માનવું છે કે, નિયમના યોગ્ય અમલીકરણ માટે સરકારે વેપારીઓને એક વર્ષનો સમય આપવો જોઈએ.
નાના વેપારીઓ ધંધો ગુમાવી રહ્યા છે
સુરતના વેપારીઓએ જણાવ્યા અનુસાર આ નિયમ સારો છે પણ તેને લઈને હજુ વેપારીઓમાં સ્પષ્ટતા નથી તેના કારણે ખાસ કરીને ખરીદદારોમાં ગભરાટ ફેલાયો છે. બીજી તરફ ૪૫ દિવસમાં પેમેન્ટનો નિયમ મધ્યમ અને મોટા વેપાર ઉદ્યોગોને લાગુ પડતો નથી. આના કારણે નાના વેપારીઓનો આશરે ૪૦-૫૦% ધંધો મીડીયમ અને મોટા વેપારીઓ પાસે જઈ રહ્યો છે.
સરકાર યોગ્ય નિર્ણય લે એવી આશા
અમદાવાદના વર્તુળોએ જણાવ્યું હતું કે નવા નિયમના કારણે ગુજરાત સહિત સમગ્ર દેશમાં ગભરાટ ફેલાઈ ગયો છે. ઘણા લોકોએ જુના અને પેન્ડિંગ ઓર્ડર્સ કેન્સલ કર્યા છે. કાપડનો ઉદ્યોગ વર્ષોથી ઉધારી પર ચાલે છે. હાલમાં રૂ. ૫૦ કરોડથી ઉપરનો વેપાર છે તેને ધંધો મળી રહ્યો છે. પણ આવા માત્ર ૧૦-૧૫% વેપારીઓ છે. ગુજરાતમાં ૮૦-૮૫% નાના વેપારીઓ છે જેમનું ટર્નઓવર રૂ. ૫૦ કરોડથી નીચે છે. આ વેપારીઓને નવા કોઈ ઓર્ડર મળતા નથી. અમે નાણામંત્રીને રજૂઆત કરી અને પરિસ્થિતિ સમજાવી છે. અમને આશા છે કે ટૂંકમાં તેનો નિવેડો આવશે.
રીપોર્ટર : સી કે બારડ
મો : 7600780700
+917600780700
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.