આપણાં દેશમાં શા માટે ઉજવવામાં શિક્ષક દિવસ? જાણો શું છે તેનું મહત્વ?
ગુરુ-શિષ્યની પરંપરા એ પ્રાચીન સમયથી જ ભારતની સંસ્કૃતિનો એક મુખ્ય અને પવિત્ર ભાગ
શિક્ષકો બાળકોને શિક્ષણ પ્રદાન કરી દેશના ભાગ્યવિધાતાના નિર્માણનું ઉમદા કાર્ય કરે છે
દર વર્ષે પાંચમી સપ્ટેમ્બરે દેશમાં શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવે છે. ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસને 'શિક્ષક દિવસ' તરીકે ઉજવવામાં આવે છે. ગુરુ-શિષ્યની પરંપરા એ પ્રાચીન સમયથી જ ભારતની સંસ્કૃતિનો એક મુખ્ય અને પવિત્ર ભાગ છે. શિક્ષક બાળકોરૂપી બાગને હરિયાળો રાખવાનું કાર્ય કરે છે. બાળકોને શિક્ષણ પ્રદાન કરી દેશના ભાગ્યવિધાતાના નિર્માણનું ઉમદા કાર્ય શિક્ષકો દ્વારા કરવામાં આવે છે.
ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણનનો જન્મ પાંચમી સપ્ટેમ્બર ૧૮૮૮ના રોજ તમિલનાડુના તીરૂતાનીમાં થયો હતો. તેમને તત્વજ્ઞાન વિષયમાં પી.એચ.ડી.ની પદવી મેળવી હતી. તેઓ ભારતના પ્રથમ ઉપરાષ્ટ્રપતિ અને બીજા રાષ્ટ્રપતિ રહી ચૂક્યા હતા. ડૉ. રાધાકૃષ્ણન એક મહાન ફિલોસોફર અને શિક્ષક હતા. શિક્ષક પદથી રાષ્ટ્રપતિ પદ સુધી પહોંચનાર તેઓ પ્રથમ વ્યક્તિ હતા. તેમણે એકવાર કહ્યું હતું કે – “હું પહેલા શિક્ષક છું,અને પછી રાષ્ટ્રપ્રમુખ છું.” ૧૯૫૨માં તેમની વરણી દેશના રાષ્ટ્રપતિ પદે કરવામાં આવી હતી. ૧૯૫૪માં તેમને ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ૧૯૭૫માં ઓક્સફર્ડ યુનિર્વિસટીએ તેમને ટેમ્પલટન એવોર્ડથી નવાજ્યા હતા. ઈનામમાં મળેલી બધી જ રકમ તેમણે યુનિર્વિસટીને દાનમાં આપી દીધી હતી.
જ્યારે ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણન ભારતના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમના મિત્રો અને વિદ્યાર્થીઓ દ્વારા તેમના જન્મદિવસની ઉજવણી કરવા માટે ઉત્સાહ બતાવવામાં આવ્યો હતો. તેમનો જન્મદિવસ ઉજવવા તેમની આગળ રજૂઆત કરી હતી. જોકે રાધાકૃષ્ણને પોતાના જન્મદિવસને શિક્ષક દિન તરીકે ઊજવવાનું સૂચન કર્યું હતું. બસ, ત્યારથી તેમનો જન્મદિવસ દેશમાં શિક્ષક દિન તરીકે ઊજવવામાં આવે છે.
શિક્ષક દિનની ઉજવણીનું મહત્વ :
આપણી શાળા કૉલેજોમાં શિક્ષક દિનની વિશેષ રીતે ઉજવણી કરવામાં આવે છે. બાળકો શિક્ષકનું મહત્વ સમજે અને આદર કરતા થાય એ આશયથી આ દિવસે બાળકો ખુદ શિક્ષક બનીને કામ કરે એવી રીતે ઊજવવમાં આવે છે. આ દિવસે ઉત્સાહી બાળકો શિક્ષકની ભૂમિકા નિભાવે છે.સવારની પ્રાર્થના સભાથી લઈને આખા દિવસની શાળાની જવાબદારી બાળકો જ સંભાળે છે. વર્ગખંડમાં કાર્ય કરવામાં કેટલી મુશ્કેલીઓ પડે છે એનાથી વાકેફ થાય છે. જ્યારે એક વિદ્યાર્થી તરીકે પોતે પોતાના શિક્ષકની સૂચના નથી માનતા કે વર્ગખંડમાં શાંતિ નથી જાળવતા ત્યારે કોઈ શિક્ષકની મનોદશા કેવી હોય છે એનો જાતે અનુભવ મેળવે છે. આખો દિવસ શિક્ષક તરીકે કામગીરી કર્યા બાદ આ બાળકો પોતાના સહાધ્યાયીઓને વર્ગખંડમાં પડેલી મુશ્કેલીઓ અને આનંદની પળો વિશે જણાવે છે. શિક્ષક બન્યાનો ગર્વ અનુભવવાની સાથે સાથે તેઓ બીજા બાળકોને શિક્ષકોનો આદર કરવાની સલાહ પણ આપતા જાય છે. આ ઉપરાંત શાળાઓમાં અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો અને ગુરુવંદના સહિતના કાર્યક્રમો પણ યોજવામાં આવે છે.
રિપોર્ટર:ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.