બોટાદ જિલ્લાના ધોરણ 10 અને 12ના તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા માટે ‘ઓલ ધ બેસ્ટ’ - At This Time

બોટાદ જિલ્લાના ધોરણ 10 અને 12ના તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા માટે ‘ઓલ ધ બેસ્ટ’


બોટાદ જિલ્લાના ધોરણ 10 અને 12ના તમામ વિદ્યાર્થીઓને પરીક્ષા માટે ‘ઓલ ધ બેસ્ટ’

પરીક્ષાનો ભય દૂર કરી માત્ર મહેનત કરવા પર ધ્યાન આપશો તો પરિણામ આપોઆપ સારું જ આવશે

આ અહેવાલ એ તમામ વિદ્યાર્થી મિત્રો માટે કે જેઓ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યાં છે

પરીક્ષા માટે પૂરતી તૈયારી, આત્મવિશ્વાસ અને સકારાત્મક અભિગમ છે મહત્વની ચાવી

આજનો આ અહેવાલ એ તમામ વિદ્યાર્થી મિત્રો માટે, કે જેઓ ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આપવા જઈ રહ્યાં છે. પરીક્ષાઓનું કાઉન્ટ ડાઉન શરૂ થાય એટલે વિદ્યાર્થીઓ અને વાલીઓ ચિંતાતૂર બની જતાં હોય છે, પેપર સારા જશે કે કેમ? પરીક્ષામાં સારા ગુણ આવશે કે કેમ? અને ભવિષ્યનું શું?, આગળના અભ્યાસ માટે ક્યાં પ્રવેશ મળશે? આ પ્રકારના પ્રશ્નો ઉદભવતા હોય છે.

વિદ્યાર્થી મિત્રો, ટૂંક જ સમયમાં તમારી બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે. આ ડાયલોગ કદાચ તમે તમારા માતાપિતા, પરિવારજનો કે મિત્રો પાસેથી અનેક વખત સાંભળ્યો હશે. પરંતુ એક વાત ખાસ યાદ રાખવા જેવી છે કે પરીક્ષાઓ આપણું ભવિષ્ય નક્કી કરવામાં મદદ કરે છે. પૂરતી તૈયારી, આત્મવિશ્વાસ અને સકારાત્મક અભિગમ મહત્વના પાસાં છે કે જે તમને દરેક પરીક્ષામાં સફળ થવામાં સહાયરૂપ છે. બોર્ડની પરીક્ષાના દિવસોમાં બિનજરૂરી ઉજાગરા કે માનસિક તણાવ ઉભો ના થાય તેનું તમારે અચૂક ધ્યાન રાખવું જોઈએ. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણબોર્ડ-ગાંધીનગર દ્વારા સુવ્યસ્થિત અને આયોજનબદ્ધ રીતે પરીક્ષા લેવામાં આવે છે, માટે તમે તમારી મહેનત ઉપર ધ્યાન કેન્દ્રીત કરી નિશ્ચિંત પણે પરીક્ષા આપો.

દરેક વ્યક્તિમાં કેટલાક ખાસ ગુણ હોય છે, જેના કારણે તે સફળતા મેળવે છે. તમારા ખાસ ગુણને તમે ઓળખો. વધુ એક મહત્વની વાત કે તમે તમારી જાતને બીજાઓ સાથે સરખાવશો નહીં. તમારી જાત પર વિશ્વાસ રાખી ઉત્તમ રીતે પરીક્ષા આપો.

ટૂંકમાં તમારા જીવનમાં કેટ કેટલીય પરીક્ષાઓ આવતી-જતી રહેશે. આથી પરીક્ષાનો ભય દૂર કરી માત્ર સારા પરિણામ માટે મહેનત કરવા પર ધ્યાન આપશો તો પરિણામ આપોઆપ સારું આવશે. અંતે બોર્ડની પરીક્ષા આપવા જતાં તમામ વિદ્યાર્થીઓને ‘ઓલ ધ બેસ્ટ’.

બોટાદ બ્યુરો: ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.