મોરબી ગ્રામ્ય ક્રિકેટ એસો.માં ભ્રષ્ટાચાર અને લાગવગ ચાલતો હોવાના આક્ષેપ સાથે વાલીઓમાં રોષ - At This Time

મોરબી ગ્રામ્ય ક્રિકેટ એસો.માં ભ્રષ્ટાચાર અને લાગવગ ચાલતો હોવાના આક્ષેપ સાથે વાલીઓમાં રોષ


સૌરાષ્ટ્ર સહિત ભારત ક્રિકેટ એસોસિએશનને મોરબીનાં હેડ કોચ સામે કરાઈ ફરિયાદ : ગેરરીતિના કારણે અનેક ટેલેન્ટેડ પ્લેયર્સ ક્રિકેટ છોડી ચુક્યા છે, એસો.ના પ્રમુખ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયા આ મામલે યોગ્ય કાર્યવાહી કરે તેવી માંગ

મોરબી ગ્રામ્ય ક્રિકેટ એસોસિએશનમાં ભ્રષ્ટાચાર અને લાગવગ ચાલતો હોવાના આક્ષેપ સાથે વાલીઓમાં રોષ ફેલાયો છે. વાલીઓએ મોરબી ગ્રામ્ય ક્રિકેટ એસોસિએશનનાં કોચ સામે આક્ષેપો કરી તાકીદે તેને બદલવાની માંગ સાથે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છે. તેમજ મોરબી ક્રિકેટ એસો.ના પ્રમુખ ધારાસભ્ય અમૃતિયાને પણ આ મામલે તાકીદે પગલા લેવા વાલીઓએ રજૂઆત કરી છે.

આ અંગે મોરબીનાં સમીર પટેલ નામના એક વાલીએ જણાવ્યું કે તેઓનો દિકરો અન્ડર 14માંથી અન્ડર 16માં આવ્યો છે. આજે અન્ડર 16માં તેનું સિલેક્શન હતું. તેઓએ ઉમેર્યું કે મારો દીકરો જાન્યુઆરી 2024માં વખતે અન્ડર 14માં રમ્યો હતો. ત્યારે આખા સૌરાષ્ટ્રમાં લીડર બોર્ડમાં તેનો 26મો રેન્ક હતો. આજના અન્ડર 16 સિલેક્શનમાં એનું મોરબી ડિસ્ટ્રિકટમાં પણ ટોપ 35માં નામ નથી. તો ત્રણ મહિનામાં મારા દીકરાનું ટેલેન્ટ કઈ રીતે ઘટી ગયું ? આ બાબતે ગ્રામીણ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ ધારાસભ્ય કાંતિલાલ અમૃતિયાને મળ્યા હતા. તેઓ દ્વારા હૈયા ધારણા આપવામાં આવી હતી કે કંઈક રસ્તો નીકળી જશે. પણ કઈ થયુ નહિ. આ એકમાત્ર મારા દીકરાનો સવાલ નથી. પણ આ બધાના બાળકોનો પ્રશ્ન છે. જો આ મામલે પગલાં લેવામાં નહિ આવે તો અમે આંદોલન પણ કરીશું.

જ્યારે મોરબીમાં કિકેટ એકડમી ચલાવતા વિશાલભાઈએ જણાવ્યું કે અત્યારે ગ્રામ્ય ક્રિકેટ એસોસિએશનના જે હેડ કોચ છે તે અગાઉ ભ્રષ્ટાચારમાં દંડાયેલા છે. તો કેમ એને રિપીટેશન આપવામાં આવે છે. એ પણ પ્રશ્ન છે. ઘણા પ્લેયર્સ એવા છે કે જેને 10 વર્ષ ક્રિકેટમાં મહેનત કરી પણ પછી કંટાળીને ક્રિકેટને મૂકી દીધું. વધુમાં તેઓએ સણસણતા સવાલો કર્યા કે મોરબી ગ્રામ્ય ક્રિકેટ એસોસિએશનનું સિલેક્શન કોઈ પ્રાઇવેટ એકેડમીમાં શુ કામ થવું જોઈએ ? સિલેકશન માટે સિલેક્શન મેચ તો રમાવો જોઈએ ને ? આમ તેઓએ માંગ ઉઠાવી હતી કે સિલેક્શન મેમ્બર્સની હાજરીમાં કાયદેસર રીતે સિલેક્શન થવું જોઈએ. અંતમાં તેઓએ ઉમેર્યું કે આ મામલે એસો.ના પ્રમુખ કાંતિલાલને રજૂઆતો પણ કરી છે.

આ સાથે વાલીઓએ સૌરાષ્ટ્ર અને ભારત ક્રિકેટ એસોસિએશનમાં પણ લેખિત ફરિયાદો કરી છે. જેમાં મોરબી જિલ્લામાં ક્રિકેટ ખેલાડીઓના સિલેકશમાં લાગવગ અને ભ્રષ્ટાચારના આરોપો લગાવી મોરબીનાં વાલીઓએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. અને જો તાત્કાલિક મોરબી ક્રિકેટ એસોસિએશનનાં કોચને બદલવામાં નહિ આવે તો આગામી સમયમાં આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી હતી.

રિપોર્ટ રમેશ ઠાકોર હળવદ


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.