હળવદમાં ભાજપના વિરોધમાં ક્ષત્રિય સમાજના અસ્મિતા ધર્મ-રથનું આગમન
હળવદ:રાજકોટ લોકસભા ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજની દીકરીઓ વિશેની અભદ્ર ટિપ્પણીના વિરોધમાં તથા ભાજપ પક્ષ દ્વારા પરષોત્તમ રૂપાલાની ટિકિટ રદ ન કરાતા ક્ષત્રિય સમાજ દ્વારા ભાજપ પક્ષના વિરોધમાં પ્રચાર પ્રસાર કરવા સમગ્ર ગુજરાતમાં અસ્મિતા ધર્મ-રથ કાઢવામાં આવ્યો હતો. ત્યારે સુરેન્દ્રનગર જીલ્લામાં ત્રણ દિવસ આ અસ્મિતા ધર્મ-રથ રેલી સ્વરૂપે ફેરવી ગઈકાલે હળવદ ખાતે આવી પહોચતા ક્ષત્રિય સમાજના આ અસ્મિતા ધર્મ-રથનું વિવિધ સમાજ દ્વારા સ્વાગત-સન્માન કરવામાં આવ્યું હતું.
રાજકોટ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલાએ ક્ષત્રિય સમાજની દીકરીયું વિશે કરેલી ટિપ્પણી બાદ રોષે ભરાયેલા ક્ષત્રિય સમાજે આંદોલન પાર્ટ ટુ ની જાહેરાત કરી હતી જે અંતર્ગત બુધવારે અસ્મિતા ધર્મરથ હળવદ મુકામે આવી પહોંચ્યો હતો, જ્યાં ક્ષત્રિય સમાજના ધર્મ-રથનુ વિવિધ સમાજ દ્વારા સન્માન કરવામાં આવ્યું. ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા ડૉ.ભીમરાવ આંબેડકરની પ્રતિમાને ફુલ હાર પહેરાવી તેમજ શનીદેવ મંદિર ખાતે શનીદેવને ફુલહાર અર્પણ કરી ધર્મ-રથનુ મુખ્ય બજારમાં રેલી દ્રારા પ્રસ્થાન કરવામાં આવ્યું હતું. ત્યારે ક્ષત્રિય સમાજ દ્વારા અસ્મિતા ધર્મ-રથ રેલીમાં ભાજપ વિરુદ્ધ નારા.. ભાજપ હાય..હાય..અને 'જય ભવાની ભાજપ જવાની' જેવા સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. જે ધર્મ-રથ રેલી ક્ષત્રિય સમાજની સભામાં ફેરવાઈ હતી. આ તકે ક્ષત્રિય સમાજના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, ત્યારે આગેવાનો દ્વારા કહેવામાં આવ્યું હતું કે આવનારા દિવસોમાં ગામે-ગામ બુથ લેવલ પર ભાજપ વિરોધમાં મતદાન થાય તે માટે ક્ષત્રિય સમાજના યુવકોની કમિટીની રચના કરવામાં આવશે તેમ જણાવ્યું હતું.
રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.