વિધાનસભાના ઉપાધ્યક્ષશ્રી જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતામાં પંચમહાલના શહેરા ખાતે કૃષિમેળો યોજાયો
*આગામી સમયમાં પંચામૃત ડેરી દ્વારા ઓર્ગેનિક અનાજ અને શાકભાજીની ખરીદી કરાશે,વાવેતર માટે બરછટ ધાન્યો સહેલાઈથી મળી રહે તે માટે સ્ટોલ ઊભા કરાશે-શ્રી જેઠાભાઈ ભરવાડ*
*એન.એફ.એસ.એમ (ન્યુટ્રીસીરીયલ) અને એજીઆર–૩ યોજના હેઠળ ખેતીવાડી શાખા પંચમહાલ દ્વારા કરાયું સમગ્ર આયોજન*
ગોધરા
પંચમહાલ જિલ્લાના શહેરા સ્થિત કેશવ ગ્રાઉન્ડ, અણીયાદ ચોકડી ખાતે આજ રોજ વિધાનસભાના ઉપાધ્યક્ષશ્રી અને શહેરાના ધારાસભ્યશ્રી જેઠાભાઈ ભરવાડની અધ્યક્ષતામાં એન.એફ.એસ.એમ (ન્યુટ્રીસીરીયલ) અને એજીઆર–૩ યોજના હેઠળ ખેતીવાડી શાખા પંચમહાલ દ્વારા કૃષિમેળાનું આયોજન કરાયું હતું. જિલ્લાના આઈ.સી.ડી.એસ,પશુપાલન,બીજ નિગમ,મકાઈ સંશોધન કેન્દ્ર,ગુજરાત એગ્રો અને ખેતીવાડી વિભાગ દ્વારા સ્ટોલ ઊભા કરાયા હતા, જેની ઉપાધ્યક્ષશ્રીએ મુલાકાત લીધી હતી.કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને મહાનુભાવોના સ્વાગત થકી કરાઈ હતી. ઉપસ્થિતોના હસ્તે વિવિધ લાભાર્થીઓને સહાયના મંજૂરી હુકમો એનાયત કરાયા હતા.
આ પ્રસંગે વિધાનસભાના ઉપાધ્યક્ષશ્રી જેઠાભાઈ ભરવાડે પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે વર્ષ ૨૦૨૩ને ઇન્ટરનેશનલ યર ઓફ મીલેટ તરીકે જાહેર કરેલું છે ત્યારે શરીરને સ્વસ્થ રાખવા માટે બરછટ અનાજનો આહાર તરીકે વધુમાં વધુ ઉપયોગ કરવો જોઈએ. આજે બરછટ અનાજ લુપ્ત થતા જાય છે ત્યારે હલકા તૃણ ધાન્ય પાકો જેવા કે નાગલી,વરી,કોદરી,કાંગ,બંટી વગેરેનું વાવેતર કરવું જોઈએ. આ સાથે તેમણે ખેડૂતોને ઓર્ગેનિક ખેતી કરવા પણ આહવાન કર્યું હતું તથા જાહેરાત કરી હતી કે આગામી સમયમાં પંચમહાલ સ્થિત પંચામૃત ડેરી દ્વારા ઓર્ગેનિક અનાજ અને શાકભાજીની ખરીદી કરવામાં આવશે, જેથી ખેડૂતોને પણ વેચાણ માટે એક પ્લેટફોર્મ મળી રહેશે. તેમણે ખેડૂતો માટે ગોધરા એ.પી.એમ.સી અને શહેરા ખરીદ વેચાણ કેન્દ્ર ખાતે બરછટ ધાન્ય પાકો વાવેતર માટે સહેલાઈથી મળી રહેશે તેમ જણાવ્યું હતું.
આ તકે કાલોલ ધારાસભ્યશ્રી ફતેહસિંહ ચૌહાણે પોતાના ઉદબોધનમાં જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીનું વિઝન છે કે દેશના ખેડૂતો વધુમાં વધુ બરછટ પાકોની ખેતી કરે, સાથે આજે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ પણ વળ્યા છે. આ જ ધાન્યો ઔષધિ તરીકે પણ કામ લાગે છે.
આ પ્રસંગે બ્રહ્માણી ભાવાઈ મંડળ દ્વારા બરછટ પાકો થકી સ્વાસ્થ્ય વિષય પર તથા સરકારશ્રીની વિવિધ સહાયલક્ષી યોજનાઓની જાગૃતિ માટે ભવાઈ રજૂ કરાઈ હતી.પ્રાકૃતિક ખેતી કરતાશ્રી રાજેન્દ્રભાઈ બારિયા દ્વારા ઉપસ્થિતોને પ્રાકૃતિક ખેતી અને તેનું મહત્વ વિશે પોતાના અનુભવ જણાવ્યા હતા.કૃષિ વૈજ્ઞાનિકશ્રી ડૉ.કનુભાઈ પટેલ દ્વારા વૈજ્ઞાનિક પધ્ધતિથી ખેતી કેવી રીતે કરવી તેની માહિતી પૂરી પડાઈ હતી.
આ પ્રસંગે જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી એમ.જી.પટેલ દ્વારા પ્રાસંગિક શાબ્દિક સ્વાગત તથા મદદનીશ ખેતી નિયામકશ્રી એમ.કે.ડાભી દ્વારા આભારવિધિ પ્રસ્તુત કરાઈ હતી.
આજના આ પ્રસંગે જિલ્લા પંચાયત દંડકશ્રી અરવિંદસિંહ પરમાર,જિલ્લા ન્યાય સમિતિના ચેરમેનશ્રી,એ.પી.એમ.સી ચેરમેનશ્રી,જિલ્લા તથા તાલુકા પંચાયતના સભ્યશ્રીઓ,બાગાયત તથા તાલુકા વિકાસ અધિકારીશ્રી સહિત વિવિધ અધિકારીશ્રીઓ/કર્મચારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.