ભરૂચની ઓળખ સમાન સુજની વણાટકામને મળ્યો GI ટેગ... - At This Time

ભરૂચની ઓળખ સમાન સુજની વણાટકામને મળ્યો GI ટેગ…


બ્રિજેશકુમાર પટેલ - ભરૂચ જિલ્લા,
બ્યુરો ચીફ, એટ ધીસ ટાઇમ

“ભરૂચ સુજની વણાટકામ” ને ભારત સરકારના વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયની જીઓગ્રાફિકલ ઈંડિકેશન રજીસ્ટ્રી ઓફિસ દ્વારા “ભૌગોલીક માનક – GI ટેગ (Geographical Indication (GI) Tag)” આપવામાં આવ્યો.

ભરૂચ જીલ્લામાં જીઆઇ ટેગ મેળવનાર સુજની સર્વપ્રથમ ઉત્પાદન બન્યું છે. જિલ્લા વહીવટી તંત્ર, ભરૂચના “ રોશની પ્રોજેકટ”માં સુજની સાથે જોડાયેલા વણકર ભાઈઓ બહેનો, વહીવટી તંત્રનો અધિકારી ગણ અને અન્ય ટેકેદારોના સહિયાર પ્રયત્નનું આ પરિણામ છે.
ઉલ્લેખનીય છે કે, પ્રોજેકટ ROSHANI (Revival Of Sujani Handloom & Neoteric Inclusion of artisans) એ શ્રી તુષાર સુમેરા, IAS કે જેઑ ભરૂચ જિલ્લા કલેકટર તરીકે ફરજ બજાવી રહ્યા છે, તેમના કુશળ નેતૃત્વ હેઠળ જિલ્લા વહીવટી તંત્રની લુપ્ત પ્રાય: થવાને આરે આવેલ સુજની વણાટકલાને પુનઃજીવિત કરવાની એક સી.એસ.આર. પહેલ છે.
પ્રોજેકટ રોશની, એ લુપ્ત પ્રાય થવાના આરે આવેલ સુજની વણાટકળાને બહુઆયામી પગલાઓ દ્વારા પુનર્જીવિત જીવિત કરવાનો અનોખો અભિગમ છે. જેમાં, વણકર કલાકારોની સહકારી મંડળી બનાવવી, ટ્રેનીંગ કમ પ્રોડકશન સેન્ટર વિકસિત કરવું, હસ્તકળાના વ્યાપારને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ફોર્મલાઈઝ કરવો, પ્રોડક્ટ સ્ટાન્ડર્ડ વિકસિત કરવાં, નવી સુજની કલાકારોની પેઢી તૈયાર કરવી, મહિલા તાલીમાર્થીઓને તાલીમ આપી રોજગારની તકો પૂરી પડાવી વગેરે વગેરે.
રોશની પ્રોજેકટની શરૂઆત 12 માર્ચ, 2023 ના રોજ ભરૂચની ઓળખ સામા નર્મદા નદીના કિનારે આવેલ ફૂર્જા પાસે “રેવા સુજની કેન્દ્ર” ના ઉદ્ઘાટન સાથે થઈ હતી. જેમાં 40 વર્ષોના લાંબા અંતરાલ બાદ પ્રથમ પ્રોટોટાઇપ સુજની હાથશાળ વિકસિત કરવામાં આવી હતી. આ કેન્દ્ર તમામ ઇચ્છુક કલાકારો, વિદ્યાર્થીઓ, સંશોધકો અને કળા રસિકો માટે એક “Common facilitation cum training facility” ની ભૂમિકા ભજવી રહ્યું છે. રોશની પ્રોજેકટ હેઠળ, જિલ્લા વહીવટી તંત્ર, ભરૂચ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, કમિશનર કુટીર ઉદ્યોગ (HSY) અન્ય શુભેચ્છકોના માર્ગદર્શન હેઠળ “શ્રી ભરૂચ જિલ્લા સુજની ઉત્પાદન અને વેચાણ સહકારી મંડળી” દ્વારા GI ટેગ માટેની અરજી કરવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે રોશની પ્રોજેકટના પ્રયાસો થકી મુઝક્કિર સુજનીવાલાને “લુપ્ત થતી કળા માટેનો રાજ્ય કક્ષાનો એવોર્ડ” ગુજરાત રાજ્ય સરકાર દ્વારા એનાયત કરવામાં આવ્યો છે. કારીગરોમાં આ પ્રોજેકટ થકી આશની નવી કિરણ બંધાઈ છે. જેમને આ કામ છોડી દીધું હતું તેઓ પાછા જોડાઈ રહ્યા છે. નવી પેઢીના લોકો આ કલાને શીખવા માટે આગળ આવી રહ્યા છે અને રોજગારી પ્રાપ્ત કરી રહ્યા છે.
સુજની સાથે જોડાયેલા કલાકારોને રોશની પ્રોજેકટ હેઠળ રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય મંચ પૂરું પાડવામાં આવ્યું છે. જી20 કોન્ફરન્સ થી ભારત ટેક્સ એક્ષપો, નવી દિલ્લી, ભારત મંડપમ ખાતે રાષ્ટ્રીય હેન્ડલૂમ દિવસની ઉજવણી નો પ્રસંગ હોય, સુજનીને આગવ સ્થાન પ્રાપ્ત થયું છે અને લોકોમાં સુજનીની ઓળખ પુનઃ સ્થાપિત થઈ છે. આ ઉપરાંત “રેવા સુજની” બ્રાન્ડ રજીસ્ટર્ડ કરવામાં આવી છે, જેનું અનાવરણ માનનીય રાજયપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી દ્વારા કરવામાં આવ્યું હતું.
સુજનીને ભારત સરકારના “એક જિલ્લો, એક ઉત્પાદ” (ODOP) માં સમાવિષ્ટ કરવામાં આવ્યું છે. જે તેને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બઝારોમાં સુજનીમાં માર્કેટને વિકસિત કરવામાં મદદ કરશે. આ ઉપરાંત વિવિધ તાલીમ કાર્યક્રમો, જેમ કે NID ડીઝાઇન તાલીમ, NIFT દ્વારા દસ્તાવેજીકરણ, હસ્ત કલા સેતુ યોજના દ્વારા પ્રોડક્ટ દેવલપમેંટ વગેરે પ્રોજેકટ રોશની હેઠળ આયોજિત થાય છે.
રોશની પ્રોજેકટની ટીમમાં જિલ્લા કલેક્ટર શ્રી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના જનરલ મેનેજર જે બી દવે, નિરવકુમાર સંચાણીયા (મહાત્મા ગાંધી નેશનલ ફેલો), રિઝવાના તલ્કિન જમીનદાર અને તેમના સાથીદારો, મુઝક્કિર સુજનીવાલા, રફીક સુજનીવાલા અને તમામ સુજનીવાલા પરિવારના સભ્યોનો સમાવેશ થાય છે.
સુજની વણાટકામ વિષે માહિતી:
- સુજની એ એક ખાસ પ્રકારની રજાઈ છે, જે તેની ખાસ બેવડા વણાટની ટેક્નિક માટે વિશ્વવિખ્યાત છે. તેને હાથશાળમાં એવી રીતે તૈયાર કરવામાં આવે છે કે જેથી બે સ્તરમાં કાપડ વણાય, તેમાં પોકેટનું નિર્માણ થાય અને તેમાં રૂ ભરવામાં આવે છે. અને તેનું અંતિમ ઉત્પાદ એ રજાઈ હોય છે જેમાં ક્યાય પણ સોય દોરાથી ટાંકો લેવામાં આવતો નથી.
- સુજની Breathable હોય છે. એટ્લે કે તેનો ઉપયોગ તમામ લોકો કરી શકે છે અને તે પર્યાવરણીય ટકાઉ ઉત્પાદન પદ્ધતિ છે.
- આ સુજની ઉત્પાદનની કલા ભરૂચ સિવાય સમગ્ર વિશ્વમાં ક્યાય જોવા મળતી નથી.
- આ કળાના વિકાસ પાછળ લોકવાયકા છે કે 1857 ના સંગ્રામમાં હાફિઝ ગુલામને અંદમાનની જેલમાં મોકલવામાં આવ્યા હતા અને ત્યાં વણાટકામ શીખ્યા હતા. બાદમાં તેઓએ પરત આવીને સુજની વણવાની કલા વિકસાવી. અને પરંપરાગત રીતે આ પરિવારોમાં આ કલા વિસ્તાર પામી.
- આપણને રાજા મહારાજાઑ, નવાબ વગેરે દ્વારા ખાસ પ્રસંગોમાં, ઉત્સવોમાં એડ્વાન્સ ઓર્ડર આપી મૂલ્યવાન ભેટ તરીકે વાપરવામાં આવતી તેના ઐતિહાસિક પુરાવાઓ મળી આવે છે.
GI ટેગ વિષે માહિતી:
જીઆઇ ટેગ એવી વસ્તુઓને આપવામાં આવે છે જે કોઈ ખાસ ભૌગોલિક વિસ્તારમાં ઉત્પાદિત થતી હોય અને તે સ્થાન અંગેના ખાસ લક્ષણો ધરાવતી હોય. કોઈ પણ વસ્તુ/ઉત્પાદને જીઆઇ ટેગ આપવાનો મુખ્ય હેતુ અન્ય લોકો દ્વારા તેના ગેરકાયદેસર ઉત્પાદન અને વપરાશથી સુરક્ષા આપવાનો છે. જીઆઇ ટેગ વિશિષ્ટ અને અનન્ય ખાસિયતો ધરાવતી વસ્તુઓ/ઉત્પાદનને કાનૂની સુરક્ષા પૂરી પાડે છે. જેમ કે પાટણના પટોળાં, કશ્મીરની પશ્મીના શાલ, ગીરની કેસર કેરી, વગેરે.
- તે એક પ્રકારનું માનક છે.
- તે ચોક્કસ ભૌગોલિક વિસ્તાર તેનો ઉદ્ભવ સ્થાન હોવો જોઈએ.
- તે કૃષિ, પ્રકૃતિક કે હસ્તકલા દ્વારા ઉત્પાદિત થયેલ હોવું જોઈએ.
- તે નિશ્ચિત વિસ્તારમાં જ ઉત્પાદિત અને પ્રસંસ્કૃત થયેલ હોવું જોઈએ.
- તેની ખાસ ગુણવત્તા અને ખાસિયતો હોવી જોઈએ જે તેને સમગ્ર વિશ્વમાં મળતા અન્ય ઉત્પાદનો કરતાં અલગ બનાવે
જીઆઇ ટેગના ફાયદા:
- તે ભારતમાં જે તે વસ્તુને કાનૂની સુરક્ષા પૂરી પાડે છે.
- રજીસ્ટર થયેલ જીઆઇ પ્રોડક્ટના અન્ય લોકોના અનઓથોરાઇઝ્ડ વપરાશને અટકાવે છે.
- તે ભારતીય ભૌગોલીક માનકોને કાનૂની સુરક્ષા પૂરી પાડી એક્ષપોર્ટને વધારવામાં મદદ કરે છે.
- તે ચોક્કસ ભૌગોલિક વિસ્તારમાં ઉત્પાદિત વસ્તુઓના વ્યાપારમાં વધારો કરી આર્થિક સધ્ધરતા લાવે છે.
સુજનીને જીઆઇ ટેગ મળવાથી શું ફાયદો થશે?
જયારે કોઈ વસ્તુની વિશ્વાસનિયતા કે ગુણવત્તાનો પ્રશ્ન આવે ત્યારે GI ટેગ તેનું માનક બને છે. (જેમ સોના માટે હોલમાર્ક). જીઆઇ ટેગ વસ્તુ તેની ખાસ ઉત્પાદન પ્રક્રિયા, ગુણવત્તા અને તેની ઓળખ પ્રસ્થાપિત કરે છે. તે સુજની સાથે સંકળાયેલ વણકર કારીગરોને પોતાના ઉત્પાદનને બઝારમાં વિશ્વસનીયતા અને ઓળખ પ્રદાન કરવામાં મદદ કરશે.
- સુજનીની ઓળખ અને ગરિમામાં વધારો (ભરૂચની ઓળખ)
- ગ્રાહકોમાં ઉચ્ચ ગુણવત્તાનો વિશ્વાસ પ્રતિપાદિત થશે
- રોજગારમાં વધારો થશે અને કારીગરોને જીવનનિર્વહની તક પ્રાપ્ત થશે અને સુજની પુનઃ જીવિત થશે.
- કોઈ ગેરકાયદેસર વપરાશને, ફ્રોડને અટકાવશે.
- રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય બઝારોમાં વ્યાપાર વૃદ્ધિ અને સુજનીના વ્યાપારમાં વધારો


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.