આમ્રપાલી ફાટક પાસે મકાનમાં આગ લાગી, ફસાયેલા પાંચ લોકોનું ફાયરબ્રિગેડે રેસ્ક્યુ કર્યું
શહેરના આમ્રપાલી ફાટકથી એરપોર્ટ ફાટક તરફ જવાના રસ્તે ચુડાસમા પ્લોટ નજીક આવેલી સ્વસ્તિક સોસાયટીમાં એક મકાનમાં વહેલી સવારે અચાનક આગ લાગતાં ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ મકાન બહાર ફળીયાના ભાગે લાગી હતી. ઘરમાં પરિવારના પાંચ લોકો ફસાઇ ગયા હતા. ફાયરબ્રિગેડની ટીમે રેસ્ક્યુ હાથ ધરી ફસાયેલા તમામને સહીસલામત બહાર કાઢ્યા હતા.
ફાયર વિભાગના જણાવ્યા મુજબ, અમિતભાઈ હસમુખભાઇ ભાવસાર (ઉ.વ.42)ના ઘરમાં સવારે આગ લાગી હોવાની બનાવની જાણ થતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. આગ ઘરના ફળીયામાં લાગી હતી. ફળીયામાં રાખેલા બે બાઈક જીજે - 03 - એનડી -8562 તથા જીજે - 03 - જેએમ- 7212 સળગી જતાં નુકસાની થઇ હતી. તેમજ ફળીયામાં ડ્રાયક્લીનીંગ માટે આવેલા અલગ - અલગ ગ્રાહકોના 150 જેટલા કપડા રાખેલા હતા. તે પણ બળી ગયા હતા. ફળીયામાં આગ ભભૂકી હોઇ મુખ્ય દરવાજો બંધ થઇ ગયો હતો.
ઘર અંદર અમિતભાઇ ભાવસાર તેમજ તેમના માતા મીનાબેન ભાવસાર (ઉ.વ.70), પત્નિ આશાબેન ભાવસાર (ઉ.વ.38), પુત્ર પ્રેમ ભાવસાર (ઉ.વ.22) અને પુત્રી હર્ષી ભાવસાર (ઉ.વ.17) ફસાયેલા હોઇ તમામને રેસ્ક્યુ કરી બચાવી લેવાયા હતા. અમીતભાઇના ભાઇના જણાવ્યા મુજબ વિજલાઇનમાં કદાચ શોર્ટ સર્કિટ થઈ જતાં તેના કારણે આગ ભભૂકી હતી. સદ્દનસિબે ઘરના તમામ સભ્યોમાં કોઈ જાનહાની થઈ ન હતી. બનાવને પગલે રહેવાસીઓના ટોળા એકઠા થઇ ગયા હતાં. ફાયર બ્રિગેડના અધિકારી શ્રી જોબન, સ્ટાફના હરેશભાઇ, મેહુલભાઇ, રોહીતભાઇ, વિલેશભાઇ, શબ્બીરભાઇ સહિતે આગ બુઝાવવાની અને પરિવાજનોને બચાવવાની કામગીરી કરી હતી.
9879405838
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.