શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને મુંબઈમાં બનેલો 1 કિલો પ્યોર સોનાનો હીરાજડિત મુગટ અર્પણ કરાયો
શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત, શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી સાળંગપુરધામ આયોજિત, વડતાલ ગાદીનાં1008 આચાર્ય રાકેશપ્રસાદજી મહારાજનાં આશિષથી વિશ્વ વિખ્યાત સાળંગપુર હનુમાનજી મંદિરમાં શતામૃત મહોત્સવ અંતર્ગત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીની પ્રાણ-પ્રતિષ્ઠા થયાને 175 વર્ષ પૂર્ણ થતાં ભવ્ય અને દિવ્ય શતામૃત મહોત્સવમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને એક કિલોનો પ્યોર સોનાનો હીરાજડિત મુગટ તથા કુંડળ વડીલ સંતોના હસ્તે અર્પણ કરાયા છે. દાદાને આ મુગટ આજે સાંજે પહેરાવાશે આ અંગે સાળંગપુર મંદિરના કોઠારી સ્વામીશ્રી વિવેકસાગરદાસજી(અથાણાવાળા) દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, ''હનુમાનજી મહારાજની મૂર્તિની સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ સાળંગપુરમાં સ્થાપના કર્યાને 175 વર્ષ થતાં શતામૃત મહોત્સવના સાક્ષીરૂપે હનુમાનજી મહારાજને ત્યાં વર્ષોથી પૂનમ ભરતા એક પરમ ભગવતીય શ્રીજી મહારાજના રામદૂત હનુમાન ભક્તના હૃદયમાં એવો ભાવ હતો કે, મારે દાદાને એક કિલો સોનું અર્પણ કરવું છે ત્યારે અમે અંતરની વાત અમે કરી કહ્યું કે દાદાનો પ્રસંગ છે. એમાં જો એકદમ અદભૂત સુવર્ણ મુગટ બનાવીને આપણે અર્પણ કરીએ તો હનુમાનજી મહારાજ શીર પર ધારણ કરશે અને દર પૂનમે તથા એકાદશીએ ધારણ કરશે. તેમણે તરત ભાવને સ્વીકાર્યો અને દાદાને પ્રેમને વશ થઈ અમારા હૃદયમાં જે કાંઈ ડિઝાઈનો સૂજી તે મુજબ કલાત્મક ડિઝાઈન બનાવી છે. આ મુગટમાં કલગી સાથે બે મોટા પોપટની આકૃતિ અંકિત કરાઈ છે. અમારો જેવો ભાવ હતો તેવો મુગટ બનાવ્યો છે. દાદા આ મુગટ ધારણ કરશે ત્યારે હનુમાનજી મહારજ ખૂબ રાજીપો વ્યક્ત કરશે.''
મુંબઈમાં બનેલા સુવર્ણ હીરાજડિત મુગટની વિશેષતા
- 1 કિલો પ્યોર સોનાનો મુગટ
- રજવાડી કલગીવાળા મુગટમાં બે મોટા પોપટની આકૃતિ અંકિત કરાઈ છે.
- બંને પોપટ પર હેન્ડ પેઇન્ટેડ મીણા કારીગરી કરાઈ છે.
- મુગટમાં 350 કેરેટ લેબ્રોન ડાયમંડનું જડતર કરાયું છે.
- 18 કારીગરોએ 3 મહિનાની મહેનતે મુગટ તૈયાર કર્યો છે.
- હીરાજડિત મુગટમાં ફૂલ, ઝાડ, કમળની ડિઝાઈન પણ અંકિત કરાઈ છે.
- મુગટ 1.3 ફૂટ ઊંચો અને 1.6 ફૂટ પહોળો છે.
- મુગટમાં બે કમળની આકૃતિ અંકિત કરાઈ છે.
- સુવર્ણ હીરાજડિત કુંડળમાં પણ પોપટની આકૃતિ અંકિત કરાયેલી છે.
મહત્ત્વનું છે કે, આજે સવારે દાદાને વિશેષ વાઘાનો તેમજ સિંહાસનને રંગબેરંગીના ફૂલોથી શણગારવામાં આવેલ વડતાલ ગાદીનાં પ.પૂ.ધ.ધુ.1008 આચાર્યશ્રી રાકેશપ્રસાદજી મહારાજ એવમ્ લાલજી મહારાજ દ્વારા આરતી-પૂજન-અર્ચન દાદાનું દિવ્ય ષોડશોપચાર પૂજન કરાયું હતું. તથા ભક્તોનું ઘોડાપુર દર્શનાર્થે ઉમટ્યું હતું. હજારો હરિભક્તોએ દર્શનનો લાભ પ્રત્યક્ષ તેમજ યુટ્યુબ ચેનલ દ્વારા ઓનલાઈન લીધેલ.
બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા
મો:૮૦૦૦૮૩૪૮૮૮
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.