ક્રાઇમ બ્રાંચે રૂા. ૫.૭૬ લાખનો ૧૪૪૦ બોટલ દારૂ ભરેલી ગાડી પકડી લીધીઃ ભુંસા પાછળ છુપાવ્યો’તો
શહેરમાં છેલ્લા કેટલાક સમયથી નાના મોટા બૂટલેગરો ફરીથી સક્રિય થયા છે. પોલીસ પણ તેની સામે વધુ કાર્યરત બની દારૂનો જથ્થો અને બૂટલેગરોને પકડી રહી છે. વધુ એક દરોડામાં ક્રાઇમ બ્રાંચના પીઆઇ બી. ટી. ગોહિલની ટીમને સફળતા મળી છે. કોઠારીયા ચોકડથી આજીડેમ ચોકડી તરફના રોડ પર શ્રી હરિ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં રાતે ચોક્કસ બાતમી પરથી દરોડો પાડી રૂા. ૫,૭૬,૦૦૦નો ૧૪૪૦ બોટલ દારૂ ભરેલી અશોક લેલનની બડાદોસ્ત મોડેલની યુટીલીટી ગાડી નં. જીજે૨૩એડબલ્યુ-૧૩૨૬ પકડી લીધી છે. દારૂ અને ગાડી મળી કુલ રૂા. ૧૦,૭૬,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરી તેના ચાલક અને માલિકની શોધખોળ શરૂ કરી છે.
ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ડીસીબીના એએસઆઇ ફિરોઝભાઇ ઇકબાલભાઇ શેખ તથા કોન્સ. વિક્રમભાઇ લોખીલ અને મહિરાજસિંહ ગોહિલને ચોક્કસ બાતમી મળી હતી કે કોઠારીયા ચોકડીથી આજીડેમ ચોકડી વચ્ચે શ્રી હરિ ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં ખોડિયાર ટૂલ્સ નજીક દારૂ ભરેલી ગાડી આવવાની છે અને કટીંગ થવાનું છે. આ બાતમીને આધારે પીઆઇ બી. ટી. ગોહિલ, પીએસઆઇ ડી. સી. સાકરીયા તથા જેમને બાતમી મળી એ ત્રણેય સહિતની ટીમ સ્થળ પર પહોંચી હતી. બાતમી મુજબનું બડાદોસ્ત યુટીલીટી વાહન પોલીસને જોવા મળ્યું હતું. જે રેઢુ પાર્ક કરાયેલુ હતું. તેની અંદર ચાલક કે બીજુ કોઇ જોવા મળ્યું નહોતું.
ક્રાઇમ બ્રાંચની ટીમે લાંબો સમય સુધી વાહનથી થોડે દૂર ઝાડીઓમાં છુપાઇ રહી વોચ રાખી હતી. પરંતુ મોડે સુધી કોઇ વાહન લેવા માટે ન આવતાં પોલીસે નજીક પહોંચી તપાસ કરતાં ઠાઠામાંથી રૂા. ૫,૭૬,૦૦૦ની કિંમતનો ૧૪૪૦ બોટલ દારૂ મળ્યો હતો. મેકડોવેલ્સ નંબર-વન બ્રાન્ડનો આ દારૂનો જથ્થો અને વાહન મળી રૂા. ૧૦,૭૬,૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરાયો હતો. આ દારૂનો જથ્થો ભુંસાની બોરીઓ પાછળ છુપાવાયેલો હતો. એએસઆઇ ફિરોઝભાઇ શેખે આ વાહનના ચાલક તથા તપાસમાં ખુલે તેના વિરૂધ્ધ ડીસીબીમાં ગુનો નોંધાવ્યો હતો.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.