ખાસ લેખ રાષ્ટ્રવાદ, રાષ્ટ્રએક્તા અને રાષ્ટ્રભાવનાને પ્રબળ બનાવતું બોટાદનું રાણપુર સ્વાતંત્ર્ય સંગ્રામની ધરોહર સમાન રાણપુરમાં આઝાદીના લડવૈયા એકઠા થઇ દેશની આઝાદી માટે ચિંતન કરતાં: ભારતની ૭૫ સત્યાગ્રહ છાવણી પૈકી રાણપુર બોટાદનું ગૌરવ
આઝાદીના સમયે અનેક સત્યાગ્રહોનું સાક્ષી બનેલું રાણપુર
આઝાદીના અમૃત મહોત્સવ અન્વયે વાત કરીએ રાણપુરના અમૃત ભૂતકાળની
આલેખન: રાધિકા વ્યાસ, હેમાલી ભટ્ટ
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાનું નામ આઝાદીની ચળવળમાં સુવર્ણ અક્ષરે કંડારેલું છે. આ ગામ સાથે અનેક સત્યાગ્રહો જોડાયેલા છે ત્યારે આજે આપણે આઝાદીના અમૃત મહોત્સવ અન્વયે વાત કરીએ રાણપુરના અમૃત ભૂતકાળની.
રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ એટલે રાણપુર, ક્રાંતિકારી લડતમાં અમૂલ્ય યોગદાન આપનાર સૌરાષ્ટ્રના સૌપ્રથમ દૈનિક "સૌરાષ્ટ્ર" એટલે કે આજના ફૂલછાબની જન્મભૂમિ એટલે રાણપુર, અનેક સત્યાગ્રહોનું પ્રારંભસ્થાન એટલે રાણપુર, આઝાદી મેળવવા માટે લડત લડવા થયેલી અનેક ચર્ચાઓનું સ્થાન એટલે રાણપુર.
દેશભરમાં હાલ આઝાદીનાં અમૃત મહોત્સવની ગૌરવભેર ઉજવણી થઈ રહી છે, આ વર્ષે સ્વતંત્રતા પર્વ નિમિત્તે "હર ઘર તિરંગા" અભિયાનને પણ સમગ્ર દેશવાસીઓએ હરખભેર વધાવ્યું છે ત્યારે રાણપુરની વાત તો કરવી જ પડે. આ સ્થળે એક લીમડાના વૃક્ષ હેઠળ બેસી શ્રી ઝવેરચંદ મેઘાણીએ અનેક શોર્યગીતો અને આઝાદી માટે જોમ અને જુસ્સો જન્માવતાં લેખો લખ્યાં હતા. આ જ ગામનાં સ્મશાનમાં બેસી આઝાદીના લડવૈયાઓએ સ્વતંત્રતા મેળવવા પોતાની આહુતિ આપી દેવાનાં શપથ લીધા હતા. અહીંથી જ સૌરાષ્ટ્ર અખબારના સ્થાપક અમૃતલાલ શેઠ અને તેમની સાથેના ક્રાંતિવીરોએ સત્યાગ્રહનો આરંભ કર્યો હતો.
ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામમાં રાણપુરની ખુબ મહત્વની ભૂમિકા રહી છે. આઝાદીની લડતમાં અમૂલ્ય પ્રદાન આપનાર આ નગર ગૌરવવંતો ઈતિહાસ સાચવીને બેઠું છે. ગોમા અને સુકભાદર નદીના સંગમ પર વસેલું રાણપુર ઐતિહાસિક દ્રષ્ટિએ ત્રણ મહત્વની બાબતોને કારણે ખ્યાતિ ધરાવે છે. (1) સત્યાગ્રહ છાવણી તરીકે જાણીતું રાણપુરનું સ્મશાન(2) સૌરાષ્ટ્રના દેશી રજવાડાઓમાં ચેતનાની ચિંગારી જગાવતાં સૌરાષ્ટ્ર દૈનિકની જન્મભૂમિ (3) રાષ્ટ્રીય શાયરશ્રી ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ.
સૌરાષ્ટ્રનાં ધોલેરા સત્યાગ્રહમાં દાંડીકૂચના સમયે જ્યારે સ્વતંત્રતા સેનાનીઓ ભેગાં થતાં હતાં ત્યારે રાણપુર અને બોટાદ મહત્વની ચર્ચાઓનું સ્થાન બન્યું હતું. રાણપુર સ્મશાન છાવણીમાં ઝવેરચંદ મેઘાણી, અમૃતલાલ શેઠ અને તેમનાં તમામ સાથીઓ રાત્રે એકઠા થતાં અને ત્યારબાદ ધોલેરા માટે કૂચ કરતાં હતાં. રાણપુર અને બોટાદવાસીઓએ આઝાદીની લડતમાં અનેરો ફાળો આપ્યો હતો. દેશના ઈતિહાસમાં અંકિત થયેલાં ધોલેરા સત્યાગ્રહમાં રાણપુરનાં સત્યાગ્રહીઓએ બ્રિટીશ સલ્તનત માટે પડકારરૂપ પદ્ધતિ અપનાવી હતી. અહીંના સત્યાગ્રહીઓએ સ્મશાન છાવણીનો અભિગમ અમલી બનાવ્યો હતો. જ્યારે અંગ્રેજો સત્યાગ્રહીઓના ઘરે જપ્તી કરી રહ્યા હતાં ત્યારે અહીંના ચળવળકારોએ નક્કી કર્યુ હતું કે આપણે એવી જગ્યા શોધીએ કે જ્યા સરળતાથી અંગ્રેજો પહોંચી ન શકે. અંતે આ નરબંકાઓએ સ્મશાનને પોતાનું સાધન બનાવ્યું હતું.
એપ્રિલ 1925માં મહાત્મા ગાંધીજી રાણપુરની મુલાકાતે આવ્યાં હતાં. રાણપુર ગ્રામ પંચાયતએ બાપુનું ભાવભેર સ્વાગત કરી તેમને માનપત્ર અર્પણ કર્યુ હતું. તે સમયે મહાત્મા ગાંધીજીએ અમૃતલાલ શેઠ દ્વારા સ્થપાયેલા સૌરાષ્ટ્ર-ફૂલછાબ પ્રેસમાં રાત્રી રોકાણ કર્યુ હતું અને લીમડાનાં વૃક્ષ નીચે બેસીને ગાંધીજી, એ.ડી.શેઠ અને ઝવેરચંદ મેઘાણીએ સાથે મળીને સ્વતંત્રતા મેળવવા માટેની ચર્ચાઓ કરી હતી. બાપુ રાણપુરમાં હિન્દુ અને મુસ્લિમો વચ્ચેનો ભાઈચારો જોઈને ખુબ જ પ્રભાવિત થયા હતા.
મહાત્મા ગાંધીના ભારતમાં આગમન બાદ મીઠા ઉપરના ભારે કર વિરુદ્ધ 1930-31 દરમિયાન વીરમગામ અને ધોલેરા ખાતે મીઠું પકવવા સત્યાગ્રહ કરાયો હતો. ધોલેરા સત્યાગ્રહની ચાર છાવણીઓ પૈકી એક છાવણી રાણપુર ખાતે હતી.
જ્યારે સ્વતંત્રતાની ચળવળ માટે રાણપુર મુખ્ય મુકામ બન્યું ત્યારે અંગ્રેજોએ રાણપુર રેલ્વે સ્ટેશન ખાતે ટ્રેનનો સ્ટોપ બંધ કરાવી દીધો હતો. તેમછતાં સ્વતંત્રતાની લડત માટે ચળવળકારો આગલા સ્ટોપે ઉતરી અને પગપાળા રાણપુરનાં સ્મશાને ખાતે પહોંચતા જ્યાં રાણપુરની બહેનો સૌને ભોજન પીરસતી. સ્મશાનભૂમિ પર જ આખી રાત સ્વાતંત્ર્ય સેનાનીઓ ચળવળ માટેની ચર્ચાઓ કરતાં હતાં અને સવારે કૂચ કરતાં હતાં.
રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની કર્મભૂમિ અને ડાંગના દીદી પૂર્ણિમાબેન પકવાસાની જન્મભૂમિ એવા રાણપુરનો આ ખમીરવંતો ઈતિહાસ આજે પણ દેશવાસીઓને જોમ અને ઉત્સાહ પુરું પાડી રહ્યો છે.
રિપોર્ટર:ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.