કારને ટક્કર મારનાર ટ્રકનો પીછો કરતા યુવકને ચાલકે ફરી અડફેટે લીધો , મોત . - At This Time

કારને ટક્કર મારનાર ટ્રકનો પીછો કરતા યુવકને ચાલકે ફરી અડફેટે લીધો , મોત .


સરકારી તબીબોની કારને અકસ્માત કરી નાસી છૂટેલા ટ્રક ચાલકનો કારમાંથી ઊતરી ત્રાહિત યુવકના ટુ - વ્હીલર પર જઇ પીછો કરનાર યુવાનને ટ્રક ચાલકે ફરી એક્સિડન્ટ કરતાં તેનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું . બનાવ અંગે પોલીસે ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે . અરેરાટી ઉપજાવનાર ઘટનાની વિગતો એવી છે કે , કરજણના પીએચસીના તબીબ ડો . પરેશ શર્મા સહિત કર્મચારીઓ 21 ઓક્ટોબરના રોજ દાહોદ ગયા હતા . જ્યાંથી પરત ફરી રહેલા અન્ય કર્મચારીઓની કારને ગોલ્ડન ચોકડી પાસે એક ટ્રક ચાલકે ટક્કર મારી હતી . અકસ્માત બાદ ટ્રકનો નંબર જોવા માટે કારમાં બેઠેલા મિનહાજ મુબારક પટેલ અને લુકમાન કોલા દોડી રહ્યા હતા , જ્યારે કરજણના વલણ ગામે રહેતા અને કમ્પ્યૂટર ડેટા ઓપરેટર તરીકે ફરજ બજાવતા 32 વર્ષીય યાસીન યાકુબ જંજીરીયા એક વ્યક્તિનું બાઈક અટકાવી તેના પર બેસી ટ્રક ચાલકનો પીછો કરતા હતા . દરમિયાન એપીએમસી માર્કેટ પાસે ટ્રક ચાલકે તેને ફરી ટક્કર મારી હતી અને તેનું ઘટના સ્થળે મોત થયું હતું . સ્થળ પર પહોંચેલા અન્ય સાથીઓને ઘટના અંગે જાણ થતાં તેમણે આ અંગે પોલીસને જાણ કરી હતી . પોલીસે અજાણ્યા ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે . યાસીનને કોલ કરતાં જવાબ મળ્યો , તે ઘાયલ છે ટ્રકનો પીછો કરવા કરવા ગયેલો યાસીન પરત ન ફરતાં સ્ટાફ સાથે કારમાં બેઠેલાં મહિલા તબીબે તેના મોબાઈલ પર કોલ કર્યો હતો . ત્યારે યાસીનના ફોન પરથી વાત કરનાર વ્યક્તિએ કહ્યું કે , ‘ તમે જેને કોલ કરો છો તે ભાઈ તો ઘાયલ થઇને પડ્યા છે . તેમના ફોન પરથી હું વાત કરું છું . આ સાંભળી સ્ટાફના સભ્યોમાં ઘેરા શોકની લાગણી ફરી વળી હતી અને તુરંત જ ઘટના સ્થળે પહોંચ્યા ત્યારે યાસીન મૃત હાલતમાં પડ્યો હતો , એમ બાપોદ પોલીસ મથકના પીએસઆઈ પી . એમ . પારેખે જણાવ્યું હતું .


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.