માતા સાથે આડા સંબંધની શંકાએ પુત્રનો યુવક ઉપર ચાકુ વડે હુમલો.
શહેરના નિઝામપુરા વિસ્તારમાં માતા સાથે આડા સંબંધની શંકાએ પુત્રએ વિસ્તારમાં રહેતા યુવક ઉપર ચાકુ વડે જાન લેવા હુમલો કરી યુવકની બહેન તથા પિતાને જાનથી મારી નાખવાની ધમકી અંગેનો બનાવ સામે આવ્યો છે . ફરિયાદના આધારે ફતેગંજ પોલીસે હુમલાખોર વિરુદ્ધ મારામારી , ધાક ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે . નિઝામપુરામાં પેન્શનપુરા વિસ્તારના પટેલ ચોકમાં રહેતા રોહિત વસાવાએ ફરિયાદ નોંધાવી હતી કે , ગઈકાલે સાંજના સુમારે વિસ્તારમાં જ રહેતા સતીશ તડવીએ મને તું મારી મમ્મીને કેમ મળવા જાય છે ? તેમ જણાવી ઝપાઝપી કરી મને માર માર્યો હતો . દરમ્યાન સ્થાનિકોએ મધ્યસ્થી કરતા મામલો થાળે પડ્યો હતો . ત્યારબાદ સતીશ તડવી ચપ્પુ સાથે મારા ઘરે ઘસી આવ્યો હતો . પ્રથમ ઘા ઉગામતા હું એ પોતાનો બચાવ કરતા ચાકુનો ઘા તિજોરી ઉપર વાગ્યો હતો . અમારી બંને વચ્ચે ઝપાઝપી થતા મને સામાન્ય ઇજાઓ પહોંચી છે . મારા બચાવમાં બહેન વચ્ચે આવતા તેને પણ સામાન્ય ઈજા પહોંચી છે . આસપાસના લોકોએ એકત્ર થઈ ઝઘડો થાળે પાડ્યો હતો . જતા સમયે સતીશ તડવીએ ધમકી આપી હતી કે , તારી બહેન તથા તારા પિતાને જાનથી મારી નાખીશ .
આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.