મતદાન માટે યુવાનોનો ઉત્સાહ વધારતા બોટાદના વડીલો: બોટાદના 80 વર્ષના દંપતીએ સજોડે મતદાન કર્યુ
અમે જીવનની સંધ્યાએ પહોંચ્યા છીએ, પણ ઉગતા સુરજ સમા યુવાનોને અને સૌ કોઈને મતદાન કરવા માટે અનુરોધ કરીએ છીએ: 80 વર્ષના બા અને દાદા
એકમેકનો હાથ પકડીને ચાલતા બોટાદના 80 વર્ષના દંપતીનો મતદાન કરવાનો જુસ્સો યુવાનોને પ્રેરણા પૂરી પાડનારો છે. બા અને દાદા બંનેની ઉંમર 80-80 વર્ષ છે. દાદા ડોક્ટર તરીકે સેવા આપી ચૂક્યા છે તો દાદી શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા.
માત્ર ઉંમરથી વૃદ્ધ પરંતુ વિચારોથી યુવાન આ દંપતીએ લોકશાહીના મહાપર્વ વિશે પોતાનો અનુભવ વર્ણવતા કહ્યું હતું કે, જ્યારે અમે બંને યુવાન હતા, ત્યારે પણ લોકશાહીને મજબૂત બનાવવા વધુને વધુ મતદાન થાય તે માટે લોકોને પ્રેરિત કરતા હતા. આજે જ્યારે અમે જીવનની સંધ્યાએ પહોંચ્યા છીએ ત્યારે પણ ઉગતા સુરજ સમા યુવાનોને અને સૌ કોઈને મતદાન કરવા માટે અનુરોધ કરીએ છીએ.
લોકશાહી અને મતદાન પ્રત્યેના દાદા અને બાના વિચારો દરેક યુવાનમાં ઉર્જાનો સંચાર કરનારા છે. બંને વડીલોએ બ્રાંચ શાળા નંબર-2, ગઢડા ખાતે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી પવિત્ર ફરજ અદા કરી હતી.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.