રણતીડના નિયંત્રણ માટેની જરૂરી સૂચનાઓ - At This Time

રણતીડના નિયંત્રણ માટેની જરૂરી સૂચનાઓ


રાજકોટ તા. ૨૨ મે - રાજકોટ જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી તૃપ્તિ પટેલે રણતીડના નિયંત્રણ માટેના પગલા જાહેર કર્યા છે. જે મુજબ તીડનું ટોળું આવતું હોવાના સમાચાર મળે કે તુરંત ગામજનોને સાવધ કરવા તથા ખેતરમાં ઢોલ, પતરાના ડબ્બા કે થાળીઓ વગેરે વગાડી મોટા અવાજ કરવા, તીડનુ ટોળું રાત્રી રોકાણ કરે તો કેરોસીનના કાકડા અથવા ફલેમથ્રોઅર વડે સળગાવીને નાશ કરવો જોઈએ.
જે વિસ્તારમાં તીડના ઇંડા મુક્યા હોય તે વિસ્તારમાં એક હેક્ટર દીઠ ૨૫ કીલોગ્રામ જેટલી મેલાથીઓન પ% /ક્વીનાલફોસ ૧.૫% ભૂકીના બે ફૂટ પહોળા પટ્ટાઓ કરવા, તીડના બચ્ચા મોટા થયા પછી ખોરાકની શોધમાં આગેકુચ કરતા હોય, ત્યારે અનુકૂળ જગ્યા એ લાંબી ખાઈઓ ખોદીને તીડના બચ્ચાના ટોળા દાટી દેવા. તીડના બચ્ચાના ટોળાને આગળ વધતા અટકાવવા ઝેરી પ્રલોભિકા(ઘઉ/ડાંગર ભૂસાની (૧૦૦ કિલોગ્રામ) ની સાથે ફેનીટોથ્રીઓન (૦.૫ કિ.ગ્રા.) જંતુનાશક દવા + ગોળની રસી (૫ કિલોગ્રામ ) બનાવી જમીન ઉપર રસ્તામાં વેરવી જોઈએ.
જ્યાં ખેતીના પાક પર અથવા ઘાસિયામાં તીડના ટોળા બેસે ત્યાં મેલાથીઓન ૫% / ક્વિનાલફોસ ૧.૫% ભૂકીનો છંટકાવ કરવો અને તીડના ટોળાના નિયંત્રણ કરવા સવારના સમયે ફેનીટ્રોથીઓન ૫૦% અથવા મેલાથીઓન ૫૦% / ક્લોરપાયારીફોસ ૨૦% દવા ૧ લીટર પ્રમાણે ૮૦૦ થી ૧૦૦૦ લીટર પાણીમાં ભેળવીને એક હેક્ટર વિસ્તારમાં છંટકાવ કરવો. જમીન પર રાતવાસો માટે ઉતરેલું તીડનું ટોળુ સામાન્ય રીતે સવારના દસ-અગીયાર વાગ્યા પછી જ તેનું પ્રયાણ કરતું હોય છે ત્યારે ચોક્કસ સમયે મેલાથીઓન પ% અથવા ક્વિનાલ્ફોસ ૧.૫% ભૂકી દવાનો છંટકાવ કરવો જોઈએ.
લીમડાની લીંબોડીના મિંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીંબડાનું તેલ ૪૦ મિ.લિ + કપડા ધોવાનો પાવડર ૧૦ ગ્રામ લીંબડા આધારીત તૈયાર કીટનાશક ૨૦ મિ.લિ(૧ ઇ.સી.) થી ૪૦ મિ.લિ (૦.૧૫ ઇ.સી.) ૧૦ લીટર પાણીમાં ઉમેરી બનાવેલ દ્રાવણ છાંટવાથી આવા છોડ તીડ ખાતા નથી. તીડના ઇંડા મુકયા હોય તે વિસ્તારમાં ઊંડી ખેડ કરી ઈંડાનો નાશ કરવો જોઈએ.
દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે, આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/ જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ અનુસરવું જોઇએ. આ અંગે વધુ જાણકારી માટે સંબંધિત વિસ્તારના ગ્રામસેવક /વિસ્તરણ અધિકારી/કે.વી.કે/ખેતી અધિકારી/ તાલુકા અમલીકરણ અધિકારી/ મદદનીશ ખેતી નિયામક/ જિલ્લા ખેતીવાડી અધિકારી/ નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)/ નાયબ ખેતી નિયામક (તાલીમ)નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી રાજકોટની યાદીમાં જણાવાયું છે.


9913686257
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.