ડોલો ૬૫૦નું વેચાણ વધારવા ડૉક્ટરોને ૧,૦૦૦ કરોડ અપાયાની બાબત ગંભીર : સુપ્રીમ
નવી દિલ્હી, તા.૧૮દર્દીઓને તાવની બીમારી દૂર કરવા માટે વર્તમાન સમયમાં ડૉક્ટરો દ્વારા સૌથી વધુ વખત લખાઈ રહેલી દવાઓમાંથી એક ડોલો-૬૫૦ અંગેની સુનાવણીમાં સુપ્રીમ કોર્ટે ગંભીર સવાલ ઉઠયા છે. મેડિકલ રિપ્રેઝન્ટેટિવની સંસ્થા ફેડરેશન ઓફ મેડિકલ એન્ડ સેલ્સ રિપ્રેઝન્ટેટિવ્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ સુપ્રીમ કોર્ટમાં દાવો કર્યો છે કે ડોલો-૬૫૦માં પેરાસિટામોલના ડોઝ દર્દીની જરૂરિયાત કરતાં વધુ રખાયા છે. આ દવાનું વેચાણ વધારવા ઉત્પાદકોએ ડૉક્ટરોને રૂ. ૧,૦૦૦ કરોડથી વધુની ભેટ આપી છે.સુપ્રીમ કોર્ટે ડૉક્ટરોને દવા કંપનીઓ તરફથી કથિત રીતે અપાતી મફત ભેટ-સોગાદો માટે જવાબદાર બનાવવા માટે નિર્દેશ આપવાની માગણી કરતી જાહેર હિતની એક અરજીમાં કેન્દ્ર સરકારને ૧૦ દિવસમાં જવાબ દાખલ કરવા જણાવ્યું છે. ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ અને ન્યાયમૂર્તિ એએસ બોપન્નાની બેન્ચે જણાવ્યું કે, ડોલો-૬૫૦ મિલીગ્રામ ટેબલેટના ઉત્પાદકોએ દર્દીઓને આ દવા પ્રિસ્ક્રાઈબ કરવા માટે ડૉક્ટરોને ભેટ આપવા રૂ. ૧,૦૦૦ કરોડનો ખર્ચ કર્યો હતો.ફેડરેશન ઓફ મેડિકલ એન્ડ સેલ્સ રિપ્રેઝન્ટેટિવ એસોસિએશન ઓફ ઈન્ડિયા તરફથી હાજર થયેલા વરિષ્ઠ વકીલ સંજય પારેખે કહ્યું કે સીબીડીટીએ ડોલો-૬૫૦ના ઉત્પાદકો પર પ્રિસ્ક્રિપ્શન માટે ડૉક્ટરોને ૧,૦૦૦ કરોડ રૂપિયાની મફત ભેટ આપવાનો આરોપ મૂક્યો છે.દવાના માર્કેટિંગ માટે વર્તમાન કોડને કાયદાકીય દરજ્જો આપવાની માગણી કરી રહેલી મેડિકલ રિપ્રેઝન્ટેટિવ સંસ્થાએ સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડ અને એએસ બોપન્નાની બેન્ચને કહ્યું કે, પેરાસિટામોલની ૫૦૦ મિલીગ્રામની માત્રાવાળી દવાની કિંમત સરકારે નિયંત્રીત કરી રાખી છે. સામાન્ય રૂપે દર્દીઓને આટલી માત્રાની પેરાસિટામોલની જ જરૂર હોય છે. વધુમાં ૫૦૦ મિલીગ્રામથી વધુ માત્રાવાળી દવાઓની કિંમત ફાર્મા કંપનીઓ નક્કી કરે છે.ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડના અધ્યક્ષપદે બેન્ચને સંસ્થાએ જણાવ્યું કે, ક્રોસિન, કાલપોલ જેવી અન્ય સામાન્ય દવાઓ આ જ માત્રાની પેરાસિટામોલ સાથે ઉપલબ્ધ છે. પરંતુ ડોલો બનાવતી કંપનીએ ૬૫૦ મિલીગ્રામ માત્રાવાળી ટેબ્લેટ રજૂ કરી. તેનો આશય દવાની કિંમત ઊંચી રાખવાનો હતો. એવા તમામ ઉદાહરણ છે, જે દર્શાવે છે કે કેવી રીતે ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં ફેલાયેલા ભ્રષ્ટાચારથી દર્દીઓના જીવ જોખમમાં મુકાય છે.એસોસિએશનના વકીલ સંજય પારેખે જજોને જણાવ્યું કે, આ મોંઘી દવા પ્રિસ્ક્રાઈબ કરવા માટે ઉત્પાદકોએ ડૉક્ટરોને ૧,૦૦૦ કરોડ રૂપિયાથી વધુની વસ્તુઓ ભેટમાં આપી છે અથવા તેમને મોંઘા વિદેશ પ્રવાસ કરાવ્યા છે.ન્યાયાધીશ ડીવાય ચંદ્રચૂડે સુનાવણી દરમિયાન કહ્યું કે આ એક ગંભીર મુદ્દો છે. તમે જે કહી રહ્યા છો તે સાંભળીને મને વ્યક્તિગતરૂપે પણ સારું નથી લાગતું. કોરોના મહામારી સમયે મને કોરોના થઈ ગયો હતો ત્યારે મને પણ આ ટેબ્લેટનો ઉપયોગ કરવા કહેવાયું હતું. આ એક ગંભીર બાબત છે. જોકે, બેન્ચે કહ્યું કે, સરકાર અથવા સંસદને કોઈ કાયદો બનાવવાનો આદેશ આપી શકાય નહીં. પરંતુ આ કેસમાં થોડી સુનાવણી પછી જજોએ યુનિફોર્મ કોડ ઓફ ફાર્માસ્યુટિકલ માર્કેટિંગ પ્રેક્ટિસીસને કાયદાકીય રૂપ આપવાની માગણી પર જવાબ આપવા કેન્દ્ર સરકારને ૧૦ દિવસનો સમય આપ્યો હતો. બીજીબાજુ કેન્દ્ર સરકાર તરફથી હાજર થયેલા અધિક સોલિસિટર જનરલ કેએમ નટરાજે કહ્યું કે સરકાર તરફથી સોગંદનામું લગભગ તૈયાર છે. તે સુપ્રીમ કોર્ટમાં રજૂ કરાશે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.