દાહોદ જિલ્લામાં નવા ૧૯૫ વિદ્યા સહાયકોની નિમણુંક કરાઇ;વિદ્યાસહાયકોને નિમણુંક પત્ર એનાયત માટેનો કાર્યક્રમ યોજાયો
દાહોદ,તા ૧૩ દાહોદ જિલ્લામાં આજ રોજ નવા ૧૯૫ વિદ્યાસહાયકોને નિમણુંક પત્ર એનાયત માટેનો કાર્યક્રમ બીઆરસી ભવન, મુવાલીયા ખાતે યોજાયો હતો. નવા ઉપસ્થિત થનારા વિદ્યા સહાયકોને મહાનુભાવોએ શુભેચ્છાઓ આપી હતી. તેમજ વિદ્યા સહાયકોએ પોતાની સ્થળ પસંદગી પણ કરી હતી.
જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પ્રફુલ્લભાઇ ડામોરે વિદ્યા સહાયકોને શુભેચ્છાઓ આપતા જણાવ્યું હતું કે, આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે આજે ઉપસ્થિત થયેલા દરેક વિદ્યાસહાયક ૭૫ વૃક્ષો વાવે અને તેનું જતન કરવાનો સંકલ્પ લે. તેમજ વિદ્યાસહાયકોએ ૭૫ વૃક્ષ વાવવાના શપથ પણ આ પ્રસંગે લીધા હતા.
તેમણે એમ પણ જણાવ્યું કે, આજના ગુરૂપૂર્ણિમાના દિવસે તમને નિમણુંક પત્ર મળ્યા છે ત્યારે એક સાચા ગુરૂજીની ભૂમિકા તમને અદા કરવાની છે. વિદ્યાર્થીઓના ઘડતરમાં શિક્ષકની ભૂમિકા મહત્વની હોય છે. વિદ્યાર્થીઓના કારકિર્દી ઘડતર સાથે તેઓ તેમના જીવનને પણ દિશા આપે છે. શિક્ષક તરીકે તમે એક ઉમદા વિદ્યાર્થીના ઘડતર સાથે આગળ વધવાનું છે તેમ તેમણે ઉમેર્યું હતું.
આજ રોજ રાજ્યભરમાંથી દરેક જિલ્લામાં વિધ્યાસહાયકોની ભરતી કરવામાં આવી છે. ત્યારે દાહોદ જિલ્લામાં વિદ્યાસહાયકોને આજે નિમણુંક પત્ર અપાયા હતા. વિદ્યાસહાયક ભરતીમાં ઉંચુ મેરીટ લાવનારા વિદ્યાસહાયકોનું બહુમાન પણ કરાયું હતું. નવી નિમણુંક પામેલા વિદ્યાસહાયકોને કુંમકુમ તિલક અને મોઢું મીઠું કરાવીને નિમણુંકના પ્રથમ દિને સ્વાગત કરાયું હતું.
આ વેળા જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી મયુરભાઇ પારેખ, જિલ્લા પ્રાથમિક શૈક્ષિક સંઘના પ્રમુખ બળવંતભાઇ ડાંગર, જિલ્લા પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ સરતનભાઇ કટારા ઉપસ્થિત રહ્યાં હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.