સમાન નાગરિક સંહિતા સમિતિના સભ્યોએ જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો સાથે બેઠક કરી મંતવ્યો જાણ્યાં*
*સમાન નાગરિક સંહિતા સમિતિના સભ્યોએ જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો સાથે બેઠક કરી મંતવ્યો જાણ્યાં*
--------------
*રાજ્યમાં સમાન નાગરિક સંહિતાના અમલીકરણ પહેલા નાગરિકોના અભિપ્રાયો જાણવા અત્યંત જરૂરી: સમિતિના સભ્ય શ્રી સી.એલ.મીના*
--------------
*સમાન નાગરિક સંહિતાના કારણે ધર્મની સ્વતંત્રતા, લગ્ન પદ્ધતિઓ અંગે ઉદભવનારી ભ્રાંતિઓથી આશ્વસ્થ કરતા સમિતિના સભ્ય શ્રી શત્રુઘ્ન સિંહા*
--------------
બંધારણની કલમ ૪૪માં દર્શાવેલી દેશમાં વસતા તમામ નાગરિકો માટે સમાન પ્રકારની કાયદો વ્યવસ્થા હોવી જોઈએ તેની કરાયેલી કલ્પનાની દિશામાં આગળ વધતા ગુજરાત રાજ્યમાં સમાન નાગરિક સંહિતાને લાગુ કરવા પૂર્વે નાગરિક સમાજના મંતવ્યો જાણવા માટે નિમાયેલી સમિતિના સભ્યોએ આજે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાત લીધી હતી.
ઈણાજ ખાતે આવેલી કલેક્ટર કચેરી ખાતે જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો સાથે સમિતિના સભ્યોએ સંવાદ સાધી સમાન નાગરિક સંહિતાના અમલીકરણમાં ક્યા મુદ્દાઓને આમેજ કરવા જોઈએ એ સંદર્ભમાં સૂચનો, મંતવ્યો જાણ્યાં હતાં.
આ બેઠકમાં સમિતિના સભ્ય શ્રી સી.એલ.મીનાએ જણાવ્યું હતું કે, રાજ્યમાં સમાન સિવિલ કોડના અમલીકરણ પહેલા રાજ્યના નાગરિકોના અભિપ્રાયો જાણવા ખૂબ જ અગત્યના છે. સમાનતાને અનુલક્ષી સમાન સિવિલ કોડનો મુસદ્દો તૈયાર કરવામાં આવશે. નાગરિકોના અભિપ્રાયોના સઘન અભ્યાસ પછી સમિતિ બને એટલી ત્વરાએ સરકાર સમક્ષ અહેવાલ રજૂ કરશે.
જ્યારે સીનિયર એડ્વાઈઝર શત્રુઘ્નસિંહાએ ઉપસ્થિત પ્રબુદ્ધ લોકોને સમાન નાગરિક સંહિતાના કારણે ધર્મની સ્વતંત્રતા, લગ્ન પદ્ધતિઓ અંગે ઉદભવનારી ભ્રાંતિઓથી આશ્વસ્થ કર્યા હતાં.
તેમમે વધુમાં જણાવ્યું હતું કે, સમાન નાગરિક સંહિતામાં મહિલા અને બાળકોના અધિકારો વિશે વ્યાપક ધ્યાન આપવું જરૂરી છે. અનૌરસ બાળકોના હિતોના રક્ષણ સાથે ધર્મની સ્વતંત્રતા બરકરાર રાખીને લગ્નની વિવિધ પદ્ધતિઓ અને રીતરિવાજોમાં બદલાવ કરવા માટેનો આ ઉપક્રમ નથી તે બાબતની ઉપસ્થિત લોકોને સમજ આપી હતી.
સમિતિના સભ્યોએ સમાન નાગરિક સંહિતા અંગેનો કોઈ જનમતસંગ્રહ નથી પરંતુ પ્રવર્તમાન પરિપ્રેક્ષ્યમાં બદલાતા સમય સાથે તેની સાથે કઈ રીતે તાદાત્મ્ય કેળવી શકાય એ દિશામાં જવાનો એક પ્રયત્ન છે. તેવી સમજ આપીને વ્યાપક નાગરિક સમાજ પોતાના અભિપ્રાય-મંતવ્ય અને સૂચનો આપે જેથી ઉત્તમ પ્રકારની આ સંહિતાનું નિર્માણ કરી શકાય એ માટે સહયોગની અપેક્ષા વ્યક્ત કરી હતી.
નિવાસી અધિક કલેક્ટર શ્રી રાજેશ આલે સમાન નાગરિક સંહિતા માટે નિમાયેલી સમિતિનો પરિચય આપી ગીર સોમનાથ જિલ્લાનો વ્યાપક સહયોગ મળશે એવી તંત્ર વતી ખાતરી આપી હતી.
આ બેઠકમાં વિવિધ સંસ્થાના આગેવાનો અને પ્રબુદ્ધ નાગરિકોએ લગ્ન, છૂટાછેડા, ભરણપોષણ, મિલકતના અધિકારો, ધર્મ આધારિત કૌટુંબિક કાયદાઓ, લીવ-ઈન રિલેશનશિપમાં મહિલાઓના અધિકારો, નાણાકિય સહાય તેમજ વારસાના અધિકારોનું રક્ષણ જેવા વિષયો પર સમાન સિવિલ કોડ સમિતિ સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા હતાં.
રાજ્યનો કોઈપણ નાગરિક સમાન નાગરિક સંહિતા માટે વેબ-પોર્ટલ https://uccgujarat.in પર અથવા - સમાન સિવિલ કોડ સમિતિ ઑફિસ, કર્મયોગી ભવન, બ્લોક નં. ૧, વિભાગ એ, છઠ્ઠો માળ, સેક્ટર ૧૦ એ, ગાંધીનગર, પિન- ૩૮૨૦૧૦ પર પોતાના મંતવ્યો અને સૂચનો રજૂ કરી શકશે.
આ બેઠકમાં જિલ્લાના પ્રબુદ્ધ નાગરિકો, વકીલ મંડળના પ્રમુખો, સામાજિક કાર્યકરો, વિવિધ સંસ્થાના અગ્રણીઓ, સ્કૂલ-કોલેજના આચાર્યશ્રીઓ, ધાર્મિક સંસ્થાનોના પ્રતિનિધિઓએ ઉપસ્થિત રહી સમાન સિવિલ કોડ અંગે પોતાના સૂચનો-મંતવ્યો રજૂ કર્યા હતાં.
00 000 00 000
આ પ્રકારના તમામ સમાચાર માટેે
