મોંઘવારીની નકારાત્મક અસર, FMCG અને ઇલેક્ટ્રોનિક્સ ગુડ્સના વેચાણમાં સતત બીજા મહિને ઘટાડો
અત્યારે સમગ્ર વિશ્વમાં એક તરફ મંદીનો માહોલ છે ત્યારે બીજી તરફ ભારતમાં સામાન્ય જનતા મોંઘવારીનો માર સહન કરી રહી છે. હવે મોંઘવારીની ઝપેટમાં FMCG અને ઇલેક્ટ્રોનિક્સ સેક્ટર પણ આવી ગયા છે. ખાસ કરીને ભારતના ફાસ્ટ-મૂવિંગ કન્ઝ્યુમર ગુડ્સ (FMCG) માર્કેટમાં વેચાણ ઘટ્યું છે. મે મહિના દરમિયાન આ સેગમેન્ટમાં રેફ્રિજરેટર્સ, એર-કંડિશનર સહિતના ઇલેક્ટ્રોનિક સામાનનું વેચાણ જૂન મહિના દરમિયાન 25 ટકા ઘટ્યું છે. ખાસ કરીને કિંમતોમાં થયેલા વધારને કારણે માંગ ઘટી છે.
માંગમાં મંદીનો માહોલ
સતત બીજા મહિને FMCG અને કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ માર્કેટમાં આ ઘટાડો જોવા મળ્યો છે. જો કે વાર્ષિક તુલનાએ ચિત્ર કંઇક અલગ જ જોવા મળ્યું છે. એપ્રિલથી જૂનના ત્રિમાસિક ગાળામાં FMCG પ્રોડક્ટોનું વેચાણ 14.2 ટકા અને કેલેન્ડર વર્ષ 2022ના પ્રથમ છ મહિનામાં 8.8 ટકા વધ્યું છે. આ અંગે વાત કરતા FMCG કંપનીના એક વડાએ જણાવ્યું હતું કે, અત્યારે માંગમાં મંદી જોવા મળી રહી છે પરંતુ બજાર હજુ એકંદરે વધી રહ્યું છે. ખાસ કરીને બિસ્કીટ, જ્યાં અન્ય સેગમેન્ટની તુલનાએ ભાવવધારો ઓછો છે. જો કે વેચાણની સંખ્યાથી ઘટેલી માંગના સંકેતો મળે છે.
બીજી તરફ લો-બેઝ ઇફેક્ટની વાત કરીએ તો તે તુલનાએ જૂન મહિનામાં 14 ટકાની વૃદ્વિ જોવા મળી છે. કોરોના મહામારીની બીજી લહેર દરમિયાન FMCG કંપનીઓએ પોતાની પ્રોડક્ટની કિંમતને વધારવાને બદલે તેનું કદ તેમજ વજન ઘટાડી દીધું હતું, જેથી ઉદ્યોગજગતને વૃદ્વિ કરવામાં સરળતા રહી હતી. જો કે હાલમાં સ્થિતિ વધુ વણસી રહીછે અને ઉદ્યોગજગતના નિષ્ણાતો અનુસાર, ઊંચા ભાવે વપરાશને એટલી હદે પ્રભાવિત કરી છે જ્યાં વેલ્યૂ અને વોલ્યુમ એમ બંનેને અસર થઇ છે. જો કે અત્યારે વૈશ્વિક સ્તરે કોમોડિટીના ભાવમાં ઘટાડો શરૂ થયો છે. સરકાર પણ ઘઉં, ચોખા, ફ્યુઅલ સહિતની કિંમતોને નિયંત્રિત રાખવા માટે પગલાં લઇ રહી છે જેને કારણે દબાણ ઘટાડવામાં મદદ મળી શકે છે.
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.