અવસર છે લોકશાહીનો બોટાદ જિલ્લામાં કુલ મતદારોની સંખ્યા ૫,૫૫,૪૫૮ મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા દરમિયાન મળેલ હક્ક-દાવાઓના નિકાલ બાદ આખરી મતદારયાદી પ્રસિધ્ધ કરવામાં આવી
જિલ્લામાં યુવાઓ સહિત કુલ ૧૦,૮૫૨ નવા મતદારો નોંધાયા
૧,૩૨,૩૯૫ મતદારોએ મતદારયાદીમાં આધાર નંબર દાખલ કરાવ્યા
ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને અનુલક્ષીને ભારતના ચૂંટણી પંચ દ્વારા રાજ્યમાં હાથ ધરવામા આવેલા ખાસ મતદાર સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ બાદ આખરી મતદારયાદી પ્રસિધ્ધ કરવામાં આવી છે. આ મતદારયાદી અનુસાર બોટાદ જિલ્લામાં કુલ ૫,૫૫,૪૫૮ મતદારો નોંધાયા છે. જિલ્લાનાં કુલ મતદારોમાં ૨,૮૭,૩૬૭ પુરૂષ અને ૨,૬૮,૦૮૬ મહિલા મતદારો નોંધાયા છે. કુલ ૧૦,૮૫૨ જેટલા નવા મતદારો નોંધાયા છે.
ભારતના ચૂંટણી પંચ દ્વારા જૂન, ૨૦૨૨માં જાહેર કરવામાં આવેલા મતદારયાદી સબંધી સુધારાઓ અન્વયે જાહેર કરવામાં આવેલી લાયકાતની ચાર તારીખોને કારણે હવે યુવાનો માટે મતદાર બનવાનું સરળ થયું છે. નવા સુધારાઓ સાથે તા.૧૨મી ઓગસ્ટ-૨૦૨૨ થી ૧૧મી સપ્ટેમ્બર-૨૦૨૨ દરમ્યાન યોજાયેલા ખાસ મતદારયાદી સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ દરમ્યાન મુખ્ય નિર્વાચન અધિકારીશ્રીની કચેરી દ્વારા વ્યાપકપણે મતદાર જાગૃતિના કાર્યક્રમો યોજીને વધુમાં વધુ નાગરિકો મતદાર તરીકે નામ નોંધાવે તે માટે ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી.
આખરી મતદારયાદીમાં સમાવેલી વિગતો પ્રમાણે બોટાદ જિલ્લામાં ૧૮ થી ૧૯ વયજુથમાં ૫,૭૯૭ જેટલાં યુવા મતદારોએ નોંધણી કરાવી છે. તેવી જ રીતે ૨૦ થી ૨૯ વર્ષના વયજુથમાં કુલ ૪,૫૬૪ નવા મતદારો નોંધાયા છે. તો જિલ્લામાં કુલ મતદારોમાં ૪,૯૪૫ દિવ્યાંગ મતદારો પણ નોંધાયા છે. દિવ્યાંગ મતદારો માટે ભારતના ચૂંટણી પંચ દ્વારા PwD નામની ખાસ એપ બનાવવામાં આવી છે. જેના ઉપર દિવ્યાંગો પોતાને ચિન્હીત કરાવીને મતદાનના દિવસે ખાસ સુવિધાઓ મેળવી શકે છે.
હવે મતદાર મતદારયાદીમાં સ્વૈચ્છિક રીતે આધાર નંબર દાખલ કરાવી શકે છે. આ સુવિધાનો લાભ લઇને બોટાદ જિલ્લામાં અત્યાર સુધીમાં ૧,૩૨,૩૯૫ મતદારોએ મતદારયાદીમાં પોતાના નામ સાથે આધાર નંબર દાખલ કરાવ્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ૧૨મી ઓગસ્ટ,૨૦૨૨ના રોજ ભારતના ચૂંટણી પંચ દ્વારા મતદારયાદીનો મુસદ્દો પ્રસિધ્ધ કરવામાં આવ્યો હતો. તેમાં દર્શાવેલી વિગતો ચકાસ્યા બાદ મતદારોએ મતદારયાદીમાં સુધારો કરાવવા માટે વિવિધ નિયત ફોર્મ ભરીને અરજી કરવાની રહે છે. આ અરજીના આધારે મતદારની વિગતોમાં સુધારો કરી તથા નવા મતદારોના નામ ઉમેરી તેમજ જુદા-જુદા કારણોસર કમી કરવામાં આવેલા મતદારોના નામ દૂર કરી આખરી મતદારયાદી પ્રસિધ્ધ કરવામાં આવી છે.
રિપોર્ટર:ચિંતન વાગડિયા
મો:8000834888
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.