ગુજરાતના શહેરી – ગ્રામીણ વિસ્તારના છેવાડાના નાગરિકો-ખેડૂતોને પીવા-સિંચાઇનું પાણી પહોંચે તે માટે અનેકવિધ પાણી પુરવઠા યોજનાઓ કાર્યરત:પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા
ગુજરાતના શહેરી - ગ્રામીણ વિસ્તારના છેવાડાના નાગરિકો-ખેડૂતોને પીવા-સિંચાઇનું પાણી પહોંચે તે માટે અનેકવિધ પાણી પુરવઠા યોજનાઓ કાર્યરત:પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા
પાણી પુરવઠા ક્ષેત્રમાં રૂ. ૨૦,૦૦૦ કરોડથી વધુ રકમના ખર્ચે રાજ્ય વ્યાપી પાણી પુરવઠા ગ્રીડના નિર્માણ થકી ૩,૨૦૦ કી.મી. બલ્ક પાઇપલાઇનનું નિર્માણ
પ્રધાનમંત્રીશ્રીના સ્વપ્ન સમાન જલ જીવન મિશન અંતર્ગત નલ સે જલ યોજના હેઠળ સપ્ટેમ્બર-૨૦૨૨ થી સપ્ટેમ્બર-૨૦૨૩ સુધી ૧૪૮૩ યોજનાઓ પૂર્ણ
સૌરાષ્ટ્ર-કચ્છ જિલ્લાઓમાં ભવિષ્યની પીવાના પાણીની જરૂરીયાતને પહોંચી વળવા માટે બોટાદ જિલ્લામાં રૂ.૩૭૬ કરોડના બલ્ક પાઈપલાઈનનાં કામો પૂર્ણ
આદિવાસી વિસ્તારોમાં ગ્રામીણ આંતરિક પાણી પુરવઠા યોજનાઓ માટે ૧૦% લોકફાળાની રકમ જ્યારે અનુસૂચિત જાતિની ૪૦% કે ૨૫૦ થી વધુ વસ્તી ધરાવતા ગામો માટે પણ લોકફાળામાંથી મુક્તિ અપાઇ
પાણી પુરવઠા પ્રભાગની રૂ. ૬,૨૪૨ કરોડની માતબર રકમની માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર
પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઇ બાવળિયાએ વિધાનસભા ગૃહમાં પાણી પુરવઠા વિભાગની માંગણીઓ રજૂ કરતાં જણાવ્યું હતું કે, મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં ગુજરાતના શહેરી તથા ગ્રામીણ વિસ્તારના છેવાડાના નાગરિકો માટે પીવાનું શુદ્ધ પાણી તેમજ ખેડૂતોને સિંચાઇનું પાણી પહોંચે તે હેતુથી રાજ્ય સરકાર દ્વારા વર્ષ ૨૦૨૪-૨૫ના અંદાજપત્રમાં પાણી પુરવઠા પ્રભાગ હેઠળ રૂ. ૬,૨૪૨ કરોડની માતબર રકમની જોગવાઈ કરવામાં આવી છે.
મંત્રી શ્રી કુંવરજીભાઈએ ગૃહમાં કહ્યું હતું કે, ૩૦ વર્ષ અગાઉ ગુજરાતમાં પીવાના પાણી માટેની શું પરિસ્થિતિ હતી, તેના આપણે સૌ સાક્ષી છીએ. સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં દર વર્ષે દુકાળની પરિસ્થિતિ સામાન્ય બાબત હતી, અછતગ્રસ્ત જિલ્લાઓમાં અડધાથી વધારે ગામોને ટેન્કરથી પાણી આપવામાં આવતુ હતું, પાણીના ટીપા ટીપા માટે બહેનો દ્વારા બેડા યુધ્ધ થતા હત્તા. સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં આખે આખુ ટેન્કરરાજ અમલમાં હતું.
આવા સમયમાં ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીજીની તકલીફમાં પણ તક શોધવાની, આપત્તિને અવસરમાં ફેરવવાની દિર્ઘદ્રષ્ટીથી, પીવાના પાણીના ક્ષેત્રે એક અભૂતપુર્વ કામગીરી કરી છે. રાજ્ય સરકારે છેવાડાના માનવીના કલ્યાણને ધ્યાનમાં રાખીને, રામ રાજ્યની વિભાવના સાકાર કરી છે. જેના પરિણામે ગુજરાત દરેક ક્ષેત્રે દેશનું મોડલ સ્ટેટ બન્યું છે.
મંત્રી શ્રી કુંવરજીભાઈએ ગૃહમાં જણાવ્યું હતું કે, પીવાના પાણીની જોગવાઈ એ રાજ્યની પ્રાથમિક જવાબદારીઓમાંની એક છે. ગુજરાત સરકારે પીવાના પાણીની મર્યાદિત ઉપલબ્ધતાની સમસ્યાને દૂર કરવા માટે અથાગ પ્રયાસો કરી રહી છે. ગુજરાત, એ ભારતનું ગ્રોથ એન્જિન છે. ગુજરાત સરકાર તેના તમામ નાગરિકોને પીવાલાયક પાણી ઉપલબ્ધ કરાવવા અને કૃષિ - ઉદ્યોગના આર્થિક વિકાસને વેગ આપવા માટે પ્રતિબદ્ધ છે. સરકારે આ દિશામાં, મહત્તમ સરફેસ સોર્સ આઘારીત પાણીના ઉપયોગ માટેના સુદ્રઢ પગલાં લીધાં છે.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, પાણી પુરવઠા વિભાગે રાજ્યની પાણીની અછતની સ્થિતિને ટકાઉ ધોરણે નિવારવાના લક્ષ્ય સાથે "રાજ્યવ્યાપી પાણી પુરવઠા ગ્રીડ" બનાવવાની પહેલ કરી, તમામને પૂરતા પ્રમાણમાં પાણી સુનિશ્ચિત કરાવવા માટે મજબૂત માળખું બનાવવામાં આવ્યું છે.
છેલ્લા બે દાયકામાં, ગુજરાત જળ સુરક્ષા અને જળ સંસાધનોના કાર્યક્ષમ સંચાલન તરફની પહેલ માટે દેશમાં અગ્રેસર રહ્યું છે. રાજ્યમાં દુષ્કાળની પરિસ્થિતિમાંથી છૂટકારો મેળવવા માટે પાણીના માળખામાં રોકાણ, લાંબા ગાળાની જળનીતિના અમલીકરણ, સ્થાનિક માળખાકીય સુવિધાઓ, પાણી પુરવઠા સેવાઓના સંચાલનમાં ગ્રામીણ સમુદાયોની ભાગીદારીને, પ્રાધાન્ય આપવામાં આવ્યું છે, તેમ તેમણે ઉમેર્યું છે.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે,રાજ્યમાં છેલ્લા ૨૨ વર્ષથી પીવાના પાણીના ક્ષેત્રમાં અભૂતપૂર્વ કામો થયા છે. રાજ્યમાં પાણી પુરવઠા ક્ષેત્રમાં રૂ. ૨૦,૦૦૦ કરોડ થી વધુ રકમના ખર્ચે રાજ્ય વ્યાપી પાણી પુરવઠા ગ્રીડના નિર્માણ થકી ૩,૨૦૦ કી.મી. બલ્ક પાઇપલાઇનનું નિર્માણ થયું છે. આ પાણી પુરવઠા ગ્રીડ દ્વારા રાજ્યના ૧૮,૧૫૨ પૈકી ૧૪,૯૨૬ ગામો તેમજ ૨૪૧ શહેરો નર્મદા તથા અન્ય સરફેસ સ્ત્રોતથી જોડાયેલ છે, જે થકી સમગ્ર રાજ્યમાં ૩૫૨ જૂથ યોજનાઓ હેઠળના ૧૪૩૨ હેડવર્ક/સબહેડવર્ક થકી ૪.૩૬ કરોડ લોકોને દૈનિક ૩૨૦૦ એમ.એલ.ડી. પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે.
મંત્રીશ્રીએ વિધાનસભા ગૃહમાં જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રીના સ્વપ્ન સમાન જલ જીવન મિશન અંતર્ગત નલ સે જલ યોજના હેઠળ સપ્ટેમ્બર-૨૦૨૨ થી સપ્ટેમ્બર-૨૦૨૩ સુધી ૧૪૮૩ યોજનાઓ પૂર્ણ કરી લોકોને ઘર આંગણે શુધ્ધ અને પૂરતું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. જયારે રૂ. ૭૯ કરોડની ૧૩૫ યોજનાઓની કામગીરી મંજૂર કરવામાં આવી છે. ગુજરાત સરકાર દ્વારા નવીન રૂ.૫૪૯ કરોડ ની યોજનાઓનું લોકાર્પણ, રૂ.૯૬૯ કરોડની યોજનાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ છે.
તેમણે કહ્યું હતું કે,રાજયમાં છેલ્લા એક વર્ષમાં ૮૯૯ ગામોને સમાવેશ કરતી અંદાજીત કિંમત રૂ.૧૨૩૮ કરોડની, ૨૫ જૂથ પાણી પુરવઠા અને ફળીયા કનેક્ટીવીટી યોજનાઓ પૂર્ણ કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છ જિલ્લાઓમાં ભવિષ્યની પીવાના પાણીની જરૂરીયાતને પહોંચી વળવા માટે બોટાદ જિલ્લામાં રૂ.૩૭૬ કરોડનાં બલ્ક પાઈપલાઈનનાં કામો પૂર્ણ કરવામાં આવેલ છે. ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, બોટાદ, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદર જિલ્લા માટે રૂ.૨૦૮૦ કરોડ નાં બલ્ક પાઈપલાઈનનાં કામો પ્રગતિ હેઠળ છે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, સમગ્ર સૌરાષ્ટ્ર - કચ્છ વિસ્તારમાં પાણીની ઉપલબ્ઘિની સુનિશ્ચિતતાના કારણે, આજે તે વિસ્તારથી લોકોનુ સ્થળાંતર અટકયુ છે, તથા ઔઘોગિક ક્રાંતિ થઈ છે. ચાલુ વર્ષે, ૯ જૂથ યોજનાઓના કામો પૂર્ણ કર્યા છે જેમાં, ૩૮૮ ગામોનો સમાવેશ થાય છે.
મંત્રીશ્રીએ પાણી પુરવઠા અંતર્ગત બજેટમાં મહત્વની યોજનાઓની માહિતી આપતા કહ્યું હતું કે, જલ જીવન મિશન માટે રૂ. ૨૫૧૧ કરોડ ,ગ્રામ્ય પાણી પુરવઠા યોજના માટે રૂ. ૧૩૨૪ કરોડ, નર્મદા કેનાલ આધારિત પાણી પુરવઠા યોજના માટે રૂ. ૮૮૫ કરોડ, રીયુઝ ઓફ ટ્રીટેડ વેસ્ટ વૉટર માટે રૂ. ૧૦૦ કરોડ ના ખર્ચે નવા STP, ડિ-સેલીનેશન પ્લાન્ટની સ્થાપના માટે રૂ.૫૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, રાજ્ય સરકાર દ્વારા, આદિવાસી વિસ્તારોમાં ગ્રામીણ આંતરિક પાણી પુરવઠા યોજનાઓ માટે ૧૦% લોકફાળાની રકમ ભરવાથી મુક્તિ આપવામાં આવી છે. આવી જ રીતે, અનુસૂચિત જાતિની ૪૦% કે ૨૫૦ થી વધુ વસ્તી ધરાવતા ગામો માટે પણ લોકફાળામાંથી મુક્તિ આપવા જાહેરાત કરવામાં આવી છે.
તેમણે કહ્યું હતું કે, કેન્દ્ર સરકાર દ્વારા દેશના તમામ નાગરિકને વર્ષ ૨૦૨૪ સુધીમાં ઘરે-ઘરે શુધ્ધ પાણી ઉપલબ્ધ થાય તે માટે વડાપ્રધાનશ્રીએ ‘હર ઘર જલ’ યોજના જાહેર કરી છે અને ‘જલ જીવન મિશન’ હેઠળ ‘નલ સે જલ’ કાર્યક્રમ અંતર્ગત ગુજરાત રાજયના ગ્રામીણ વિસ્તારોમાં, તમામ ઘરોને નળ દ્વારા પીવાનું પાણી પુરુ પાડવા માટેના જોડાણ આપવામાં આવ્યા છે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, અમારા વિભાગે રાજ્યની તમામ અમલી યોજનાઓની સમીક્ષા કરી, વ્યક્તિ દીઠ ૭૦ લિટરમાંથી ૧૦૦ લિટર પાણી મળી રહે તે માટે જ્યાં જરુરી જણાય ત્યાં સોર્સનો કાર્યક્ષમ ઉપયોગ થાય, તે મુજબ ફેરફાર કર્યા છે. આગામી ત્રણ વર્ષમાં, ભૂગર્ભ જળ આધારિત વ્યક્તિગત પાણી પુરવઠા યોજનાના ગામોને તબક્કાવાર પાણીના સરફેસ સોર્સ આધારિત જુથ પાણી પુરવઠા યોજનના ભાગ તરીકે આવરી લેવાનું આયોજન કર્યું છે.
તેમણે કહ્યું હતું કે, રાજ્ય સરકાર, તમામ જિલ્લા તાલુકાને સરફેસ વોટર આધારીત કાયમી પાણી આપવા સંકલ્પબદ્ધ છે. આદિજાતિ વિસ્તારો કે, જ્યાં ઉપરના ગામડાઓમાં સરફેસ સ્ત્રોત નથી, ત્યાં બલ્ક લાઇન મારફતે સરફેસ સોર્સ ઉભા કરવાનો નિશ્ચય છે. જેના ભાગ રૂપે રૂ. ૧૫૪૧ કરોડની ૧૪૩૦ ગામોને આવરી લેતી પાંચ બલ્કપાઇપલાઈન યોજના મંજૂર કરી છે.
તેમણે કહ્યું હતું કે, ઢાંકી અને નાવડા આઘારીત સૌરાષ્ટ્ર કચ્છ વોટર ગ્રીડથી ૨૫૦૦ એમ.એલ.ડીની કેપેસીટી છે તેમાં બોટાદ, ભાવનગર, જુનાગઢ, રાજકોટ, અમરેલી, પોરંબદર, ગીર સોમનાથ જિલ્લાઓ માટે ક્ષમતા સંવર્ઘનના ઉદ્દેશ્યથી નાવડાથી ચાવંડ - ૮૫ કી.મી. બલ્ક પાઇપલાઇન, ઢાંકીથી નાવડા ૯૭ કિ.મી પાઇપલાઇન અને ધરઈથી ભેસાણ સુઘીની ૬૩ કિ.મી પાઇપલાઇનના કામો પ્રગતિ હેઠળ છે.
મંત્રીશ્રીએ ગૃહમાં જણાવ્યું હતું કે, પીવાના પાણીનું માળખુ યોગ્ય અને સક્ષમ રીતે ચાલે તે સુનિશ્ચિત કરવા માટે અને યોગ્ય ગુણવતા વાળુ, પૂરતી માત્રામાં અને સમયસર રોજે રોજ પાણી વિતરણ સુનિશ્ચિત બને તે ઉદેશ્યથી, પાણીની ગુણવત્તા અને જથ્થાના મીટરીંગનો પ્રોજેક્ટનુ અમલીકરણ હાથ ઘરવામા આવ્યું છે.
તેમણે કહ્યું હતું કે, આદિજાતિ વિસ્તારોમાં ભુતકાળનું માળખું હેન્ડપંપ આધારિત હતું, તેમાં બદલાવ કરી ઘરે ઘરે નળ ઉપલબ્ધ બને તે આશય થી છેલ્લા ત્રણ વર્ષમાં અમારી સરકારે આદિજાતિ વિસ્તારમાં વિવિઘ કામોનું અમલીકરણ કરેલ છે. આદીજાતી વિસ્તારના દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર અને વલસાડમાં બલ્ક લાઇનના કામો હાલ પ્રગતિમાં છે. પરંતુ હાલ ટુંકા ગાળાની વ્યવસ્થાના ભાગ રુપે સ્થાનિક સોર્સ - ભુગર્ભ જળ આધારીત સ્ત્રોતો ઊભા કરવામા આવ્યા છે.
મંત્રીશ્રીએ કહ્યું હતું કે, ગુજરાત સરકાર દ્વારા તા. ૨૮-૦૫-૨૦૧૮ના રોજ ગટરના શુધ્ધિકરણ કરાયેલા પાણીના પુન: ઉપયોગ અંગેની નીતિ જાહેર કરવામા આવેલ છે. આ નીતિનો ધ્યેય શુધ્ધ પાણીના જળસંશાધનો પરની નિર્ભરતા ઘટાડવાનું છે.
તેમણે કહ્યું હતું કે, સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના છેવાડાના ગામોમાં પીવાના પાણીનો વૈકલ્પિક સોર્સ ઉભો કરી સ્થાનિક વિસ્તારમાં જળસલામતિ પ્રદાન કરવા હેતુ, દરિયાકાઠાંના કુલ ચાર સ્થળોએ સ્થાનિક જરૂરીયાત મુજબ દરીયાના ખારા પાણીમાંથી મીઠું પાણી બનાવવા માટે ૪ સ્થળોએ (૧) ભાવનગર જિલ્લાના ઘોઘા ગામે (નવા રતનપર) ૭ કરોડ લિટર, (૨) ગીરસોમનાથ જિલ્લાના વડોદરા ઝાલા ગામે ૩ કરોડ લિટર, (૩) દેવભૂમી દ્વારકા જિલ્લાના ગાંઘવી ગામે ૭ કરોડ લિટર અને (૪) કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના ગુંદીયાળી ગામે ૧૦ કરોડ લિટર આમ કુલ ૨૭ કરોડ લીટર દૈનિક ક્ષમતાના “ડી-સેલીનેશન પ્લાન્ટ” સ્થાપવવાની કામગીરી પ્રગતિ હેઠળ છે. આ પ્રોજેક્ટ થકી અછતની પરિસ્થિતીમાં સંપૂર્ણ પણે નર્મદા આધારિત રહેવાની જગ્યાએ દરિયાના પાણી થકી, પાણીની સુરક્ષાની બાબતમાં આ સરકારનું એક નિર્ણાયક કદમ છે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ગુજરાત ઘરવપરાશ પાણી પુરવઠા (સંરક્ષણ) અઘિનિયમ ૨૦૧૯નો હેતુ પાણીના અનીધીકૃત ઉપાડ અટકાવવાનો, પાણી પુરવઠાની આંતરમાળખાકીય સુવિધાને નુકશાન થતું અટકાવવાનો અને ઘર વપરાશની પાણી પુરવઠા વ્યવસ્થાનું સંરક્ષણ કરવાનો છે.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, વોટર ઓડીટની જાગૃત્તિ લાવનાર ગુજરાત રાજય ભારતનું પ્રથમ રાજય બન્યું છે. રાજ્યમાં આઈ.ટી.આઈ કેન્દ્રો મારફત પ્રતિ બેચ ૨૫ ઓપરેટર પ્રમાણે તાલીમ શરુ કરવામા આવેલ છે. સાથોસાથ તાલીમ પૂર્ણ થયા બાદ ઓપરેટર પોતાના ગામની યોજનાની મરામત અને જાળવણી સારી અને અસરકારક રીતે કરી શકે, તેમજ રોજ બરોજનું રીપેરીંગ સમયસર થઇ શકે તે માટે જુદા-જુદા સાધનો સાથેની ટૂલકીટ આપવામાં આવી છે. પાણી પુરવઠા પ્રભાગની સેવાઓ સંબંધિત ફરિયાદોના નિવારણ માટે ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર ૧૯૧૬ કાર્યરત કરવામાં આવ્યો છે તેમજ મુખ્ય કચેરી ગાંધીનગર ખાતે ૨૪ કલાકનો કંટ્રોલ રૂમ કાર્યરત છે.
આમ, નવા ભારતના સ્વપ્નદ્રષ્ટા અને ગુજરાતના પનોતાપુત્ર એવા દેશના પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના ૨૦૧૯ થી ૨૦૨૪ સુધીમાં ૫ વર્ષમાં “હર ઘર જલ” ના સપનાને સિધ્ધ કરવા” ના સંકલ્પને ગુજરાત રાજયએ પરિપૂર્ણ કર્યો છે.
પાણી પુરવઠા પ્રભાગની રૂ. ૬,૨૪૨ કરોડની માતબર રકમની માંગણીઓ વિધાનસભા ગૃહમાં પસાર કરાઈ હતી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.