દ્રોણેશ્વર ખાતે રાજ્યકક્ષાનો સમર કોચિંગ કેમ્પ - At This Time

દ્રોણેશ્વર ખાતે રાજ્યકક્ષાનો સમર કોચિંગ કેમ્પ


ગીર સોમનાથ, તા.૨૨: પક્ષીઓના મધુર ગુંજારવ સાથે લીલીછમ પ્રકૃતિના સાન્નિધ્યમાં દ્રોણેશ્વર ખાતે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર, સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત તેમજ જિલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર ગીર સોમનાથ દ્વારા તારીખ ૩૧/૦૫/૨૦૨૩ સુધી ગીરગઢડા સ્વામિનારાયણ શાળાના સહયોગથી રાજ્યકક્ષા સમર કોચિંગ કેમ્પમાં વિદ્યાર્થીઓ ફેન્સિંગ તેમજ યોગ પ્રશિક્ષણની તાલિમ લઈ શારીરિક તેમજ માનસિક સર્વાંગી વિકાસ સાધી રહ્યાં છે.
ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી ચૂકેલા હોય એવા પ્રતિભાશાળી ખેલાડીઓની પસંદગી કરી તેમની કેળવણી વધુ નીખરે અને રમતમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી ગુજરાતનું નામ રોશન કરે એવા હેતુસર ફેન્સિંગમાં ૫૦ બહેનો, યોગમાં ૫૦ બહેનો અને ૫૦ ભાઈઓ એમ કુલ ૧૫૦ ખેલાડીઓ ઈન્ટરનેશનલ અને નેશનલ કોચના માર્ગદર્શન હેઠળ પદ્ધતિસરનું માર્ગદર્શન મેળવી પોતાની રમતની કેળવણીને વધુ નિખારી રહ્યાં છે.

આ તાલિમ દરમિયાન ગુજરાત સરકાર દ્વારા ખેલાડીઓને રહેવા તથા જમવાની નિઃશુલ્ક સુવિધા પૂરી પાડવામાં આવે છે અને પ્રશિક્ષણ દરમિયાન પ્રત્યેક ખેલાડીઓને સ્પોર્ટકિટ પણ આપવામાં આવે છે. જેમાં કોસ્ચ્યુમ, ટ્રેકસુટ વગેરેનો સમાવેશ થાય છે. અહીં ટ્રેડિશનલ યોગ, આર્ટિસ્ટિક યોગ, રિધમિક ડ્યૂએટ યોગ, સામૂહિક યોગ જેવી યોગકળા તેમજ ફેન્સિંગમાં સેફ્ટી ઉપકરણોથી સજ્જ થઈ ડિફેન્સ અને એટેક જેવી તાલિમ આપવામાં આવે છે.

ખેલાડીઓને સવાર-સાંજ 3-3 કલાક તાલિમ આપવામાં આવે છે અને સવારે નાસ્તા પછી થિયરી શીખવવામાં આવે છે. જેમાં રમતના ટેક્નિકલ પાસાઓનો સમાવેશ થાય છે. જ્યારે બપોરે કઠોળ, ફ્રુટ સહિતનું વિટામીનયુક્ત આરોગ્યસભર ભોજન પીરસવામાં આવે છે અને વિદ્યાર્થીઓને પ્રેરણાદાયક સ્પોર્ટ્સ ફિલ્મ પણ બતાવવામાં આવે છે. જેથી તેમનામાં જુસ્સાનો સંચાર થાય. આ તમામ સુવિધાઓ બદલ રાજ્યભરમાંથી દ્રોણેશ્વર આવેલા ખેલાડીઓએ ગુજરાત સરકારનો આભાર પણ વ્યક્ત કર્યો હતો.
ગુજરાતના વિવિધ શહેરોમાંથી દ્રોણેશ્વર આવેલા ખેલાડીઓ પ્રકૃતિનું ઉત્તમ સાન્નિધ્ય માણી રહ્યાં છે. હિંમતનગરની ૧૩ વર્ષની ફેન્સિંગ ખેલાડી મહિમા ચૌધરીએ જણાવ્યું હતું કે, અહીં ઉર્જાસભર વાતાવરણ અને કોચના માર્ગદર્શનમાં પ્રશિક્ષણ લઈ રહી છું. નિષ્ણાંત કોચ દ્વારા રમતના તમામ પાસાઓ વિશે ઝીણવટભરી સમજ આપવામાં આવે છે. જેથી અમારી રમત વધુ સારી રીતે નિખરે છે. ગુજરાત સરકાર તરફથી રહેવા, જમવાની ઉત્તમ સુવિધા મળી રહે છે અને અહીંના વાતાવરણથી શરીરમાં અનોખી ઉર્જાનો સંચાર થાય છે.


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.