સુરેન્દ્રનગર ખાતે રાજ્યનાં 22માં સાંસ્કૃતિક વન-વટેશ્વર વનનું લોકાર્પણ આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનાં હસ્તે્ - At This Time

સુરેન્દ્રનગર ખાતે રાજ્યનાં 22માં સાંસ્કૃતિક વન-વટેશ્વર વનનું લોકાર્પણ આવતીકાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનાં હસ્તે્


આયુષ કલર ગાર્ડન, યોગા ગાર્ડન, ઝેન ગાર્ડન, સ્કલ્પચર ગાર્ડન, સેન્સ એન્ડ ટચ ગાર્ડન, ફ્રુટ એન્ડ ફન પાર્ક, ટચ થેરાપી, ફોરેસ્ટ થેરાપી માટે અલાયદા વિભાગો આકર્ષણનું કેન્દ્ર 

મુખ્યમંત્રી  ભૂપેન્દ્રભાઈ પટેલ આવતીકાલે 12 ઓગસ્ટનાં રોજ 73માં વનમહોત્સવ નિમિત્તે સુરેન્દ્રનગર ખાતે યોજાનાર રાજ્યકક્ષાની ઉજવણીમાં ‘સાંસ્કૃતિક વન- વટેશ્વર વન’નું લોકાર્પણ કરશે. 2 જુલાઈ, 2022નાં રોજ ખાતમુહૂર્ત થયા બાદ 40 દિવસનાં ટૂંકા ગાળામાં તૈયાર થયેલું ‘વટેશ્વર વન’ રાજ્યનું 22મું અને સુરેન્દ્રનગરનું બીજુ સાંસ્કૃતિક વન છે.ભગવાન વડવાળાનાં નામ ઉપરથી જેનું નામકરણ થયું છે, તેવું આ વન દૂધરેજ કેનાલ સાઈટ પર 5 હેક્ટર જેટલા વિસ્તારમાં 73 હજારથી વધુ છોડવાઓથી આકાર પામ્યું છે.* 10 કરોડથી વધુનાં ખર્ચે આયુર્વેદ અને યોગની થીમ પર આ સાંસ્કૃતિક વનનું નિર્માણ કરવામાં આવ્યું છે. સામાન્ય ગાર્ડનની જેમ લોકો આવે અને માત્ર ફરીને જતા ન રહે પરંતુ વનસ્પતિઓ અને તેમનાં ચિકિત્સકીય ગુણો વિશે જાણે, સ્થાનિક સંસ્કૃતિ અને પ્રકૃતિનો પરિચય કેળવે તેવા હેતુ સાથે અહીં 33 જેટલી એમ્નેટીઝ ઉભી કરવામાં આવી છે. સુરેન્દ્રનગર-ઝાલાવાડ પ્રદેશનાં ઈતિહાસ, સાહિત્ય, સંસ્કૃતિનાં વિવિધ પાસાઓ પ્રતિબિંબિત થાય તે રીતે રજવાડી સ્થાપત્યકલા, લાકડા અને કુદરતી પથ્થરોનાં ઉપયોગ સાથે વટેશ્વર વનની રચના કરવામાં આવી છે. તેનાં દરેક ભાગનાં નિર્માણ પાછળ કોઈ સંદેશ, કોઈ વિચાર રહેલો છે. ઝાલાવાડનો પ્રદેશ લોકનૃત્ય, લોકસંગીત માટે જાણીતો છે તે લક્ષમાં રાખીને તરણેતરનો મેળો, દ્વોપદીનો સ્વયંવર સહિતનાં પ્રસંગોનાં શિલ્પો અને ચિત્રો મુલાકાતીઓને આવકારતા મુખ્ય દ્વારા સમીપે ઉભા છે. સમગ્ર વન આયુષ કલર ગાર્ડન, યોગા ગાર્ડન, ઝેન ગાર્ડન, સ્કલ્પચર ગાર્ડન, સેન્સ એન્ડ ટચ ગાર્ડન, ફ્રુટ એન્ડ ફન પાર્ક જેવા થીમ આધારિત ગાર્ડન્સ-વિભાગોનો સમૂહ છે. આ દરેક વિભાગ પાછા પોતાની રીતે વિશિષ્ટ છે, જેમ કે આયુષ કલર ગાર્ડન. સામાન્ય ગાર્ડનની જેમ અહીં માત્ર આંખોને ગમે તેવા સુંદર અને સારી સુગંધ ધરાવતા ફુલછોડ નથી લગાડ઼વામાં આવ્યા પરંતુ આયુર્વેદિક ઉપયોગિતા ધરાવતા, મેડિસિનલ વેલ્યુ ધરાવતા હોય તેવા છોડવા રોપવામાં આવ્યા છે. સ્પર્શ બહુ મજબૂત ઈન્દ્રિય છે અને દરેક તત્વનો સ્પર્શ શરીરમાં અલગ સંવેદન જગાડે છે. આ ટચ થેરાપીને ધ્યાનમાં રાખીને યોગા ગાર્ડન બનાવવામાં આવ્યો છે, જે સામાન્ય રીતે બને છે તેમ ઘાસની લોન પર નથી બન્યો પરંતુ પાંચ અલગ-અલગ પ્રકારનાં મટીરીયલથી તેની સપાટી તૈયાર કરવામાં આવી છે. સૌ પ્રથમ નાના-નાના ગોળ પથ્થરો છે, જેનાં પર ચાલવાથી એક્યુપંકચર થેરાપીનો અનુભવ થાય છે. ત્યારબાદ આવે છે ઈંટોથી, લાકડામાંથી, કુદરતી ખડકોમાંથી બનાવેલ ભાગ. આ તમામ પર મુલાકાતીએ ખુલ્લા પગે ચાલીને સ્પર્શ માણવાનો છે. આ ગાર્ડનમાં સૂર્યનમસ્કાર અને યોગની વિવિધ મુદ્રાઓનાં શિલ્પો મૂકવામાં આવ્યા છે, જે તેની સુંદરતામાં વધારો કરતા બની રહે છે.આ જ પ્રકારે સેન્સ એન્ડ ટચ ગાર્ડન બનાવવામાં આવ્યો છે. જેમાં આપણી પાંચ ઈન્દ્રિયો –દષ્ટિ શ્રવણ, સ્પર્શ, ગંધ, સ્વાદની થીમ પર પ્લાન્ટેશન કરવામાં આવ્યું છે. ત્યાં પણ એક્યુપંકચર મેથડ પર આધારિત એક વોક-વે રિંગ બનાવવામાં આવી છે. જે લોન, કપચી, પથ્થર, લાકડા સહિતનાં પદાર્થથી બનેલી છે અને જેનાં પર ચાલવાથી હળવાશનો અનુભવ થાય છે. સમગ્ર વનનાં વોક-વૅ થીમ આધારીત છે. ફોક્સ ટેઇલ વોક-વે એટલે શિયાળની પૂંછડી જેવો આકાર ધરાવતા પ્લાન્ટસથી બનેલો વોક-વે છે, તો ઇન્ડિયન ક્રિસમસ ટ્રી વૉક-વે તમે ક્રિસમસ ટ્રીની હારમાળા વચ્ચે ચાલતા હો તેવો અનુભવ કરાવે છે અને ફોટો પડાવવા માટે એક સરસ લોકેશન પણ પૂરૂ પાડે છે. ચંપા વોક-વેમાંથી મુલાકાતીઓ પસાર થશે ત્યારે ચંપાની મહેકથી તરબતર થઈ જશે.આ વનનું મુખ્ય કેન્દ્ર કહી શકાય આરોગ્ય વનને. જેમાં આંખ, કાન, કિડની, હૃદય, લીવર, ત્વચા હાડકા સહિતનાં શરીરના 10 અંગોને માટે ફાયદાકારક કે તેમનાં વિવિધ રોગોનાં ઉપચારમાં વપરાતી આયુર્વેદિક વનસ્પતિઓ-જડીબુટ્ટીનાં રોપાઓ અને છોડવાઓ લગાવવામાં આવ્યા છે. તેમાં દરેક અંગનું શિલ્પ અને તેને માટે ઉપયોગી વનસ્પતિઓનો પરિચય પ્રદર્શિત કરવામાં આવશે. આસપાસ આ ઔષધીય વૃક્ષો-વનસ્પતિઓ લગાડવામાં આવ્યા છે. સામાન્ય બિમારીઓનાં ઘરગથ્થુ ઉપચારોની જાણકારી આપતું હોમ આયુર્વેદા ઈન્ફર્મેશન ડેસ્ક પણ અહીં બનાવવામાં આવ્યું છે. યોગ અને પ્રાચીન ચિકિત્સા પ્રણાલી, આયુર્વેદ જેમને આભારી છે તેવા પાંચ મહાન ઋષિ પતંજલિ, ચરક, ધન્વંતરી, સુશ્રુત અને અશ્વિનીકુમારોનાં નામ પરથી પાંચ ઋષિવન બનાવવામાં આવ્યા છે. વનમાં બોરસલ્લી, વડ, લીમડો, ભોયરિંગણી, હરડે, અરડૂસી, મીંઢણ, સરગવો, અશ્વગંધા, બ્રાહ્મી, વડેલીયા, હાડસાંકળ, તુલસી, બારમાસી, ગુલાબ, પારિજાત સહિતનાં આયુર્વેદિક ઉપયોગો ધરાવતા વનસ્પતિ-છોડનો ઉપયોગ કરવામાં આવ્યો છે.સ્કલ્પચર ગાર્ડનમાં સુરેન્દ્રનગરસાથે સંકળાયેલ મહાન વ્યક્તિત્વો જેવા કે સરદારસિંહ રાણા, ઝવેરચંદ મેઘાણી, પાંચાળ પ્રદેશમાં મત્સ્યવેધ કરનારા અર્જુનનાં શિલ્પો બનાવવામાં આવ્યા છે અને સાથે જ તેમના વિશેની માહિતી પણ પ્રદર્શિત કરવામાં આવી છે. જે મુલાકાતીઓને સ્થાનિક સંસ્કૃતિ અને ઈતિહાસથી અવગત કરાવશે. જંગલનો અનુભવ કરી શકે તે માટે એક નાનકડું જંગલ ઉભુ કરવામાં આવશે. બાળકોને ધ્યાનમાં રાખીને વનમાં રમવા માટે પણ એક વિભાગ રાખવામાં આવ્યો છે. લપસણી, હિંચકાથી વિશેષ આપવાનાં આશયથી બાળકો માટે ફ્રુટ એન્ડ ફન પાર્ક બનાવવામાં આવ્યો છે. વિવિધ ફળનાં વૃક્ષો અહીં ઉછેરવામાં આવશેસ્ટ્રોબેરી, ડ્રેગન ફ્રુટ, તડબૂચ, નારંગી સહિતનાં ફળોનાં શિલ્પો બાળકો માટે સેલ્ફી પોઈન્ટ બનશે. મોટેરાઓ પણ વટેશ્વર વનની મુલાકાત બાદ મુલાકાતનાં સંભારણા તરીકે વટેશ્વર વન લખેલા સેલ્ફી પોઈન્ટ પર ફોટો લઈ શકે છે. મર્યાદિત વરસાદ ધરાવતા સુરેન્દ્રનગર જિલ્લાની છાપ સૂકા પ્રદેશ તરીકેની છે ત્યારે ચોટિલાનાં ભક્તિવન બાદ 73 હજારથી વધુ વૃક્ષો ધરાવતું આ વન ઝાલાવાડવાસીઓ માટે એક અનોખી ભેટ અને હરવા-ફરવાનું એક સુંદર સ્થળ બની રહેશે તે બાબત નિશ્ચિત છે.

AT THIS TIME NEWS
UMESHBHAI BAVALIYA SURENDRANAGAR


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.