ગોપાલગ્રામ ખાતે દરબાર ગોપાળદાસ દેસાઈની જન્મ જયંતિ ઉજવાય ગામમાં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓને મિષ્ટ ભોજન કરાવ્યું - At This Time

ગોપાલગ્રામ ખાતે દરબાર ગોપાળદાસ દેસાઈની જન્મ જયંતિ ઉજવાય ગામમાં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓને મિષ્ટ ભોજન કરાવ્યું


ગોપાલગ્રામ ખાતે દરબાર ગોપાળદાસ દેસાઈની જન્મ જયંતિ ઉજવાય

ગામમાં અભ્યાસ કરતાં તમામ વિદ્યાર્થીઓને મિષ્ટ ભોજન કરાવ્યું

ધારી તાલુકાના ગોપાલગ્રામ મુકામે ગોપાલગ્રામ દરબાર સ્મારક ટ્રસ્ટ દ્વારા પ્રજાવત્સલ, ત્યાગી રાજવી અને સત્યાગ્રહી સ્વાતંત્ર્ય સેનાની દરબાર સાહેબ ગોપાળદાસ દેસાઈની 137 મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી. અત્રે દરબાર ગઢનાં પ્રાંગણમાં ગામનાં આગેવાનોએ દરબાર સાહેબને સુતરની આંટી પહેરાવી પ્રજાપ્રિય રાજાને ભાવાંજલિ અર્પણ કરી હતી.

ગોપાલગ્રામ દરબાર સ્મારક ટ્રસ્ટના પ્રમુખ શંભુભાઈ વાડદોરિયાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં "પૂ. દરબાર સાહેબની પ્રજા પ્રત્યેની અસીમ લાગણી ક્યારેય ભૂલી શકાય એમ નથી" તેમ જણાવ્યું હતું. શિક્ષકોએ દરબાર સાહેબે શિક્ષણ ક્ષેત્રે કરેલ પ્રદાન અમૂલ્ય હોવાની પ્રેરણાદાયી વાતો વિદ્યાર્થીઓ સાથે વાગોળી હતી.
ગામધણીનાં જન્મ દિવસ નિમિત્તે આંગણવાડી, ભક્તિબા ગોપાળદાસ દેસાઈ કન્યા શાળા, પ્રાથમિક કુમાર શાળા, સહિત ઓ.પી.ઝાટકિયા હાઈસ્કૂલના સૌ વિદ્યાર્થીઓને ગોપાલગ્રામ દરબાર સ્મારક ટ્રસ્ટ દ્વારા મિષ્ટ ભોજન કરાવવામાં આવ્યું હતું.
દરબાર ગઢમાં ઉપ સરપંચ ગૌતમભાઈ હકુભાઈ વાળા, ગ્રામ પંચાયતના હરેશભાઈ ભોજભાઈ વાળા, અગ્રણી ખેડૂત દેવરાજભાઈ ધનજીભાઈ વાઘેલા, હાઈસ્કૂલના પ્રિન્સિપાલ ત્રિવેણીબેન ચૌહાણ, કુમાર શાળાનાં આચાર્ય રજનીકાંત માધડ, કન્યા શાળાનાં મેધાબેન પંડ્યા તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યાં હતાં. આ કાર્યક્રમને સફળ બનાવવા શિક્ષકો ડોબરિયાભાઈ તેમજ દેવેનભાઈ ભટ્ટે જહેમત ઉઠાવી હતી તેમ ટ્રસ્ટી વિપુલ ભટ્ટીએ જણાવ્યું છે.

રિપોર્ટ નટવરલાલ ભાતિયા


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.