અરવલ્લી જિલ્લામાં તા.૩૧ માર્ચે ગુજકેટ પરીક્ષા-૨૦૨૪ યોજાશે.
જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા યોજવા જિલ્લા વહીવટી તંત્ર તૈયાર: કલેક્ટર શ્રી પ્રશસ્તિ પરીક.
પરીક્ષા કેન્દ્ર અને આસપાસના વિસ્તારોમાં પ્રતિબંધિત કૃત્યો કરવા પર પ્રતિબંધ.
ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ, ગાંધીનગર દ્વારા ગુજકેટ પરીક્ષા-૨૦૨૪નું આયોજન કરવામાં આવ્યું છે. અરવલ્લી જિલ્લામાં મોડાસા ખાતે ૧૧ કેન્દ્રો પર ૨૦૭૬ વિદ્યાર્થીઓ આગામી તા.૩૧ માર્ચ, ૨૦૨૪ને રવિવારના રોજ આ પરીક્ષા આપશે.
પરીક્ષાના સુચારુ આયોજન માટે જિલ્લા કલેકટરશ્રી પ્રશસ્તિ પરીકના અધ્યક્ષ સ્થાને અધિકારીઓ સાથે બેઠક યોજાઈ. બેઠકમાં ઓબસર્વર , કેન્દ્ર સંવાહક અધિકારીઓને કામગીરી અંગે સૂચન કરવામાં આવ્યા. ગરમીના દિવસોમાં આરોગ્ય ટીમને પણ સતર્કતાથી કામગીરી કરવા કલેકટરશ્રીએ સૂચન કર્યા.
બેઠકમાં જિલ્લા પોલીસ વડા શેફાલી બરવાલ,અધીક નિવાસી કલેકટર જે.કે. જેગોડા, જિલ્લા શિક્ષણ અધિકારી ડૉ.ઉષા ગામીત સહિત પરીક્ષા સમિતિના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
પરીક્ષા સ્થળ પર કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે, ગેરરીતિ ન થાય તે માટે ઉપરાંત પરીક્ષા કેન્દ્રોમાં મોબાઈલ, ફેક્સ, ઝેરોક્ષ, કોપી મશીનો, અન્ય પ્રકારના કોમ્યુનિકેશન સાધનો તથા આસપાસના વિસ્તારોમાં ઝેરોક્ષ, કોપી મશીનો સહિતના ઇલેક્ટ્રોનિક વિજાણુ યંત્ર પર પરીક્ષા સમય દરમિયાન પ્રતિબંધ રહેશે.
પરીક્ષા કેન્દ્રોની ચો તરફ ૧૦૦ મીટરની ત્રિજ્યામાં આવેલા તમામ મકાનો તથા જગ્યા સ્થળ અને વિસ્તારમાં આ જાહેરનામાં અંતર્ગત પ્રતિબંધિત કૃત્યો કરવા મનાઇ ફરમાવવામાં આવી છે. પરીક્ષાર્થીઓને ખલેલ ન પહોંચે તે માટે પરીક્ષા સ્થળની આસપાસના વિસ્તારમાં લાઉડ સ્પીકરના ઉપયોગ પર પ્રતિબંધ રહેશે.
બિન અધિકૃત માણસો ઉપરોક્ત પ્રતિબંધિત વિસ્તારમાં પ્રવેશ કરી શકશે નહીં. પરીક્ષા સંબંધિત ચોરી ગણાય તેવી કોઈપણ વસ્તુ, ઇલેક્ટ્રોનિક આઇટમ, પુસ્તક, કાપલીઓ, મોબાઇલ, ઝેરોક્ષ નકલોનું વહન કરવું નહીં કે કરવામાં મદદ કરવી નહીં. તા. ૩૧.૦૩.૨૦૨૪ના રોજ સવારના ૮.૩૦ કલાકથી સાંજના ૧૬.૩૦ કલાક સુધી પરીક્ષાની હદમાં પરીક્ષા કમ્પાઉન્ડ હદથી ચારે બાજુ ૧૦૦ મીટરની હદમાં જાહેર માર્ગો પર ૪ કે તેથી વધુ વ્યક્તિઓના એકઠા થવા પર પ્રતિબંધ રહેશે.
જીતેન્દ્ર ભાટીયા,9429180079.
મોડાસા, અરવલ્લી.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.