રાજકોટની મનીપ્લસ શરાફી મંડળીના સંચાલકે ખેડૂત પાસેથી રૂ.21 લાખના 30 લાખ પડાવી કિંમતી 17 વિઘા જમીન પણ લખાવી લીધી
રાજકોટની મની પ્લસ શરાફી મંડળીના અલ્પેશ દોંગા આણી ટોળકીનું વધું એક કારસ્તાન સામે આવ્યું છે. ધ્રોલના વાંકીયા ગામના ખેડૂતે વ્યાજે લીધેલ રૂ.21 લાખના 30 લાખ ચૂકવ્યાં, છતાં કિંમતી 17 વિઘા જમીનનો દસ્તાવેજ કરાવી લઈ જમીનનો દસ્તાવેજ મોરબીની ભરવાડ મહિલાના નામે કરી નાંખી, જમીન પર કબ્જો કરવાં ધ્રોલના હોટલ સંચાલક ભરવાડને હવાલો આપી ધમકીઓ અપાવી હતી. બનાવ અંગે તાલુકા પોલીસે અલ્પેશ દોંગા સહિત પાંચ શખ્સો સામે છેતરપિંડી, મનીલેન્ડ એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.
બનાવ અંગે ધ્રોલના વાંકીયા ગામે રહેતાં જયસુખભાઈ મોહનભાઈ ભીમાણી (ઉ.વ.46) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે અલ્પેશ દોંગા, નૈમિશ રામાણી (રહે. બંને રાજકોટ), ભૂરો ભરવાડ (રહે. ધ્રોલ), નારાણ ભરવાડ અને પુરીબેન ભરવાડ (રહે. બંને મોરબી) નું નામ આપતાં તાલુકા પોલીસે છેતરપીંડી, મનીલેન્ડ એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ આદરી હતી.
વધુમાં ફરીયાદીએ જણાવ્યું હતું કે, તેઓ ખેતીકામ કરે છે. વર્ષ 2022 માં તેમને ધંધાકીય કામ માટે પૈસાની જરૂરત હોય જેથી તા.15/07/2022 ના રાજકોટ નાના મૌવા રોડ પર આવેલ મની પ્લસ શરાફી મંડળી ધરાવતા અલ્પેશ દોંગા પાસેથી રૂ.21 લાખ માસિક 2 ટકા વ્યાજે લીધેલ હતા. વ્યાજે આપેલ રકમની સામે સિક્યુરીટી પેટે જમીનનો પેન્ડીંગ દસ્તાવેજ કરી આપવાનું કહ્યું હતું.
અલ્પેશએ પ્રથમ રૂ.5 લાખ રોકડા આપેલ હતા. અલ્પેશના કહેવાથી તા.27/03/2022 ના વાંકીયા ગામની સ.નં. 119 ની ખેતીની જમીન હે.આ.ચોમી. 2-71-34 નો નૈમિશ રામાણીને સિક્યુરીટી પેટે પેન્ડીંગ દસ્તાવેજ કરી આપેલ હતો. નૈમિષએ દસ્તાવેજમાં જણાવેલ રકમ રૂ.1.51 લાખનો ચેક આપેલ હતો.દસેક દિવસ બાદ અલ્પેશએ પોતાની ઓફીસે બોલાવી રૂ.9.49 લાખ રોકડા આપેલ હતા જે લીધેલ રકમ ઉપર ત્રણેક મહિના સુધી માસિક 2 ટકા લેખે વ્યાજ ચુકવેલ હતું.
બાદ તેઓને વ્યાજની રકમ ચુકવી શકતો ન હોય જેથી એકાદ વર્ષ બાદ અલ્પેશએ પોતે વ્યાજે આપેલ રકમ વ્યાજ સહિત 5રત આપવા કહેતા તા.16/10/2023 ના રોકડા રૂ. 15 લાખ તથા ત્રણ દિવસ બાદ રોકડા રૂ.15 લાખ મળી કુલ રૂ.30 લાખ ચુકવી આપેલ હતા. જે રૂપીયા તેઓએ તેમના પુત્ર સહિતના લોકોની હાજરીમાં આપેલ હતાં.આરોપી અલ્પેશ તથા નૈમિષએ તેઓને રૂ.21 લાખ વ્યાજે આપવાના બહાને વિશ્વાસમાં લઈ રકમ વ્યાજે આપી સિક્યુરીટી પેટે પેન્ડિંગ દસ્તાવેજના બદલે રજીસ્ટર્ડ વેંચાણ દસ્તાવેજ કરાવી લઈ તેના બદલામાં રૂ.9 લાખ જેટલું ઉચું વ્યાજ વસુલ કરેલ હતી.
છતાં તેઓ ફરિયાદીએ જમીનનો દસ્તાવેજ પરત કરી આપવાની વાત કરતા બંને શખ્સોએ દસ્તાવેજની રકમ પેટેના રૂ.6.51 લાખ ચેકથી ચુકવવા પડશે તો જ તમારી જમીનનો દસ્તાવેજ કરી આપશું તેમ કહી વધુ રૂપીયાની માંગણી કરેલ હતી.બાદમાં બંને શખ્સોએ જમીનનો પરત દસ્તાવેજ કરી આપવા માટેની અલગ-અલગ તારીખો તથા સબ રજીસ્ટ્રાર કચેરીના ટોકનો આપેલ હતા.
જે એકેય તારીખમાં બંને શખ્સો સબ-રજીસ્ટાર કચેરી ખાતે હાજર રહેલ ન હતા. તેમજ અલ્પેશને તેને રૂપીયા પરત ચુકવી આપેલ હોય તે બાબને લખાણ કરી આપવાનું કહેતા તા.20/12/2023 ના રૂ.300 ના સ્ટેમ્પ ઉપર સમજુતી કરારનું લખાણ કરી આપેલ જેમાં તેઓએ રૂ.6.51 લાખ દસ દિવસમાં પરત ચુકવી આપ્યેથી તેઓના નામે દસ્તાવેજ પરત કરી આપશે તેવી બાંહેધરી આપેલ હતી.
ત્યારબાદ બંને આરોપીને જમીનનો દસ્તાવેજ પરત કરી આપવા જણાવતા બન્નેએ કહેલ કે, હવે તમારે જમીન પાછી જોઇતી હોય તો બીજા વધારાના રૂ.70 લાખ આપવા પડશે કહીં ઉશ્કેરાઈ ગયેલ અને જમીન ભુલી જવાનું કહેતા તેઓને રકમની વ્યવસ્થા કરવા હા પાડેલ હતી. તેઓ જે વધારે રકમની માંગણી કરતા હોય તે રકમ તેઓને ચુકવવા માટે તૈયાર હોય તેમ છતા દસ્તાવેજ પરત કરી આપેલ ન હતો. નૈમિષે જમીનનો દસ્તાવેજ પોતાના નામનો હોય જેથી ફરિયાદીને જમીન 11 માસ માટે વાવવા માટે આપેલ છે તેવો કરાર કરાવી લીધેલની વાત કરેલ હતી.
તા.20/04/2024 ના ધ્રોલ બસ સ્ટેન્ડ સામે ચા ની દુકાન ધરાવતા ભૂરાભાઈ ભરવાડ રાત્રીના સમયે તેમના ખેતરે આવેલ અને મારા ખેતરમાં કામ કરતા મજુરોને ધમકાવી તમારા માલીકને કહેજો આ જમીન મેં લઇ લીધેલ છે હવે જમીન ઉપર પગ ના મુકે તેવી ધમકી આપેલ હતી. બીજા દિવસે બપોરના સમયે ભુરો ભરવાડ ફરીવાર ખેતરે આવેલ અને આ જમીન પોતે જઈ લીધેલ હોવાની વાત કરી માથાકુટ કરી તમે આ જમીન ઉપર પણ મુકશો તો જાનથી મારી નાંખીશ તેવી ધમકી આપેલ હતી.
ત્યાર બાદ જાણવા મળેલ કે, તા.30/06/2024 ના નૈમિષે ફરિયાદીની માલીકીની જમીન કોઈ પુરીબેન જીવણ ભરવાડને વેંચી નાંખેલ હોવાનું ધ્યાન ઉપર આવેલ જે બાબતે બંને શખ્સોને અવાર-નવાર વાત કરતા તેઓએ કહેલ કે, તમે રૂ.70 લાખ ચૂકવેલ નથી, જેથી જમીન વેંચી નાખેલ છે, જો તમારે જમીનનો દસ્તાવેજ કરવો હોય તો રૂ.70 લાખ આપો તે અમારા માણસો છે તમને દસ્તાવેજ કરી આપશે તેમ જણાવેલ હતુ.
ત્યારબાદ ભુરો ભરવાડ એકાદ બે વખત જમીન ખાતે આવેલ અને પોતાના સગા નારણ ભરવાડએ જમીન ખરીદી લીધેલ છે અને તેનો દસ્તાવેજ પુરીબેનના નામે કરી લીધેલ છે, તેમ વાત કરી પોતાને જમીન ખાલી કરાવવાનો હવાલો નારણ ભરવાડે આપેલ હોવાનું કહી અવાર-નવાર જમીનનો કબ્જો ખાલી કરી આપવા ધમકીઓ આપતો હતો.
જેથી અલ્પેશ દોંગા તથા નૈમિષ રામાણી વધુ રૂપીયા પડાવવા તેઓનો માલીકી અને કબ્જા ભોગવટા વાળી જમીન પુરીબેન ભરવાડને વેંચી નાંખી તેઓ વતી ભુરા ભરવાડે જમીનનો કબ્જો ખાલી કરાવવા માટે હવાલો લઈ મને ધાક-ધમકી આપી તમામ આરોપીએ જમીન પચાવી પાડવાના ઇરાદે કાવતરૂ રચી મારી જમીનનો દસ્તાવેજ કરી લીધેલ હતો. બનાવ અંગેની ફરીયાદ પરથી તાલુકા પોલીસે ગુનો નોંધી પીઆઈ ડી. એમ.હરિપરા અને ટીમે તપાસ હાથ ધરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.