24 વર્ષ બાદ ચિત્રકૂટ એવોર્ડ શિહોર તાલુકાના ધ્રુપકા શાળાના શિક્ષક પર પ્રસંદગી નો કળશ ઢોળાયો - At This Time

24 વર્ષ બાદ ચિત્રકૂટ એવોર્ડ શિહોર તાલુકાના ધ્રુપકા શાળાના શિક્ષક પર પ્રસંદગી નો કળશ ઢોળાયો


પરમ વંદનીય મોરારિબાપુ દ્વારા દર વરસે જાન્યુઆરીના મધ્યમાં રાજ્યના દરેક જિલ્લા દીઠ શિક્ષણક્ષેત્રે ઉત્કૃષ્ટ કાર્ય કરતાં એક-એક ગુરુજનનું તેમના વતન તલગાજરડા ખાતે ચિત્રકૂટ ઍવૉર્ડ દ્વારા સન્માન કરાતું હોય છે.આ વરસે ભાવનગર જિલ્લામાંથી શિહોર તાલુકાની ધ્રુપકા પ્રાથમિક શાળાના શિક્ષકની ચિત્રકૂટ ઍવૉર્ડ માટે પસંદગી થઇ છે.
મોરારિબાપુ દ્વારા છેલ્લા પચીસેક વરસથી ઉત્તરાયણના પર્વ આજુબાજુ રાજ્યના દરેક જિલ્લામાંથી એક-એક શિક્ષણને સમર્પિત ગુરુજનોને ચેક, શાલ અને ટ્રોફી આપી તેઓનું સન્માન કરવામાં આવે છે. ઉલ્લેખનીય છે કે સને:2001માં શિહોર તાલુકાની મોટા સુરકા પ્રા.શાળાના શિક્ષકને ચિત્રકૂટ એનાયત કરાયો હતો. એ પછી 24 વરસના લાંબા સમયગાળા પછી હવે :2025મા સિહોર તાલુકાના કોઇ શિક્ષકની ચિત્રકૂટ ઍવૉર્ડ માટે પસંદગી થઇ છે. આ વરસે શિહોર તાલુકાની ધ્રુપકા પ્રાથમિક શાળાના મદદનીશ શિક્ષક હિંમતભાઇ શામજીભાઇ રાઠોડની ચિત્રકૂટ ઍવૉર્ડ માટે પસંદગી કરાય છે. તા.15/1ને બુધવારના રોજ તલગાજરડા ખાતે સવારે 9 કલાકે પૂજ્ય મોરારિબાપુના હસ્તે રાજ્યના 34 ઉત્કૃષ્ટ શિક્ષકોનું ચિત્રકૂટ ઍવૉર્ડથી સન્માન કરવામાં આવશે.
હિંમતભાઇ દ્વારા આ પ્રકારની કામગીરી કરવામાં આવે છે.(૧)શિક્ષક દ્વારા જોડણી શુદ્ધિ મહાવરા અર્થે સાહિત્ય નિર્માણ કરેલ છે.(ર)અમર બાળવાર્તાના વાંચન દ્વારા રસસભર રીતે ભાષા શિક્ષણ કરાવે છે.(૩)ગુજરાતી ભાષા માટે અતિ ઉપયોગી એવા 108 ગુજરાતી – શબ્દોનું સંકલન કરેલ છે. જેનું જિલ્લા કક્ષાએ ઇનૉવેશન પણ રજૂ કરેલ.(૪) “વાસરિકા”ના નવતર પ્રયોગ દ્વારા બાળકોમાં ભાષા શિક્ષણનું ઉત્તમ કાર્ય કરી રહ્યા છે.(પ) શાળામાં દરેક બાળકના જન્મ દિવસે બાળકના રસ-રુચિ મુજબનું 'પુસ્તક’ પ્રદાન કરવામાં આવે છે.(૬) છેલ્લા ત્રણ વર્ષથી ઉનાળું અને શિયાળુ બંને વૅકેશન તેમજ રવિવાર અને અન્ય જાહેર રજા ભોગવ્યા વગર આદર્શ સમયદાન આપી રહ્યા છે.(૭) માન્ય સાર્થ જોડણીકોશના પ્રદાન અને ઉપયોગ દ્વારા ભાષા શિક્ષણ આપી રહ્યા છે.(૮) શાળા વિકાસ અને લોક ભાગીદારી અર્થે સતત પ્રયત્નશીલ. તાલુકા કક્ષાના ઍવૉર્ડ અંતર્ગત મળેલ રૂ.5000/- તેમજ ઉત્કર્ષ કેળવણી ટ્રસ્ટ-સુરત દ્વારા સૉક્રેટિસ ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવેલ તે સમયે સન્માન સ્વરૂપે મળેલ રૂ. રૂ.5000/-,માતૃભાષા અભિયાન સંસ્થા અમદાવાદ દ્વારા રાજ્યના શ્રેષ્ઠ ઇનોવૅટિવ શિક્ષક તરીકે મળેલ રૂ.7000 એમ કુલ 17,000/- રૂપિયા શાળાના વિકાસ માટે શાળાને અર્પણ કરી દીધેલ.(૯) બાળકોને કૉમ્પ્યુટરનું જ્ઞાન મળે તે માટે શાળાના કૉમ્પ્યુટર અને પોતાના લૅપટૉપ દ્વારા કૉમ્પ્યુટરનું શિક્ષણ આપી રહ્યા છે. ઉપરાંત સ્વખર્ચે વસાવેલ લૅપટૉપ, પ્રિન્ટર અને કાગળ બાળકો માટે તરતા મૂકી દેવામાં આવેલ છે.
(૧૦) સને :2023-24માં ધોરણ: 8ના બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવતા પ્રથમ વખત શાળાની એક દીકરી N.M.M.S.ના મૅરિટમાં અને સાત બાળકો જ્ઞાન સાધના પરીક્ષાના મૅરિટમાં આવ્યા.(૧૧) ધ્રુપકા ગામમાં શાળા શરૂ થયા પછી પ્રથમ વખત એક દીકરીને આર્થિક અનુદાન આપી ભાવનગર ખાતે ધોરણ:11 સાયન્સમાં પ્રવેશ અપાવવા કડીરૂપ ભૂમિકા ભજવી.(૧૨) ભાવેણાનું ગૌરવ અને જાણીતા લેખક ડૉ.નિમિત્ત ઓઝાના કહેવા મુજબ સ્ત્રી સ્વાતંત્ર્યનું પ્રથમ પગથિયું એટલે બહેનોને બાઇક ચલાવતા આવડવું જોઇએ. આથી વૅકેશન અને જાહેર રજાના દિવસોમાં બહેનોને શાળામાં બાઇક શિખવવામાં આવે છે.(૧૩) ધ્રુપકા શાળાના બાળકો અને ગ્રામજનોને વાંચનની રુચિ જગાડ્યા પછી, પોતાના પગારની આવકમાંથી શિહોર શહેરમાં પુસ્તક પરબ શરૂ કરેલ છે.જેને સારો એવો પ્રતિસાદ મળેલ છે.
(૧૪) બાળકોને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરાવવા રોજ સવારે શાળા સમય પહેલાં; દોઢેક કલાક શાળાએ વહેલાં પહોંચી જઈ એકસ્ટ્રા કલાસ લેવામાં આવે છે. (૧૫) શાળાના શૈક્ષણિક પ્રવાસ સમયે દર પ્રવાસમાં એકથી બે દીકરીઓની પ્રવાસ ફી ભરવામાં આવે છે.(૧૬) બાળકો પર્યાવરણ જાળવણીમાં ભવિષ્યમાં મદદરૂપ બને એ હેતુથી વન વિભાગ સાથે સંપર્કમાં રહી, બાળકો સાથે અવારનવાર પર્યાવરણ શિબિરમાં ભાગ લેવામાં આવે છે અને ડુંગર ભ્રમણ માટે લઈ જવામાં આવે છે.
ઉપરોક્ત કામગીરીને ધ્યાને લઇ, તેઓની ચિત્રકૂટ ઍવૉર્ડ માટે પસંદગી થઇ છે.હિંમતભાઇની પસંદગી બદલ ભાવનગર જિલ્લા શિક્ષણ વિભાગ, ધ્રુપકાના ગ્રામજનો દ્વારા તેઓને અભિનંદન પાઠવવામાં આવેલ. તેઓને સરાહનીય કામગીરી બદલ તેઓને અગાઉ આઠેક ઍવૉર્ડ મળી ચૂક્યા છે. આ વરસે તેઓને અમદાવાદ ખાતે પરિજાત ઍવૉર્ડ પણ મળવાનો છે. રિપોર્ટઅશોકભાઈ ઢીલા શિહોર


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.
preload imagepreload image