જનરેશન ગેપ હકીકત કે આભાસ - રેખા પટેલ (ડેલાવર, યુએસએ) - At This Time

જનરેશન ગેપ હકીકત કે આભાસ – રેખા પટેલ (ડેલાવર, યુએસએ)


જનરેશન ગેપ હકીકત કે આભાસ - રેખા પટેલ (ડેલાવર, યુએસએ)
 
જનરેશન ગેપ એટલે બે પેઢી વચ્ચે સમય અને સમજનું અંતર છે. જ્યાં પ્રેમ નહિ પરંતુ વિચારોની અસમાનતા રહેલી છે.
બે પેઢીના આગવા દ્રષ્ટિકોણ અને વિચારોની ભિન્નતા વિકસતી જતી ટેકનોલોજીને કારણે છેલ્લા વીસ વર્ષનો ગાળો બહુ સ્પષ્ટ દેખાય છે. અલગ મંતવ્યોને કારણે અંતરમાં દૂરી ના આવે તે માટે બંને પેઢીએ એકબીજાના વિચારોને અને પરિસ્થિતિઓને સમજવી જોઈએ.

"મોટાભાગની ગેરસમજ વાતને પ્રસ્તૃત કરવાની અને સમજાવટના અભાવને કારણે થાય છે, ઉંમર સાથે ટેકનોલોજીનો વપરાશ પણ ગેપ ઉભી કરે છે. છતાં એજ્યુકેશન બેલેન્સ જાળવી શકે છે.
આજની જનરેશન ખુબજ અગ્રેશીલ હોય છે. બહુ ઝડપથી આગળ આવવાનું તેમનું સ્વપ્ન સાકાર કરવાની તેમની ઝડપ અને આવડત અને વિચારોમાં સ્પષ્ટતા દાદ માંગે છે. તેમની આદતને ઉદ્ધતાઈ ના માનતા તેની પાસેથી નવું શીખવામાં નાનામ નથી એવી ભાવના વડીલો અપનાવે તો મનભેદની સ્થિતિ સર્જાય નહિ..
સમા પક્ષે નવી જનરેશને વડીલોના વિચાર અને તેમનાં સૂચનોને પ્રાધાન્ય આપવું જોઈએ. તેમની મહેનત અને લાગણીને ઘ્યાનમાં રાખવી જોઈએ.
બાળકોની વાતને સાંભળીને તેમની જગ્યાએ રહીને સમજવાનો પ્રયત્ન કરવો જોઈએ. જો શરૂવાતથી બાળકો સાથે આ પ્રમાણેનું વર્તન કરવામાં આવશે તો મોટા થયા પછી પણ તેઓ આપણી સાથે વિચાર વિમર્સ કરતા ખચકાશે નહિ. અને જનરેશન ગેપ જેવા ભારેખમ શબ્દોનો ખાસ માર નહિ પડે.
પ્રાઈવેસી મેળવવા કે આપવા માટે નાનપણથી બાળકોને અલગ રૂમ આપવામાં આવે છે. એજ બાળક મોટો થઇ તેની અંગત રૂમનું બારણું બંધ કરતો થઇ જાય ત્યારે પેરેન્ટ્સને એ વાત ખુંચે છે. આપણે જ્યારે ઇચ્છીએ કે બાળકો ફેમીલી સાથે સમય પસાર કરે, ત્યારે તે પોતાની રૂમમાં ભરાઈ રહેવાનું પસંદ કરેછે.

 નાનપણથી માતાપિતા પોતાના કામોને આટોપવા માટે બાળકોના હાથમાં ગેઝેટ પકડાવી તેમને બીઝી કરી દેતા હોય છે. જે ઘણી વખત જરૂરિયાત કરતા દેખાડો પણ વધુ હોય છે. મારા બાળકને નાનપણમાં ટેકનોલોજીનું કેટલું જ્ઞાન છે તે બતાવી પોરસાતા હોય છે. એજ ગેઝેટ ઓનલાઈન ચેટીંગ અને નેટ સર્ફિંગ તેમની આદત બની જાય તછે ત્યારે રીયલ વર્લ્ડથી તેને દુર કરવામાં ભાગ ભજવે છે. મોટા થયા પછી બાળકોને ટેકનોલોજી સાથે તેમને કદમ મિલાવતા વાર નથી લાગવાની.

 એક સાથે કામ કરતી બે પેઢી વચમાં નાનો મોટો ટકરાવ જરૂર રહેવાનો. જૂની પેઢીના વયસ્કોને યુવાનોની ઝડપ નડે છે. પરિણામે બંને પક્ષે પોતપોતાની રીતે સચ્ચાઈ હોવા છતાં એક દીવાલ રચાઈ જાય છે. જે લોકોએ વર્ષો સુધી ખુબ મહેનત કરી જે પદ પ્રતિષ્ઠા મેળવી હોય તે બધું આજની જનરેશન આસાનીથી પામી લે તો સંઘર્ષ રહેવાનો.

સામાન્ય રીતે મળેલી સગવડ અને શિક્ષણને આધારે આજની જનરેશન ગઇકાલની પેઢીની સરખામણીમાં વધુ કમાય છે, વાપરે છે અને મોજભર્યું જીવન જીવે છે. એનો અર્થ એ પણ નથી કે આગલી પેઢીની મહેનત ઓછી હતી.
રોજરોજ બદલાતી જતી ટેકનોલોજી યુવાનોને હસ્તક હોય છે જેના કારણે તેઓ ઝડપી છે. વડીલોએ અહં છોડી એ શીખવા માટે મોટું મન રાખવું જોઈએ. સામા છેડે આગલી પેઢી પાસે અનુભવની ખાણ છે. યુવા પેઢીને આ અનુભવો ઉપરથી ઘણું શીખવા જેવું મળી આવશે. પરસ્પર સહયોયથી બધુજ આસાન થઇ રહે છે.
 
સમય સાથે પરિસ્થિતિ પ્રમાણે વિચારો બદલાય છે આ બદલાવને ગેપ પણ કહી શકાય છે. આવીજ મોટી ગેપ ફેશનમાં આવી છે. આજથી માત્ર ત્રીસ વર્ષ પાછળ જઈએ તો તે સમયમાં પાવડર લીપ્સ્ટીક અને કાજળ બિંદી... બસ આજ મેકઅપના હાથવગા સાધનો હતા. જ્યારે આજે નાની બાળકીઓ પણ ફાઉન્ડેશન થી લઇ મશ્કરા અને આઈસેડો વિષે અધધ જ્ઞાન ધરાવતી થઇ ગઈ છે. મેનીક્યોર પેડીક્યોર બાબતે સભાન થઇ રહી છે.
આઠ દસ વર્ષની બાળકી યુ ટ્યુબ વિડીયો જોઈ સુંદર મેકઅપ જાતે કરતી થઇ ગઈ છે. તેની મમ્મીને મેકઅપ કરવાની ટીપ્સ આપે છે, ક્યારેક ટોકે પણ છે. "મમ્મી તને મેકઅપ કરતા નથી આવડતું." સમય હતો કે લગ્ન કરતી યુવતીને તેની માતા કેમ સાડી પહેરાવી તે શીખવતી હતી. આજે બાળકો યુવાન માતાને પણ કેવા કપડાં ક્યા પહેરાય, કેવા સારા લાગે તે શીખવે છે.
 
દરેક એક પેઢી એ જુવાનીના દિવસોમાં જરૂરીયાત મુજબ સંધર્ષ કર્યો હોય છે. જેનાથી આવનારી પેઢી કાં તો અજાણ હોય છે કા લાપરવાહ હોય છે. આવા સમયમાં તેમની મુક્તતા જૂની પેઢીને કઠે છે.  તેઓ માને છે કે પોતે કરેલા પરિશ્રમની આ લોકોને દરકાર કે લાગણીઓનું મુલ્ય નથી. બાળકો આપણી ભાવનાઓને સમજતા નથી કહી જનરેશન ગેપ નામનો શબ્દ આગળ ધરે છે.
 
વીસ પચ્ચીસ વર્ષના સમયગાળા દરમિયાન અંતર વયની સાથે સાથે વિચારોનો ભેદ પણ રહેવાનો, તેમાય ઝડપથી વિકસી રહેલી ટેકનોલોજીને કારણે આ જનરેશન ગેપ બહુ ઝડપી વધતી લાગે છે. પહેલા વ્યક્તિ માત્ર અનુભવથી શીખી શકતો એ બધુજ હવે માત્ર એક ક્લિક થી જોઈ જાણી શકે છે. આ માટે કોઈ વયમર્યાદા રહી નથી. પરિણામે નાના બાળકો પણ તેમની ઉંમર કરતા ઘણું વિચારે છે જાણે છે.
એક સમય હતો જ્યારે પુખ્તવયના બે વ્યક્તિઓ સેક્સ કે જાતીય આવેગો વિષે વાત કરતા સંકોચ અનુભવતા હતા, એના બદલે કિશોરાવસ્થા થી જ આવા વિષયો ઉપર મુક્તપણે ચર્ચા કરતા કે કોમેન્ટ્સ કરતા જોવા મળે છે. આ બધા માટે ઈન્ટરનેટના માધ્યમને કારણે બધુજ ખુલ્લું થઈ ગયું છે. આવા સમયમાં માતાપિતાએ બાળકોને સમય રહેતા જરૂરી જ્ઞાન આપવું રહ્યું. સંકોચને છોડી બાળકોના મિત્ર બનવાની ખાસ જરૂર છે. આમ કરવાથી જનરેશન ગેપ પણ ઘણી ઓછી લાગશે.
 
નવી અને જૂની પેઢીના રિવાજો બદલાતા રહ્યા છે. જેમ મુક્તતાને આપણે સ્વછંદતા કહીએ છીએ તેવીજ રીતે આજના યુવાનો જુના વિચારોને માન્યતાને કુરિવાજો કહે છે. જેમ શિક્ષણને કારણે વિચારોની સ્વતંત્રતા વધે છે તેમ આગળ વધુ વિચારવાની શક્તિ અને પરિપક્વતા વધે છે. કોઈ પણ કાર્ય પાછળના સારા અને ખોટા બંને પાસાઓને ઘ્યાનમાં લેવાય છે. જે લોકો પહેલાના સમયમાં સદીઓથી ચાલી આવતા રીવાજોને સંસ્કારોને ઘ્યાનમાં લઈને આગળ વધતા રહ્યા છે તેમને આજના વિચારોની સ્વતંત્રતા નડવા સ્વાભાવિક છે. અહી સંસ્કારો સિદ્ધાંતોની લડાઈ રહેવાની..
સાવ એવું નથી કે બાળકોને તેમની સ્વચ્છંદતા કે સ્વતંત્રતા વિશે ટોકવા નહિ. તેમની ભૂલ સામે કડક થઈને આંગળી પણ ચીંધવી પડે. પરંતુ એક વખત તેમના પોઈન્ટ ઓફ વ્યુ ને પણ સમજવા જોઈએ.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.