બોટાદમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી શ્રી વિનોદભાઈ મોરડીયાની અધ્યક્ષતામાં સરકારી હાઈસ્કુલના પટાંગણ ખાતે જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી - At This Time

બોટાદમાં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ મંત્રી શ્રી વિનોદભાઈ મોરડીયાની અધ્યક્ષતામાં સરકારી હાઈસ્કુલના પટાંગણ ખાતે જિલ્લાકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી


વંદે માતરમ-ભારતમાતા કી જયના નારા વચ્ચે દબદબાભેર યોજાયો સ્વાતંત્ર્ય પર્વ

વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશની આન, બાન અને શાનને સમસ્ત વિશ્વમાં ઉજાગર કરીને વિકસીત હિન્દુસ્તાનની એક અલગ ઓળખ ઉભી કરી છે : રાજ્યકક્ષાના મંત્રીશ્રી વિનોદભાઈ મોરડીયા

તાલુકાના વિકાસકાર્ય માટે કલેક્ટરશ્રીને રૂ.૨૫ લાખનો ચેક તેમજ ઉત્કૃષ્ટ કામગીરી બદલ અધિકારીઓ - જિલ્લાના ખેલાડીઓનું સન્માન કરાયું

બોટાદમાં સરકારી હાઈસ્કુલના પટાંગણ ખાતે વિનોદભાઈ મોરડીયાની ગરિમામય ઉપસ્થિતિમાં જિલ્લાકક્ષાનો ધ્વજવંદન સમારોહ યોજાયો હતો. જેમાં મંત્રીશ્રીએ ધ્વજને સલામી આપ્યાં બાદ ફૂલથી શણગારેલી ખુલ્લી જીપ્સીમાં બેસી બોટાદવાસીઓનું અભિવાદન કર્યું હતું. ત્યારબાદ ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજાયા હતાં.

આઝાદીના અમૃત મહોત્સવ નિમિત્તે યોજાયેલા આ સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીમાં મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આજે સમગ્ર દેશમાં સ્વતંત્રતા દિનની આનંદ અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે સમગ્ર રાષ્ટ્ર માટે જીવન અને જાત સમર્પિત કરનાર વીર સપૂતોને પ્રણામ સાથે વંદન કરૂ છું. આપણો દેશ તેના અમૃત કાળમાંથી પસાર થઇ રહ્યો છે, ત્યારે દેશની આઝાદી માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરનાર દેશના વીર સપૂતોના સ્વપ્નનું ભારત હવે આકાર લઇ રહ્યુ છે તેનુ આપણને સૌને ગૌરવ છે. આઝાદીની આહલેકમાં ગુજરાતની ભૂમિનું અદકેરું પ્રદાન રહ્યું છે. મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઇ પટેલ જેવા અનેક સ્વાતંત્ર્ય વીરોએ આઝાદી માટે સંઘર્ષ કર્યો છે.

મંત્રીશ્રીએ ઉમેર્યું કે, ગુજરાતના પનોતા પુત્ર અને ભારતના લોકલાડીલા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીએ દેશની આન, બાન અને શાનને સમસ્ત વિશ્વમાં ઉજાગર કરીને વિકસીત હિન્દુસ્તાનની એક અલગ ઓળખ ઊભી કરી છે. શ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિથી આજે ગ્રામજનો હોય કે શહેરીજનો, ગરીબો, આદિવાસીઓ, વંચિતો, ખેડૂતો, મહિલા અને યુવાનો સૌ કોઈ વિકાસની મુખ્યધારામાં આવી રહ્યા છે. દેશની એકતા, અખંડીતતા અને ગૌરવના પ્રતિક સમાન તિરંગાના સન્માન માટે “હર ઘર તિરંગા”ની સંકલ્પના આપવામાં આવી ત્યારે તમામ દેશવાસીઓ જાતિ, ધર્મ કે સરહદોથી પર ઉઠીને તિરંગાના સન્માન માટે એક થઈને, એક ભારત શ્રેષ્ઠ ભારતનો મંત્ર સાર્થક કરી રહ્યા છીએ.

ગુજરાત અને ગુજરાતીઓનું સૌભાગ્ય એ રહ્યું છે કે, દીર્ઘદ્રષ્ટા અને નિષ્ઠાવાન, નિડર લીડર શ્રી નરેન્દ્રભાઈ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી તરીકે હતા ત્યારે, તેમણે ચીંધેલા ગુજરાતના વિકાસના પથ ઉપર આજે મૃદુ અને મક્કમ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પ્રત્યેક ગુજરાતીના વિકાસ માટે નિષ્ઠાપૂર્વક આગળ વધી રહ્યા છે. ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા ‘વંદે ગુજરાત વિકાસ યાત્રા’ દરમિયાન બોટાદ જિલ્લામાં કરોડોના વિકાસના કામોનુ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરીને નાગરિકોને વધુ ગુણવતાયુક્ત સુવિધાઓની ભેટ આપવામાં આવી છે, તેટલુ જ નહિ કરોડોના નવા કામો માટેની પણ જાહેરાત કરવામાં આવી છે.

મંત્રીશ્રીએ આઝાદીના શુભ પર્વ નિમિત્તે જાહેરાત કરતાં જણાવ્યું હતું કે, બોટાદ નગરપાલિકાના વધેલ વિસ્તારોને આવરી લેતા ડેવલપમેન્ટ પ્લાન તૈયાર કરી તા.૧૨/૦૮/૨૦૨૨ના રોજ પ્રાથમિક પ્રસિધ્ધ કરવામાં આવેલ છે. જેનાથી બોટાદ શહેરનો આગામી દિવસોમાં આયોજનબધ્ધ વિકાસ થશે. સાથોસાથ બોટાદના લાખેણી ખાતે આશરે ૧૦૭ હેક્ટર જમીન એરસ્ટ્રીપ માટે અનામત રાખવામાં આવી છે.

કાર્યક્રમમાં તાલુકાના વિકાસકાર્ય માટે કલેક્ટરશ્રીને રૂ.૨૫ લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો અને ઉત્કૃષ્ટ કામગીરી બદલ અધિકારીઓ-કર્મચારીઓનું સન્માન કરાયું હતું. મંત્રીશ્રીએ કાર્યક્રમ બાદ રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની પ્રતિમાનું અનાવરણ કર્યું હતું ઉપરાંત મંત્રીશ્રીના હસ્તે અવેડા ગેટ પાસે માઇનોર બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

આ ઉજવણીમાં જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ વિરાણી, ભાજપ અગ્રણીશ્રી ભીખુભાઇ વાઘેલા, ચંદુભાઈ સાવલિયા, જિલ્લા કલેકટરશ્રી બી.એ.શાહ, જિલ્લા વિકાસ અધિકારી શ્રી પી.ડી.પલસાણા, જિલ્લા પોલિસ અધિક્ષકશ્રી કિશોર બલોલિયા, નિવાસી અધિક કલેકટરશ્રી મુકેશ પરમાર, પ્રાંત અધિકારીશ્રી દિપક સતાણી તેમજ અધિકારીઓ-કર્મચારીઓ, તાલુકા અને ગ્રામ્ય વિસ્તારના અગ્રણીઓ અને સ્થાનિક લોકો પણ બહોળા પ્રમાણમાં ઉપસ્થિત રહ્યાં હતાં.

રિપોર્ટર:ચિંતન વાગડીયા

મો:8000834888


આ પ્રકારના તમામ સમાચાર માટેે App ડાઉનલોડ કરો.