હળવદ ભારત સરકારની અતિ મહત્વકાંક્ષી શિક્ષણ યોજના PM SHRI માં સરકારી શાળા નંબર-4 ની પસંદગી થઈ
હળવદ-મોરબી દરવાજા બહાર આવેલ સરકારી પ્રાથમિક શાળા નંબર-4 આમતો રાજ્ય સરકારની વિવિધ યોજનાઓમાં પસંદગી પામી રહી છે અગાઉ પણ રાજ્ય સરકારની સ્કૂલ ઓફ એક્સેલન્સ યોજનમાં પસંદ પામી હતી અને મહત્વની વાત તો એ છે કે સમગ્ર ગુજરાત રાજ્યમાં જિલ્લા પંચાયત હસ્તની તમામ શાળાઓમાં શ્રી પે સે.શાળા નંબર-4 એ સૌથી વધુ સંખ્યા ધરાવતી રાજ્યની સૌથી મોટી પ્રાથમિક શાળા બની છે.હાલમાં ધોરણ 1 થી 8માં કુલ 1351 જેટલા બાળકો શાળામાં અભ્યાસ કરી રહ્યા છે અને કુલ 41 જેટલા વિવિધ વિષયના નિષ્ણાંત અને તાલીમબદ્ધ શિક્ષકો શૈક્ષણિક કાર્ય કરાવી રહ્યા છે ત્યારે ખુશીની વાત એ છે કે હવે આ શાળાની પસંદગી કેન્દ્ર સરકારના અતિ સંવેદનશીલ અને મહત્વકાંક્ષી પ્રોજેકટ PM SHRI સ્કીમમાં પણ પસંદ થઈ છે.
રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020ના અમલીકરણના ભાગ સ્વરૂપે કેન્દ્ર સરકારની કેબિનેટ દ્વારા તારીખ 7મી સપ્ટેમ્બર, 2022ના રોજ PM SHRI (PM Schools for Rising India) યોજના મંજૂર કરવામાં આવી છે. વર્ષ 2023 થી 2026 સુધી પાંચ(5) વર્ષમાં દેશની 14,500 થી વધુ શાળાઓ પસંદ કરીને તેનું શિક્ષણ વધુ અસરકારક અને ગુણવત્તાયુક્ત બનાવવું તે આ યોજનાનો મુખ્ય હેતુ છે. PM SHRI (PM Schools for Rising India) Scheme અંતર્ગત પસંદ થયેલી શાળાઓમાં રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-2020નાં તમામ પાસાઓનું અમલીકરણ કરવામાં આવશે, જેથી આ શાળાઓ આસપાસની શાળાઓ માટે ઉદાહરણરૂપ બની રહે.હાલમાં શાળામાં 15 વર્ગખંડો વારુ 3 માળનું અત્યાધુનિક શાળાનું બિલ્ડીંગ પણ પૂર્ણ થવાને આરે છે.
તાલુકા દીઠ એક સરકારી પ્રાથમિક શાળા અને એક માધ્યમિક શાળા પસંદ કરવામાં આવશે.PM SHRI (PM Schools for Rising India) યોજના અંતર્ગત પસંદ થયેલી શાળાઓને અત્યાધુનિક ભૌતિક સુવિધાઓ, ગ્રીન સ્કુલ, પ્રાકૃતિક ખેતી, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાનું મેન્ટરિંગ, રમત-ગમતનું મેદાન, રમત માટે કોચિંગ, અત્યાધુનિક ગણિત-વિજ્ઞાન પ્રયોગશાળા, પુસ્તકાલય, કમ્પ્યૂટર લેબ, આકર્ષક શાળા ગ્રાન્ટ, 21મી સદીના કૌશલ્યોનું જ્ઞાન, ડિજીટલ પુસ્તકાલય, સ્માર્ટ ક્લાસરૂમ્સ, કન્યાઓ અને દિવ્યાંગ બાળકોના સર્વ સમાવેશી શિક્ષણ માટે જરૂરી માળખાકીય સુવિધાઓ, વ્યવસાયલક્ષી શિક્ષણ, દરેક બાળકનાં નામાંકન અને અધ્યયન નિષ્પત્તિનું ટ્રેકિંગ, રસપ્રદ પદ્ધતિ દ્વારા શિક્ષણ વગેરે જેવી આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધાઓ આપવામાં આવશે.
ભારત સરકારના શિક્ષા મંત્રાલયની કમિટી દ્વારા PM SHRI Scheme અંતર્ગત પ્રથમ ફેઝમાં ગુજરાત રાજ્યની 236 પ્રાથમિક અને 38 માધ્યમિક/ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ એમ કુલ 274 શાળાઓ પસંદ કરવામાં આવી છે.બીજા ફેઝમાં ગુજરાત રાજ્યની 140 પ્રાથમિક અને 34 માધ્યમિક/ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ એમ કુલ 174 શાળાઓ પસંદ કરવામાં આવી છે.આમ, બંને ફેઝમાં મળીને ગુજરાત રાજ્યમાંથી કુલ 376 પ્રાથમિક અને 72 માધ્યમિક/ઉચ્ચત્તર માધ્યમિક શાળાઓ એમ કુલ 448 શાળાઓ PM SHRI યોજનામાં અત્યાર સુધી આવરી લેવામાં આવી છે.
આ તકે મોરબી જિલ્લા પ્રા.શિક્ષણ અધિકારી નમ્રતાબેન મહેતા ,હળવદ તાલુકા શિક્ષણ અધિકારી દીપાબેન બોડા તથા બી.આર.સી મિલનભાઈએ ખાસ અભિનંદન પાઠવ્યા હતા.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.