રાષ્ટ્રભક્તિ અને રાષ્ટ્રવાદ બંને અલગ છે, બંનેનો નશો હોય છેઆંબેડકર દલિત પરિષદ દ્વારા આજે અમદાવાદમાં યોજાયેલી એક ચિંતન સભામાં ‘રાષ્ટ્રવાદની કાલ, આજ અને આવતી કાલ’ વિશે આપેલા પ્રવચનના કેટલાક મુખ્ય મુદ્દા:
(૧) રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રભક્તિ બે અલગ અલગ છે પણ એકબીજા સાથે જોડાયેલાં છે. વ્યક્તિ દેશ પ્રત્યે પ્રેમ ધરાવે એ સારી બાબત છે, એ રાષ્ટ્રભક્તિ છે; પણ એ પ્રેમ જ્યારે સામૂહિક ગાંડપણ બને છે ત્યારે તે સત્યાનાશ કરે છે.
(૨) વિખ્યાત અંગ્રેજ લેખક સેમ્યુઅલ જ્હોનસન દ્વારા એમ કહેવાયેલું કે "રાષ્ટ્રભક્તિ એ હરામખોર લોકોનો છેલ્લો આશરો હોય છે." વાસ્તવમાં, ભારતમાં આજકાલ લોકોને રાષ્ટ્રભક્તિ મફતમાં વેચવામાં આવી રહી છે કે જેથી સત્તાધીશો કાયમ સત્તા પર ટકી રહે.
(૩) દેશભક્તને દેશ વિશે ગૌરવ હોય છે, પણ રાષ્ટ્રવાદી તેના દેશના લોકો ગમે તે કરે, તેની સરકાર ગમે તે કરે, તેનું ગૌરવ લે છે. રાષ્ટ્રવાદી દેશની લોકોની અને સરકારની ટીકા કરવા માટે તૈયાર થતો નથી.
(૪) હિંદુ સંસ્કૃતિ સમવાયી સંસ્કૃતિ છે, તે કોઈ એક જ ઇશ્વર, એક જ પુસ્તક કે એક જ પ્રકારની પૂજા પદ્ધતિ પર આધાર રાખનારી નથી. એટલે સાંસ્કૃતિક રાષ્ટ્રવાદ ખરેખર તો વૈવિધ્ય પર આધારિત છે. એ વૈવિધ્યનો સ્વીકાર જ ભારતને એક અને અખંડિત રાખી શકે તેમ છે.
(૫) ભારતનો આજે જે નકશો છે તે કદી હતો જ નહીં. નકશાઓ તો બદલાતા રહે છે. એટલે નકશાને જેટલો પ્રેમ કરવામાં આવે તેના કરતાં વધારે પ્રેમ મનુષ્યોને કરવો જરૂરી છે. એ રાષ્ટ્રવાદથી પર બાબત છે.
(૬) રાષ્ટ્રવાદ વાસ્તવમાં વ્યક્તિઓને અંધ બનાવે છે. સરકારો અન્યાયી રીતે વર્તે તો પણ લોકો તેમને કશું કહેવા માટે તૈયાર થતા નથી. એટલે સરકારોને વિરોધીઓ પ્રત્યે ત્રાસદાયક અને નિર્દય બનતાં વાર લાગતી નથી.
(૭) રાષ્ટ્રની કે દેશની ભક્તિ કરવામાં આપણે લોકોના કલ્યાણને અને સુખને ભૂલવું જોઈએ નહીં.
(૮) રાષ્ટ્રભક્તિ વિકાસ કઈ તરફ જઈ રહ્યો છે, કોનો વિકાસ કરે છે એની ચિંતા કરતાં પણ આપણને રોકી દે છે. વિકાસ કોને માટે કોણ કરી રહ્યું છે તેની પણ ચિંતા કરવાની જરૂર છે.
(૯) વૈશ્વિકીકરણના આ જમાનામાં સાર્વભૌમત્વ અને રાષ્ટ્રવાદ એ ઘસાઈ ગયેલા ખ્યાલો છે. મૂળ સવાલ તો દરેક વ્યક્તિનું ગૌરવ જળવાય અને બંધારણમાં લિખિત સમાનતા, સ્વતંત્રતા, ન્યાય અને બંધૂતના આદર્શો સિદ્ધ થાય તે જરૂરી છે.
(૧૦) રાષ્ટ્રવાદ અને રાષ્ટ્રભક્તિનો ખતરનાક નશો હોય છે. એ બીજાઓ પ્રત્યે ધિક્કાર જન્માવે છે અને બીજાઓને મારી નાખવા માટે અને જેલમાં નાખવા માટે તૈયાર થઈ જતા હોય છે. હિટલર રાષ્ટ્રવાદી જ હતો, અને તેણે રાષ્ટ્રવાદને નામે લોકોને અને સરકારી માળખાને હિંસક બનાવી દીધાં હતાં.
(૧૧) આર્થિક અને રાજકીય સત્તા ભોગવતા રાષ્ટ્રવાદીઓ કોઈ દિવસ પોતે દેશ માટે બલિદાન આપવા માટે તૈયાર હોતા નથી. તેઓ દેશ માટે બીજાઓ જ બલિદાન આપે તેમ ઇચ્છે છે અને તેની તેઓ તેમને ફરજ પણ પાડે છે.
રિપોર્ટર:-ધામેલ દિપકકુમાર જી
9033343315
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.