ધરતીને બંજર બનતી અટકાવવાનો અને પર્યાવરણનું જતન કરવાનો એકમાત્ર વિકલ્પ છે,પ્રાકૃતિક કૃષિ- રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રત
ધરતીને બંજર બનતી અટકાવવાનો અને પર્યાવરણનું જતન કરવાનો એકમાત્ર વિકલ્પ છે,પ્રાકૃતિક કૃષિ-રાજયપાલશ્રી આચાર્ય દેવવ્રત
ખંભાત ખાતે રાજયપાલશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ શિબિર યોજાઈ
ખંભાત ખાતે યોજાયેલી પ્રાકૃતિક કૃષિ શિબિરને સંબોધતા રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું હતું કે, જળવાયુ પરિવર્તન એ આજના સમયની સૌથી મોટી સમસ્યા છે, ખેતીમાં ઉપયોગ કરવામાં આવતા રાસાયણિક ખાતર અને દવાના કારણે ગ્લોબલ વોર્મિંગમાં વધારો થયો છે, એટલું જ નહી પરંતુ રાસાયણિક ખાતર- દવાના કારણે પ્રકૃતિનું સંતુલન જાળવતા જીવ જંતુ - બેક્ટેરીયા નાશ પામ્યા છે, જેના પરિણામે આજે ધરતી બંજર બની રહી છે.
ધરતીને બંજર બનતી અટકાવવાનો અને પર્યાવરણનું જતન કરવાનો એકમાત્ર વિકલ્પ પ્રાકૃતિક કૃષિ છે. આપણે હવા, પાણી અને જમીનને પ્રદુષિત કરીને પ્રકૃતિનું શોષણ કર્યું છે, જેનો દંડ પ્રકૃતિ આપી રહી છે. ગત વર્ષે આવેલા બે વાવાઝોડા તેના સાક્ષી છે. પ્રકૃતિને બચાવવા પ્રાકૃતિક ખેતી જ એક માત્ર અસરકારક હથિયાર સાબિત થઈ શકે એમ છે, તેમ જણાવી રાજયપાલશ્રીએ ઉપસ્થિત સૌને ગુરુદક્ષિણા રૂપે પ્રાકૃતિક કૃષિ અપનાવવા અપીલ કરી હતી.
ખંભાત તાલુકા સાર્વજનિક કેળવણી મંડળ અને પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલય દ્વારા ખંભાત ખાતે યોજાયેલ પ્રાકૃતિક કૃષિ શિબિરને સંબોધતા રાજયપાલશ્રી દેવવ્રતે ઉપસ્થિત તમામને સામાજિક-પારિવારિક પ્રસંગોની ઉજવણી પ્રસંગે એક વૃક્ષ વાવી અને તેનું જતન કરવા અનુરોધ કરતા ઉમેર્યું હતુ કે, વૃક્ષ વાવી તેનું ૩ વર્ષ સુધી રક્ષણ કરશો તો તે વૃક્ષ આખી જિંદગી તમારું રક્ષણ કરશે. વૃક્ષો વાતાવરણમાંથી ઝેરરૂપી કાર્બન ડાયોક્સાઇડ લઈને આપણને અમૃતરૂપી ઓક્સિજન આપે છે. આથી જ વૃક્ષોનું જતન કરવું એ આપણા સૌની ફરજ છે.
પ્રાકૃતિક ખેતીનું આ અભિયાન જન માનસ સુધી પહોંચે તે માટે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ આહ્વવાન કર્યું છે, ત્યારે સૌ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવે તે ખૂબ જ જરૂરી છે, અને આજના સમયની માંગ પણ છે, તેમ જણાવીને પ્રાકૃતિક કૃષિના ફાયદા વર્ણાવતાં રાજ્યપાલશ્રીએ ઉમેર્યું હતું કે, રાસાયણિક ખાતર અને દવાઓના કારણે ગ્લોબલ વૉર્મિંગમાં સતત વધારો થઈ રહ્યો છે, તેવા સમયે ધરતી માતાને બચાવવા પ્રાકૃતિક કૃષિએ અસરકારક શસ્ત્ર સાબિત થઈ શકે છે. પ્રાકૃતિક કૃષિ માટે વપરાતા ગાયના એક ગ્રામ છાણમાં ત્રણ સો કરોડ થી વધુ સૂક્ષ્મ જીવાણું હોય છે. ભારતીય મુળની ગાયોનું છાણ બેક્ટેરિયા અને ગૌમુત્ર ખનીજનો ભંડાર છે. જેનાથી બનતા જીવામૃતમાં દર ૨૦ મિનિટે સૂક્ષ્મ જીવાણુંઓની સંખ્યામાં બમણો વધારો થાય છે, આ જીવામૃતનો ખેતીમાં ઉપયોગ કરવાથી જમીનના સેન્દ્રીય કાર્બનમાં વધારો થવાની સાથે જમીનની ગુણવત્તામાં પણ સુધારો થાય છે.
રાજ્યપાલશ્રીએ વધુમાં કહયુ હતું કે, ખેતીમાં વધૂ પડતા રાસાયણિક ખાતરોના વપરાશને કારણે જમીનમાં સુક્ષ્મ જીવાણુંઓનું પ્રમાણ ઘટતાં ઓર્ગેનિક કાર્બન ઓછો થયો છે, પ્રાકૃતિક ખેતીથી જમીનમાં સુક્ષ્મ જીવાણુંઓનું પ્રમાણ વધે છે એટલું જ નહી, જમીનના ઓર્ગેનિક કાર્બનમાં પણ ઝડપથી વધારો થાય છે. હરીત ક્રાંતીના સમયે સમગ્ર દેશની જમીન જંગલ જેવી ઉપજાવ હતી. તે સમયે જમીનનો સેન્દ્રીય કાર્બન ૨ થી ૨.૫ ટકા હતો, જે હવે ઘટીને ૦.૨ થી ૦.૫ ટકા થઈ ગયો છે. જેનો અર્થ થાય કે હવે દેશની જમીન બિન ઉપજાઓ બની ચૂકી છે.
રાજ્યપાલશ્રીએ ખેતીમાં વપરાતા યુરિયામાં રહેલા નાઇટ્રસ ઓક્સાઈડ કાર્બન ડાયોક્સાઇડથી ૩૧૨ ગણો વધુ નુકશાનકારક છે જે ગ્લોબલ વોર્મિગ માટે જવાબદાર હોવાનું જણાવી વધુમાં ઉમેર્યું હતું કે, ગત વર્ષે દેશમાં રૂ. ૨.૫ લાખ કરોડના યુરીયાની આયાત કરવામાં આવી છે. આપણે રૂ. ૨.૫ લાખ કરોડ રૂપિયા આપીને વિદેશમાંથી ઝેર ખરીદીએ છીએ. તેની સામે જો પ્રાકૃતિક ખેતી અપનાવીએ તો પ્રકૃતિની સાથે દેશના રૂપિયાને પણ બચાવી શકીએ. યુરિયા ખાતરમાં ૫૦ ટકા નમક હોય છે જે જમીનને કઠણ અને બિન ઉપજાવ બનાવે છે, જ્યારે પ્રાકૃતિક ખેતીના કારણે જમીનમાં અળસિયાની સંખ્યા વધે છે, જે નેચરલ વોટર હાર્વેસ્ટિંગનું કામ કરે છે જેના કારણે જમીનમાં પાણીનું સ્તર પણ ઊંચું આવે છે.
રાજ્યપાલશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, ભગવત ગીતામાં લખ્યું છે કે આહાર શુધ્ધીથી જ મનની શુદ્ધિ થાય છે. માટે આપણો ખોરાક પૌષકતત્વોથી ભરપુર હોવો જોઈએ. પરંતુ રાસાયણિક દવા અને ખાતરના કારણે આજે અનાજ શાકભાજીમાં પોષકતત્વો નોંધપાત્ર રીતે ઘટયા છે. આવા રાસાયણિક દવા અને ખાતરથી ઉત્પાદિત અનાજ-શાકભાજી ખાવાથી હવે નાની ઉંમરે હાર્ટ એટેક ડાયાબિટીસ કેન્સર જેવી બીમારીઓનું પ્રમાણ વધ્યું છે. આજથી ૩૦-૪૦ વર્ષ પહેલા કોઈપણ જાતની ગંભીર બીમારી થતી નહોતી. રાસાયણિક ખેતીથી જમીનની ફળદ્રુપતા ઘટવાની સાથે તેમાંથી ઉત્પન્ન થતા ધાન્ય પાકો પણ ઝેરયુક્ત બન્યા છે.
ગુજરાતના નવ લાખ જેટલા ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળી ચૂક્યા હોવાનું જણાવીને રાજયપાલશ્રીએ ગુજરાતના ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવીને ધરતી માતાને બચાવવાના આ મહાયજ્ઞમાં જોડાય તે માટે ગુજરાતના હાલોલમાં વિશ્વની સૌ પ્રથમ પ્રાકૃતિક કૃષિ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં બદલ ગુજરાત સરકારને અભિનંદન પાઠવ્યા હતા.
કાર્યક્રમની શરૂઆતમાં પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયના કુલપતિશ્રી ડૉ. સી.કે. ટીંબડીયાએ સ્વાગત પ્રવચન કર્યું હતું. શ્રી ખંભાત તાલુકા સાર્વજનિક કેળવણી મંડળના સેક્રેટરીશ્રી બંકિમચંદ્ર વ્યાસે પ્રાસંગિક ઉદબોધન કર્યું હતું. જયારે કોલેજના આચાર્યશ્રી વશિષ્ઠ દ્વિવેદીએ આભારવિધિ કરી હતી.
કાર્યક્રમ પૂર્વે રાજ્યપાલશ્રીના હસ્તે રિસર્ચ સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમ દરમિયાન શ્રી ખંભાત તાલુકા સાર્વજનિક કેળવણી મંડળના સેક્રેટરીશ્રી બંકિમચંદ્ર વ્યાસ દ્વારા લીખીત આવેલ બે પુસ્તકોનું રાજ્યપાલશ્રીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. તથા પ્રાકૃતિક કૃષિ ક્ષેત્રે ઉત્કૃષ્ટ કામગીરી કરનાર વૈજ્ઞાનિકો અને ખેડૂતોને સન્માનવામાં આવ્યા હતા. આ તકે મંચસ્થ મહાનુભાવો તથા ઉપસ્થિત સર્વેએ પ્રાકૃતિક કૃષિ અપનાવવાના શપથ લીધા હતા.
આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી પ્રવીણ ચૌધરી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અતુલકુમાર બંસલ, સરદાર પટેલ યુનિવર્સિટીના કુલપતિશ્રી ડૉ. નિરંજનભાઇ પટેલ, ખંભાત નગરપાલિકા પ્રમુખશ્રી દિગ્વિજયસિંહ પરમાર, શ્રી ખંભાત તાલુકા સાર્વજનિક કેળવણી મંડળના પ્રમુખશ્રી જયંતીભાઈ પટેલ, ઉપપ્રમુખશ્રી કમલેશભાઈ બ્રહ્મભટ્ટ, પ્રાકૃતિક કૃષિ પ્રચારકશ્રી પ્રફુલભાઈ સેંજલીયા, યુનિવર્સિટી અને કોલેજના સ્ટાફ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તથા ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા
9409516488
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.