સોફ્ટવેર કંપનીમાં સારા વળતરની લાલચે રોકાણ કરાવી કારખાનેદાર સાથે અડધાં કરોડની છેતરપીંડી
રાજકોટમાં ન્યુ ગાંધી સોસાયટીમાં રહેતાં કારખાનેદાર દિલીપભાઈ લુણાગરીયાને ક્યુફોન કંપની ચલાવતાં જય ઉર્ફે જયસુખે તેમની એપ ગુગલમાં પ્રમોટ કરવામાં આવે છે, તેમાં ઇન્વેસ્ટ કરો 50 ટકા નફો લઈ જાવ તેવી લોભામણી સ્કીમ આપી રૂ.48 લાખની છેતરપીંડી આચરી ધમકી આપતાં તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાઈ હતી.
બનાવ અંગે નનામવા મેઈન રોડ ન્યુ ગાંધી સોસાયટી શેરી નં.10 માં રહેતાં દીલીપભાઈ રસીકભાઈ લુણાગરીયા (ઉ.વ.36) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે જય ઉર્ફે જયસુખ હરી સાકરીયા (રહે. આસોપાલવ એપાર્ટમેન્ટ, ગાંધી સ્કૂલની પાસે, નાના મવા મેઈન રોડ) નું નામ આપતાં તાલુકા પોલીસે છેતરપીંડીની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
વધુમાં ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓ આજી જી.આઈ.ડી.સી. નજીકમાં આવેલ સંસ્કાર ઇન્ડસ્ટ્રીઝ એરીયામાં ગંજાનંદ એન્ટરપ્રાઇઝના નામે એલ્યુમીનીયમની ભઠ્ઠી ધરાવે છે. દશેક વર્ષ પહેલા તેના મોટા ભાઈ કેયુરભાઈ રસિકભાઈ લુણાગરીયા માર્કેટીંગનુ અગાઉ કામકાજ કરતા હોય અને તેઓની સાથે જયભાઈ ઉર્ફે જયસુખ સાકરીયા તેની પાર્ટનશીપમાં હતાં. હાલમાં તે તેની પત્નિ નીરૂબેન જયસુખ સાકરીયાના નામે ક્યુફોન પ્રા.લી કંપનીની ઓફીસ નિકોલ અમદાવાદમાં ધરાવે છે. કંપનીના પાર્ટનરો નીરૂબેન સાકરીયા, ઉમંગ
કોટડીયા , સ્મીતાબેન રમેશભાઈ ફીડોલીયા છે. ત્રણેક વર્ષ પહેલા જયભાઇ ઉફે જયસુખની નાનામવા નજીક ઘર અને ઓફીસ આવેલ હોય ત્યાં તેઓ તેના મોટાભાઈ સાથે ધંધા માટે મળેલા તે વખતે જયભાઈએ જણાવેલ કે, કયુફોન પ્રા.લી. નામની કંપની હું ધરાવુ છુ, તે સોફ્ટવેર કંપની છે, કંપની ગેમીંગ એપ્લીકેશન બનાવે છે અને તે એપ્લીકેશન ગુગલમાં પ્રમોટ કરવામાં આવે છે. તમે અમારી કંપનીમાં ઇન્વેસ્ટ કરો તમારા રોકાણ ઉપર જે નફો થશે તે નફામાં 50 ટકા તમોને નફો આપીશ અને તમારે રૂપીયાની જરૂરીયાત ઉભી થાય ત્યારે તમો બે માસ અગાઉ કહેજો તો હું તમોને તમારા રોકાણના રૂપીયા પરત આપી દઇશ તેવી મૌખીક શરત તેમની સાથે નકકી કરેલ હતી.
જે બાબતે બંને વચ્ચે કોઇ લેખીત એમ.ઓ.યુ કે સમજુતી કરાર થયેલ નહીં, જય પર વિશ્વાસ અને ભરોસો રાખી તેમની સાથે લેખીત કરાર કરેલ નહીં, ત્યારબાદ દશેક દીવસ બાદ આરોપીના કહેવા મુજબ તેની કંપનીમાં રોકાણ કરવા માટે બજાજ ફાયાનાન્સ કંપનીમાંથી બિઝનેસ લોન રૂ.11 લાખની લીધેલ હતી. જે રૂપિયા જયના ભાગીદાર ઉમંગ કોટડીયાના બેંક એકાઉન્ટમાં જમાં કરાવેલ હતાં.
બાદમાં જયસુખ સાકરીયાએ જણાવેલ કે, તમારી પાસે બીજા રૂપીયા હોય તો આપો જેથી એપ્લીકેશનનું કામ ચાલુ થાય તેવી વાત કરેલ જેથી બીજા રૂ.11.50 લાખની લોન લઈ જમાં કરાવ્યાં હતાં. તેમજ એક માસના સમય ગાળા દરમ્યાન કટકે કટકે રૂ.14 લાખ જય ઉર્ફે જયસુખને પ્રથમવાર એસ્ટ્રોન સોસાયટી મેઇન રોડ ઉપર અને બીજા રૂપીયા ચાર લાખ તેના ઘર પાસે આપેલ હતાં. કુલ રૂ.25 લાખ આરોપીને તેની કંપનીમાં રોકાણ કરવા માટે આપેલા હતાં. ત્યાર બાદ દોઢેક વર્ષ સુધી તેની કંપનીમાં જે નફો થતો તે નફો તેઓ બે ત્રણ મહીને ભાગમાં આવતી રકમ રોકડેથી આપી દેતો હતો. જેમાં દોઢેક વર્ષ સુધી નફામાંથી કુલ રૂ.3.50 લાખ ભાગ આપેલો હતો.
ત્યારબાદ જયસુખ સાકરીયાએ જણાવેલ કે, એપ્લીકેશનમાં તમો હવે વધારે ઈન્વેસ્ટમેનટ કરો તો તમોને સારો નફો મળશે તેવી વાત કરતા નવેમ્બર- 2023 માં કટકે કટકે રોકડા રૂ. 25 લાખ આરોપીને આપેલા હતાં. જે મળી કુલ રૂ.50 લાખ આરોપી જય સાકરીયાને બેંક ટ્રાન્સફર કરી આપેલ હતાં. ત્યારબાદ રૂપીયાની જરૂરિયાત ઉભી થતાં ફેબ્રુઆરી/2024 માં જયને જણાવેલ કે, મારે રૂપીયાની જરૂર છે તો તમારી કંપનીમાં જે રૂપીયાનુ ઇન્વેસ્ટ કરેલ છે તે રૂપીયા મને પરત આપી દો તેવી વાત કરતા આરોપીએ જણાવેલ કે, તમને તમારા રૂપીયા 15 ફેબ્રુઆરીએ આપી દઇશ તેવી વાત કરેલ અને 15 ફેબ્રુઆરીએ રૂપીયા તેમની પાસેથી ફોન કરીને માંગતા તેણે તે દીવસે રૂપીયા આપેલ નહીં અને તા.20/02/2024 ના રોજ આપી દેવાનુ જણાવેલ હતું. જેથી તા.20 ના ફોન કરી રૂપીયા માંગતા તેઓએ તા.27/02/2024 ના 150 ફૂટ રીંગરોડ પર આવેલ તરભાણુ નામની હોટલ પર રૂબરૂ મળો વાતચીત કરીશુ તેવી વાત કરતા તા.27 ના ફરિયાદી તેમની પત્ની સાથે હોટલ ઉપર મળવા માટે ગયેલા તો ત્યાં જયસુખએ ચર્ચા કરીને જણાવેલ કે, હું તમને એક માસમાં તમારા રૂપીયા આપી દઇશ જેથી 30 માર્ચના તેને ફોન કરી અમારા રૂપીયા માંગતા જણાવેલ કે, તમે હવે મારી પાસે રૂપીયા માંગતા નહીં તમે તમારા રૂપીયા ભુલીજાવ તેવી વાત કરેલ હતી.
ત્યાર બાદ તા.05/04/2024 ના ફરિયાદી આરોપીને ઓફિસે ગયેલ અને તેમનો સાથે વાતચીત કરતા તેણે બે લાખ રૂપીયા રોકડા આપેલા અને બાકીના રૂ. 48 લાખ બાબતે કહેતા જણાવેલ કે, હું તમને રૂ.10 લાખ બે-ત્રણ દીવસમાં કરી દઇશ તેવો વાયદો કરેલ ત્યાર તેને ફોન ઉપાડવાનો બંધ કરી દિધો હતો અને ગઈ તા.11/05/2024 ના આરોપીનો ફોન આવેલ અને મળવા માટે બોલાવતાં તેઓ નાનામવા રોડ ઉપર મારવાડી ગેઇટ પાસે ભેગા થયેલ હતા અને આરોપીએ રૂપીયા આપવાની ના પાડતા કહેલ કે, હવે તારા પૈસા ભુલી જાજે અને મને ફોન કરતો નહી તો હવે મજા નહી આવે તેવી ધમકી આપી છેતરપીંડી આચરી હતી. બનાવ અંગેની ફરીયાદ પરથી તાલુકા પોલીસે ગુનો નોંધી તાલુકા પોલીસ મથકના પીઆઈ ધવલ હરિપરા અને ટીમે તપાસ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.